Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

કુ.ઉન્નતિ દ્વારા કાલે 'મોહિની અટ્ટમ' નૃત્ય પ્રસ્તુતિ

રાજકોટમાં આ કલાનૃત્યની સૌપ્રથમ રજૂઆત : હેમુ ગઢવી હોલમાં કાર્યક્રમ : ૧૪ વર્ષની નૃત્ય સાધનાનો નીચોડ રજૂ થશે

 

તસ્વીરમાં 'અકિલા'ના મોભી શ્રી કિરીટભાઈ ગણાત્રા સાથે કુ. ઉન્નતિ અજમેરા, તેના પિતા હિમ્મતભાઈ અજમેરા, માતા શૈલીબેન અજમેરા અને શાળા શિક્ષક જીતુભાઈ ધોળકીયા તસ્વીરમાં નજરે પડે છે.

રાજકોટ, તા. ૧ : 'મોહિની અટ્ટમ'એ ભારતીય સંસ્કૃતિની ૭ કલાઓ પૈકીની એક કલા છે. જેનો સૌ પ્રથમવાર રાજકોટીયનોને આસ્વાદ માણવાનો સંજોગ સર્જાયો છે. કુ. ઉન્નતિ દ્વારા કાલે તા.૨ના રવિવારે હેમુગઢવી હોલમાં 'મોહિની અટ્ટમ' નૃત્ય કલાની પ્રસ્તુતિ થવા જઈ રહી છે.

'અકિલા' ખાતે વિગતો વર્ણવતા કુ.ઉન્નતિએ જણાવેલ કે છેલ્લા ૧૪ વર્ષથી હું નૃત્ય સાધના કરી રહી છું. હું નાની હતી ત્યારે નાચવુ - કૂદવુ, નૃત્ય કરવું એ ખૂબ જ ગમતુ હતું. માતા - પિતા પણ મારી આ નૃત્કલાથી ખુશ હતા. સાથે અમારા પરિવારના એવા ડો. સુરાણી પ્રેરણાથી ગૌરવ પુરસ્કારથી સન્માનિત એવા પૂર્વીબેન શેઠને ત્યાં 'ભરતનાટ્યમ્'ની તાલીમ લેવાનું શરૂ કરેલ. ધો.૧૧માં અભ્યાસ કરતા કરતા ઓરંગેત્રમ રજૂ કર્યુ અને ધો.૧૨માં બોર્ડની પરીક્ષા હોવા છતાં વિશારદની પદવી પણ પ્રાપ્ત કરી અને બોર્ડની પરીક્ષા પણ પાસ કરી.

ધોળકીયા સ્કુલના જીતુસરનો પણ ખૂબ સહયોગ રહેલ. ઉન્નતિને કલામાં ખૂબ જ રસ હોવાથી આ ક્ષેત્રમાં જ આગળ વધારવા તેમણે પ્રોત્સાહિત કરેલ.

ગુરૂ પૂર્વીબહેને શેઠનો સૂર મળ્યો અને સોનામાં સુગંધ ભળી અને પૂર્વીબહેને મુંબઈ તાલીમ લેવા જવા શીખ આપી. દિકરી ઉન્નતિએ મુંબઈ સ્થિત 'નાલંદા નૃત્યકલા મહાવિદ્યાલય' કે જે મુંબઈ યુનિવર્સિટી સંલગ્ન છે. તેમાં પ્રવેશ મેળવવા માટે પરીક્ષા આપી અને બેઝીક પરીક્ષા પાસ કરી લીધી.

ગુરૂજનો દ્વારા કહેવામાં આવ્યુ કે બધા નૃત્યમાંથી મોહિનીઅટ્ટમ નૃત્ય શૈલી અઘરી હોય છે પણ ઉન્નતિએ મોહિની અટ્ટમ શીખવા નિશ્ચય કરી લીધો હતો.

મોહીની અટ્ટમ નૃત્ય શૈલીમાં પદ્મભૂષણ ડો. કનકબેન રેલેના માર્ગદર્શન હેઠળ આ નૃત્ય શૈલી શીખવાની શરૂઆત થઈ. કનકબહેને રેલે આ કલાના ભિષ્મપિતા કહેવાય છે અને એમને આજ સુધીમાં અસંખ્ય એવોર્ડ પણ મેળવ્યા છે.

કેરલ પ્રદેશથી આવેલી આ નૃત્ય શૈલી મોહીની અટ્ટમ વિશે પૌરાણીક કથામાં કહ્યું છે કે ભગવાન વિષ્ણુએ દેવદાનવોથી રક્ષણ કરવા મોહીનીરૂપ લઈને મોહીનઅટ્ટમ રજૂ કર્યુ હતુ. સાત નૃત્ય શૈલીમાંની આ એક જ એવી નૃત્ય શૈલી છે કે જે સાક્ષાત ભગવાનને પ્રસ્તુત કરી છે.

કુ. ઉન્નતિએ તેમની ઉંમરની જીંદગીના ૨૩ વર્ષમાંથી ૧૪ વર્ષનો ભરતનાટ્યમ અને મોહીનીઅટ્ટમ નૃત્ય કલાને સમર્પિત કરી અને નૃત્યમાં નિપુણતા મેળવી છે. કુ. ઉન્નતિએ તેમના કલાગુરૂ કનકબેન રેલેના માધ્યમથી વિવિધ નાટ્યરચનાઓમાં ભાગ લીધો છે. જેવા કે પૃથ્વીથી આનંદીની, સંતવાણી, ચર્તુરધારા, દેવી તેમજ નાલંદા નૃત્યકલા મહાવિદ્યાલયની નાટ્યવૃંદ સાથે આઠેક જેટલા ઉત્સવમાં પણ ભાગ લીધો છે.

આમ ઉન્નતિએ કલાક્ષેત્રમાં અજમેરા પરિવારનું ગૌરવ વધાર્યુ છે સાથે સાથે તેના ધો.૧૦માં અભ્યાસ કરતા નાનાભાઈ તન્મય જે ધોળકીયા સ્કુલમાં જ અભ્યાસ કરે છે તેઓએ ચેસમાં નેશનલ લેવલ સુધી સિદ્ધિઓ મેળવી છે. તેમ તેના પિતા હિમ્મતભાઈ અજમેરા (મો.૯૪૨૭૭ ૨૪૯૬૩) અને માતા શૈલીબેન અજમેરાએ જણાવેલ.

રાજકોટ સર્વપ્રથમ રજૂ થતી આ નૃત્ય શૈલીને જો કોઈ કલારસીકો માણવા ઈચ્છતા હોય તો આવતીકાલે તા.૨ને રવિવારે સાંજે ૭:૩૦ થી ૯ કલાક દરમિયાન હેમુગઢવી ઓડીટોરીયમમાં નિઃશુલ્ક પ્રવેશ મેળવી શકશે. (૩૭.૯)

(4:01 pm IST)