Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનો પ્રારંભ

શાસ્ત્રી કૃષ્ણકાંત ત્રિવેદીના વ્યાસાસને સંગીતમય કથાપાન કરવા મહંત શાંતિગીરી ગોસ્વામીનો અનુરોધ

રાજકોટ, તા.૧: અત્રે આજી નદી નીચે બીરાજતા રાજકોટના ગ્રામ્ય દેવતા સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવના સાનિધ્યમાં આજે શનિવારથી તા.૭-૧૨-૨૦૧૮ શુક્રવાર સુધી શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાનયજ્ઞનું આયોજન કરવામાં આવેલ છે.

વ્યાસપીઠ ઉપર શ્રીમદ ભાગવત, શિવપુરાણ અને દેવભાગવતના પ્રસિધ્ધ વકતા શાસ્ત્રી કૃષ્ણકાંત ત્રિવેદી સંગીતમય કથાનું રસપાન કરાવશે. કથા દરમ્યાન કપીલ જન્મ, નૃસિંહ પ્રાગટય, વામન જન્મ, રામજન્મ, કૃષ્ણ જન્મોત્સવ, ગોવર્ધન પુજા, રૂક્ષ્મણી વિવાહ, સુદામા ચરિત્ર, પરીક્ષીત મોક્ષની કથાના પાવન પ્રસંગો રજુ થશે. પોથી યાત્રા આજે બપોરે ૪:૦૦ વાગ્યે મહાકાળી માતાજીનો મઢ, ૧૧-રામનાથપરા ખાતેથી વાજતે ગાજતે નીકળી હતી.

આજે સાંજે પ વાગ્યે કથાનો પ્રારંભ થયો છે. કથા પ્રસંગે તા.૩ને સોમવારે રાત્રે ૯.૩૦ વાગ્યે સંતવાણી કાર્યક્રમ રાખેલ છે. જેમાં જાણીતા ગાયક જયદેવભાઇ ગોસાઇ અને ગોપાલભાઇ બારોટ સાજીંદાના સથવારે રમઝટ બોલાવશે.કથામાં રામનાથ મહાદેવના ભકતોને દરરોજના યજમાન, પુજા, પ્રસાદ સહિતના ધર્મલાભ લેવા અનુરોધ કરાયો છે.આ કથાને સફળ બનાવવા પ્રમુખ યજમાન બાબુભાઇ કડવાભાઇ બાંભવા તથા નંદાભાઇ અને પરિવાર દ્વારા સંપુર્ણ સાથ સહકાર સાંપડેલ છે. આ કથાનો લાભ લેવા મંદિરના મહંત શાંતીગીરી ગોસ્વામી (મો.૯૪૨૬૪ ૮૪૦૯૭) તથા રામનાથ દાદાના સમસ્ત સેવકો તરફથી જાહેર જનતાને હાર્દિક નિમંત્રણ પાઠવવામાં આવેલ છે.(૨૩.૧૨)

(4:00 pm IST)