Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઘરમાં કાશી ઘરમાં મથુરા

વર્તમાનમાં વિશ્વ 'કોરાના'ના કપરા કાળમાંથી પસાર થઇ રહ્યું છે. 'કોરાના વાયરસે પોતાનું રૂદ્રરૂપ ધારણ કરી દુનિયામાં એક ભયંકર ભીયભીત મહોલ સ્થાપિત કરેલ છે. અનેક લોકોને મોતના ભરડામાં લીધા પછી પણ હજુ કોરોના' પીછો છોડતું નથી. એકબાજુ માનવસર્જીત આફત બીજુબાજુ કુદરતિ આફતોનો સામનો કરી મુશ્કેલીઓમાં પણ મજબૂત બની કોઇપણ પરીસ્થિતિનો સામનો કરવા માણસ સમર્થ બન્યો છે.

પૂરા વિશ્વની પ્રજા સુરક્ષા સલામતી અને જનકલ્યાણનીશુભ ભાવનાના સંદેશાઓ અનેક માધ્યમો દ્વારા પહોંચડી રહી છે. કોરાનાની કારમી પરીક્ષાની માણસ શરીરથી જાણે દૂર હોય પણ મનથી સહુ નજીક આવી ગયા છે. સહુના સહકારથી કાર્ય સિદ્ધિનો મંત્ર સાકાર થતો દેખાય રહ્યો છે. ગામડાનો અભણ માણસ કે શહેરનો ભણેલો માણસ જાતે સુરક્ષિત રહી કુટુંબ અને સમાજને સહયોગી રહ્યો છે. સહુનો એક અવાજ 'ઘરમાં રહો સુરક્ષિત રહો જાન હે તો જહાન' કોરોનાથી બચો અને સલામત રહો.ઘરની ભાષા ભૂલેલાને 'કોરાનો'એ ઘરનું ભાન કરાવ્યું છે.

સુખ માટેની આંધળી શોધમાં રસ્તા ભૂલેલ આખુ વિશ્વ આજે પોતાના ઘરમાંં કેદ છે. આફત નાની હોય કે મોટી કુદરતી હોય કે માનવ સર્જીત આવા કઠીન સમયે ઘર એટલે શું ? તે સમજાય તોજ 'આપત્તિઓને અવસર'માં બદલી શકાય. આવેલા સમયનો સદ્ઉપયોગ કરી એક નવા યુગમાં પ્રવેશ પહેલા 'ઘર' થી જ શકય છે આમ ઘણુ બધુ કોરોનાએ પૂરા વિશ્વને શિખવાડી દિધું છે.

ઘર એટલે જંગલની ઝૂંપડી, ગુફા કે ઝાડ ઉપરના માળા, જમીન ઉપરના બંગલા, બિલ્ડીંગ કે ઝૂંપડા બધુજ મારૂ 'ઘર' થી જ ઓળખાય છે. કહેવત છે. 'પૃથ્વીનો છેડો ઘર' ઘર' સાથેની આત્મિયતા અને કુટુંબીજનોનો પ્રેમ દુનિયાને કોઇપણ છેડે માણસની સાથેજ હોય છે. એટલે જ તો પશુ-પક્ષિઓ અને મનુષ્યો સહુ સાંજ પડે સુરક્ષિત સ્થાન શોધી વિસામો લે છે. તેને કહે છે. 'ઘર' માણસ 'પ્રાર્થના કરવા ભલે મંદિરોમાં જાય પણ ભરોસો તો ઘરનો થાય' તેથી તો મંદિર કરતા ઘરનું સ્થાન મોટુ છે. માણસ જન્મે છે. ઘરમાંં પછી મંદિરના દરવાજા તો ઘરના માણસના સંસ્કારો બતાવે છે. ઇતિહાસમાં આપણા સંતો અને ભકતોએ ઘરમાં રહી ભકિત કરી ભગવાનની પ્રાપ્તિ કરેલ અને 'ઘર'ને એક તીર્થ બનાવેલ છે. 'ઘર' એક 'તીર્થ'છે. 'ઘરમા કાશી ઘરમાં મથુરા' આજે 'કોરાના'એ ફરી પાછો તે રસ્તો બતાવી સમજાવ્યું છે. ઘરમાં રહો અને ઘરને 'તીર્થ' બનાવો.

હોટેલ રેસ્ટોરન્ટ અને હોસ્ટેલમાં રહેતો માણસ આજે ઘરમાં ભરાઇને બેઠો છે. ઘરનું સાચુ દર્શન સમજાય ગયું છે. ઘર એક તીર્થ છે. પણ ઘરની અંદર સંુદર વિચારો સાથે બનાવેલું સાત્વિકભોજન એક પ્રસાદ છે.

એટલું જ નહી પણ રામાયણમાં શ્રી રામભગવાને લક્ષ્મણ રેખા બનાવી ઘરને એક મર્યાદાનું પ્રતિક બનાવી એક અદ્દભૂત ઉદાહરણ આપેલ છે. સમજાવ્યું છે કે વગર વિચારે ઘરનો ઉંબરો ઓળંગવો નહીં અને બહારથી આવતા માણસો મર્યાદાનું પાલન કરી પ્રવેશ કરવો. શુદ્ધ આચાર, વિચારો અને સુસંસ્કારો વાળા 'ઘર'માં પ્રભૂનો વાસ છે. જેથી 'ઘર એક મંદિર' છે.

આમ ઘરની સરખામણી સમજવા અને લખવા માટે હોય. ઘરમાં રહી અને ઘરને માણવાની સમજવાની મજા ઓર હોય છે. પ્રિય જનોને સથવારા, સુખ દુઃખના સહારા ઘર એક મર્યાદાનું પ્રતિક સાથે શાંતિનું સુખધામ, સલામતીનો ભરોસો, સંસ્કારની પાઠશાળા જે રીતે ઘરેણા પહેરવાથી શરીરની શોભા વધે તેમ તીર્થ જેવા ઘરથી માણસની શોભા વધે છે. 'ઘરને તમે સાચવો ઘર તમને સાચવશે.'

આજે દુનિયાનો દરેક માણસ એક સરખી પીડાથી પીડાઇ રહ્યો છે. ત્યારે કુદરતનો કોઇ સંદેશ માની ઘરની અંદર પગલા પાડી અને'કોરોના'ને કાઢવા સફળ થઇએ અને આવનારા નવા યુગમાં પ્રવેશવા સમસ્યાઓનું સમાધાન શોધ કુટુંબ અને સમાજને સહયોગી બની રહીએ છે.

મૃદુલા ઠકકર

ફોન. ૦ર૮૧/રરર૪૮ર૮ રાજકોટ

(2:41 pm IST)