Gujarati News

Gujarati News

News of Tuesday, 1st December 2020

ઉદય કોવિડની આગઃ ડો. પ્રકાશ મોઢા, પુત્ર વિશાલ અને ડો. કરમટાની બીજી રાત પોલીસ મથકમાં વીતીઃ બપોરે કોર્ટ હવાલે

બેદરકારીથી પાંચ દર્દીઓના મોત અંગે ગુનો નોંધાયા બાદ કોવિડ રિપોર્ટ નેગેટિવ આવતાં ધરપકડ

રાજકોટ તા. ૧: આનંદ બંગલા ચોકમાં આવેલી ઉદય કોવિડ હોસ્પિટલમાં ૨૭મીએ લાગેલી આગમાં પાંચ કોરોના દર્દીના મૃત્યુ નિપજ્યાની ઘટનામાં બેદરકારીથી મોત નિપજાવવા અંગે માલવીયાનગર પોલીસ મથકમાં પાંચ ડોકટરો સાથે ગુનો નોંધાયા બાદ ડો. પ્રકાશ મોઢા, તેના પુત્ર અને ડો. કરમટાને અટકાયતમાં લઇ કોરોના રિપોર્ટ કરાવાયા હતાં. સાંજે તેનો રિપોર્ટ નેગેટિવ આવતાં ત્રણેય તબિબોની ધરપકડ કરી લેવામાં આવી છે. આ કાર્યવાહી દરમિયાન ત્રણેયની સતત બીજી રાત પોલીસ મથકમાં પસાર થઇ હતી. આજે બપોરે ત્રણેયને કોર્ટ હવાલે કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે.

આગ લાગવાની ઘટનામાં પાંચ દર્દીઓ પૈકી કેશુભાઇ લાલજીભાઇ અકબરી (ઉ.વ. ૫૦- રહે. ન્યુ શકિત સોસાયટી રાજકોટ)નું મૃત્યુ ગુંગળામણને કારણે તથા અન્ય ચાર દર્દીઓ રામશીભાઇ મોતીભાઇ લોહ (ઉ.વ. ૬૫ -રહે, જસદણ, અર્જુન પાર્ક સોસાયટી, ધોરીયાની બાજુમાં, તા. જસદણ), રસીકલાલ શાંતિલાલ અગ્રાવત (ઉ.વ. ૫ ૬-રહે. શિવનગર શેરી નં. ૨, વેરાવળ (શાપર),  સંજય ભાઈ અમૃતભાઇ રાઠોડ (ઉ.વ. ૫૭ રહે. પ્રહલાદ પ્લોટ ૪૧, કેદાર કૃપા, કરણપરા ચોક, રાજકોટ) અને નીતીનભાઇ મણીલાલ બદાણી (ઉ.વ. ૬૧-રહે. ઇસ્કોન ફલેટ, ૨૦૨, શનાળા રોડ, મોરબી)ના મુત્યુ દાઝી જવાથી થયાનો રિપોર્ટ આવ્યો હતો.

પોલીસ તપાસમાં જણાઇ આવ્યું હતું કે, આઇસીયુનું ઇમરજન્સી એકઝીટ બંધ હાલતમાં રાખવામાં આવેલ હતું અને દરવાજા પાસે મશીનરી મુકી, આડશ મુકીને અવરોધ ઉભો કરેલ હતો. દર્દી  કેશુભાઇનું મૃત્યુ ગુંગળામણને કારણે થયેલ હોય તેમજ ફાયર બ્રિગ્રેડના કર્મચારીના નિવેદન મુજબ આઇસીયુમાં વેન્ટીલેશન ન હોવાને કારણે ધુમાડો થયેલ હતો. તેમજ આઇસીયુમાં સેનીટાઇઝર જેવા જવલનશીલ પ્રવાહી વધુ માત્રામાં હતા. પ્રથમ, બીજો તથા ત્રીજો માળ એટલે કે, સમગ્ર કવીડ હોસ્પિટલમાં ૫૩ દદીઓની કેપેસીટી હોવા છતા હોસ્પીટલમાંથી બહાર ઇમરજન્સી સમયે જવા માટે કોઇ ઇમરજન્સી દરવાજો ન હોઇ ફકત ચાર ફુટની પહોળાઇ ધરાવતા પગથીયા દ્વારા જ ચડવા-ઉતરવાની વ્યવસ્થા છે. તેમ જ ફકત ગ્રાઉન્ડ ફલોરમાં એકઝીટના બે દરવાજા આપેલ છે તે પણ કોઇપણ દર્દીને ફાયર સાઇનબોર્ડ કે અન્ય કોઇ રીફલેકટર દ્રારા ઇમરજન્સી EXIT દર્શાવેલ નથી. તેમ જ આઇસીયુમાં પ્રવેશવાના દરવાજાની પહોળાઇ ૩ ફુટ ૪ ઇંચ છે જે નિયમો કરતા ખુબ જ ઓછી છે. આ સહિતના ૧૬ જેટલા બેદરકારીના કારણો સામે આવ્યા બાદ આઇપીસી ૩૦૪ (અ), ૧૧૪ મુજબ ગુનો દાખલ કરાયો હતો.

ડો. પ્રકાશચંદર ગોકલદાસ મોઢા (ઉ.વ.૬૬-ચેરમેન ગોકુલ લાઇફકેર પ્રા.લિ.) તેમના પુત્ર વિશાલ પ્રકાશચંદ્ર મોઢા (ઉ.વ.૩૯) (રહે. બંને શિવ કૃપા ઇન્દ્રપ્રસ્થ સોસાયટી-૧૦, હેમુ ગઢવી હોલ પાછળ) અને ડો. તેજસ લક્ષમણભાઇ કરમટા (ઉ.વ.૪૨-રહે. પ્લોટ નં. ૪૩, આર. કે. પાર્ક મેઇન રોડ રાણી ટાવર પાછળ)ના કોરોના રિપોર્ટ નેગેટિવ આવતાં ગત સાંજે ધરપકડ કરવામાં આવી છે. પુછતાછમાં ત્રણેયએ પોતાની હોસ્પિટલમાં બીજા કરતાં વધુ સુવિધા હોવાનું રટણ કર્યુ હતું.

આમ તો આ કેસમાં પોલીસને આરોપીઓને પોલીસ સ્ટેશનમાં જ જામીન પર મુકત કરવાની સત્તા છે. પરંતુ પોલીસ કાર્યવાહી પર આક્ષેપો ન થાય એ માટે થઇને આજે બપોરે ત્રણેયને કોર્ટમાં રજૂ કરવાનો નિર્ણય લેવાયો હતો.

ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી જે. એસ. ગેડમ, પીઆઇ આર. વાય. રાવલ, પીઆઇ કે. એન. ભુકણ, પીઆઇ જે. વી. ધોળા, પીએસઆઇ વી. કે. ઝાલા, પીએસઆઇ એન. ડી. ડામોર, ભરતભાઇ વનાણી, પરેશભાઇ જારીયા, મયુરભાઇ, અરૂણભાઇ, પ્રવિણભાઇ સહિતનો સ્ટાફ વધુ તપાસ કરે છે. અન્ય બે તબિબો ડો. તેજસ મોતીવારસ, ડો. દિગ્વીજયસિંહ જાડેજાના પણ એફઆઇઆરમાં આરોપી તરીકે નામ છે. તેમના વિરૂધ્ધ પુરાવા મળ્યા બાદ પોલીસ આગળ કાર્યવાહી કરશે.

(11:56 am IST)