Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

પ્રમુખસ્વામી જયંતી મહોત્સવમાં ર૦ લાખ લોકો ઉમટશે

માધાપર-મોરબી બાયપાસ રોડ પર પ૦૦ એકર જમીનમાં વિરાટ આયોજનઃ આવતીકાલે સાંજે પૂ. મહંત સ્વામીજી રાજકોટ પધારશેઃ સ્વામિનારાયણ નગરમાં પૂ. પ્રમુખ સ્વામીજીની ર૭ ફૂટ ઊંચી પ્રતિમાનું નિર્માણઃ ૧૧ દિવસ વિવિધ કાર્યક્રમોઃ લાઇટ-સાઉન્ડ-શો યાદગાર બનશેઃ દરેક ભાવિકો માટે ભોજનની વ્યવસ્થાઃ જબ્બર આયોજનઃ તા.૭ના પ્રમુખ સ્વામીનો તારીખ પ્રમાણે જન્મોત્સવ, તા. ૧પના તિથિ પ્રમાણે જન્મોત્સવ ઉજવાશેઃ તા.પના પૂ.મહંત સ્વામીજી તથા મુખ્યમંત્રીશ્રીના હસ્તે મહોત્સવનો મંગલારંભઃ મહોત્સવ દરમિયાન તા. ૬ના આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલનઃ સમગ્ર મહોત્સવને ભવ્ય-દિવ્ય બનાવવા ૪પ સમિતિઓ સક્રિયઃ બીએપીએસ મંદિરે એક વર્ષમાં ૯૦ સેમીનારો યોજાયાઃ જન્મજયંતિ મહોત્સવમાં પ્રદર્શન નિહાળવા દરરોજ સવારે શાળા- કોલેજોના વિદ્યાર્થીઓ આવશેઃ પૂ. મહંત સ્વામીની કાલે સાંજે ૭ વાગ્યે રાજકોટમાં પધરામણીઃ BAPS મંદિરે રવિસભા : પ૦૦ એકર જમીન પર સ્વામિનારાયણ નગરનું નિર્માણઃ પ૬ દેશોમાંથી હરિભકતો આવશેઃ ૪૦૦ સંતો, પપ૦૦ સ્વયંસેવકો ચાર મહિનાથી સેવામાં * નગરમાં પાંચ મંદિરોના નિર્માણ, છ ડોમમાં વિવિધ પ્રદર્શનો

વિરાટ આયોજન, વિરાટ તૈયારીઃ મોરબી રોડ પર રાજકોટ પાસે પ૦૦ એકર જમીન પર પૂ. પ્રમુખ સ્વામીજીનો જન્મ જયંતી મહોત્સવ આયોજિત થયો છે. સ્વામિનારાયણ નગરમાં પાંચ મંદિરો તથા પૂ. પ્રમુખ સ્વામીજીની વિરાટ પ્રતિમા પણ નિર્માણ થઇ રહી છે. તસ્વીરોમાં સંતો-સ્વયંસેવકો તૈયારી કરતા દર્શાય છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

પત્રકાર પરિષદ સંબોધતા પૂ. બ્રહ્મવિહારી સ્વામીજી અને પૂ. અપૂર્વમુનિજી તથા સંતો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા. ૧ : પૂ. પ્રમુખ સ્વામીજી મહારાજનો ૯૮મો જન્મ જયંતિ મહોત્સવ રાજકોટના આંગણે ઐતિહાસિક બની રહેશે. ચોમેર ઉત્સાહ ફેલાયો છે. દેશ-દુનિયામાંથી ર૦ લાખથી વધારે હરિભકતો ઉમટી પડે તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે.

આ અંગે યોજાયેલી પત્રકાર પરિષદમાં પૂ. અપૂર્વ  સ્વામીજી તથા બ્રહ્મવિહાર સ્વામીએ માહિતી આપી હતી. પ્રમુખ સ્વામીજીનો જન્મ જયંત મહોત્સવ રાજકોટમાં યાદગાર બને તે માટે છેલ્લા ૪ મહિનાથી ૪૦૦ સંતો અને પપ૦૦ સ્વયંસેવકો સતત સક્રિય છે.

પ૦૦ એકર જમીન પર અતિ ભવ્ય-દિવ્ય સ્વામીનારાયણ નગરનું નિર્માણ થયું છે. આ નગરમાં ફાઇબરના પાંચ મહાકાય મંદિરો, છ વિરાટ ડોમ અને પ્રમુખ સ્વામી મહારાજની ર૭ ફૂટ ઉંચી મૂર્તિનું નિર્માણ થયું છે.

વિશ્વ વંદનીય સંતવિભૂતિ પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મ જયંતિ મહોત્સવ તારીખ પ ડિસેમ્બરથી ૧પ ડિસેમ્બર દરમ્યાન માધાપર-મોરબી બાયપાસ રોડ, રાજકોટ ખાતે આવેલા વિશાળ સ્વામિનારાયણ નગરમાં ભવ્યતા અને દિવ્યતાથી ઉજવાશે.

આકર્ષક પ્રવેશદ્વારમાં 'ઉપકાર'થીમ આધારીત ભવ્ય અને કલાત્મક પ્રવેશ દ્વાર (પહોળાઇ ૩પ૦ ફુટ અને ઉંચાઇ ૩૪ ફૂટ) અહીં આવનાર ભકતો-ભાવિકોને સત્કારશે.  પરમ પૂજય પ્રમુખસ્વામી મહારાજની ર૭ ફૂટ ઉંચી પ્રતિમા સૌ પર આશિર્વાદની અમીવૃષ્ટિ વરસાવશે.

આ સ્વામિનારાયણ નગર પાંચ કલાત્મક મંદિરોથી શોભી રહ્યું છે. મુખ્ય મંદિરમાં શ્રી અક્ષરપુરૂષોત્તમ મહારાજ બિરાજમાન થશે. અન્ય ૪ મંદિરોમાં શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી સીતારામ, શ્રી શંકર પાર્વતી બિરાજશે.  નિર્માણ થયા છે. કુલ ૬ ભવ્ય પ્રદર્શન ખંડોથી સ્વામિનારાયણ નગર શોભી રહ્યું છે. મુકતાનંદ પ્રદર્શન ખંડ અહીં આવનાર દરેક મુલાકાતી વ્યસનમુકિતની પ્રેરણા પ્રાપ્ત કરશે. નિત્યાનંદ પ્રદર્શન ખંડ આજના આધુનિક યુગમાં પારિવારિક એકતાની પ્રેરણા આપશે. સેવાનંદ પ્રદર્શન ખંડ સૌને સેવાનો પ્રેરક સંદેશ આપશે.

સહજાનંદ પ્રદર્શન ખંડ વચનામૃતના જ્ઞાન હતાશા અને નિરાશામાં સહજ આનંદમાં કેમ રહેવાય તેની પ્રેરણા આપશે.

ભારતાનંદ પ્રદર્શન ખંડ નાગરીકોને દેશ પ્રત્યેની ફરજોનું દર્શન કરવાતો પ્રેરક શો. પરમાનંદ પ્રદર્શન ખંડ પ્રમુખસ્વામી મહારાજના જીવન અને કાર્ય દ્વારા પરમ આનંદમાં રહેવાની અનુભુતી કરાવશે.

માતા-પિતાના ઉપકાર અને આત્મવિશ્વાસ પ્રેરતા, સંસ્કાર પ્રેરક ર જુદા પ્રદર્શનખંડોના નિત્ય ૧પ૦૦૦ થી વધુ બાળકો સંત ઝરૂખાઓ માં ભારતીય સંસ્કૃતિના વંદનીય અને સ્મરણીય શ્રી વલ્લભાચાર્ય, સંત તુલસીદાસ, નરસિંહ મહેતા વગેરે આચાર્યો, સંતો અને ભકતોની પુર્ણ કદની પ્રતિમાઓ આદર્શ જીવનની પ્રેરણા આપશે.

અત્યાધુનિક લાઇટ એન્ડ સાઉન્ડ શો દર્શનીય છે. સૌરાષ્ટ્રમાં સૌ પ્રથમ વખત યોજાનાર આ લાઇટ એન્ડ સાઉન્ડ શોનો મુખ્ય થીમ સમાજમાં મંદિરનું મહત્વ દર્શાવે છે.

સંયમ, સ્થિરતા, શાંતિ, સંપ વગેરે જવા સદ્દગુણો આત્મસાત કરવાની પ્રેરણા આપતો અભૂતપૂર્વ શો. અહી ૧ર૦*૪૦ ફુટના ભવ્ય ચિત્રપટ પર નિત્ય રાત્રી સમયે ધ્વનિ, પ્રકાશ, નૃત્ય અને સંવાદના સંયોજન સાથે યોજાનાર આ શો દર્શકોને મંત્રમુગ્ધ કરશે. આ શોનો લાભ એકસાથે ૩૦ હજારથી વધુ લોકો લઇ શકશે. આ મહોત્સવના ૧૧ દિવસ દરમ્યાન રોજ સાંજે ૭ થી ૩૦ થી ૧૦-૩૦ વિશિષ્ઠ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે.

પૂ. અપૂર્વ સ્વામીજીએ જણાવ્યું હતું કે, તા.પના પૂ. મહંત સ્વામીજી તથા મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની ઉપસ્થિતીમાં મહોત્સવનો મંગલારંભ થશે એ પુર્વે તા.૪ ના સ્વયંસેવક સભા, તા.પ ના સાંજે ૭ વાગ્યે ઉદ્દઘાટન સમારોહ, તા. ૬ના આનંદીબેન પટેલની ઉપસ્થિતીમાં મહિલા સંમેલન આયોજિત થયું છે તા.૭ ના પ્રમુખ સ્વામીજીનો તારીખ પ્રમાણે જન્મદિન છે. તેની ઉજવણી થશેતા.૯ના લોક સાહિત્યનો કાર્યક્રમ થશે તા.૧૦ ના ભવ્ય નૃત્ય નાટિકા, યોજાશે. તા.૧૧ ના વચનામૃત દ્વિશતાબ્દિ મહોત્સવનો પ્રારંભ થશે. તા.૧૩ ના દીક્ષા ગ્રહણ કાર્યક્રમ તથા રાત્રે હાસ્યનો કાર્યક્રમ આયોજીત થયો છે તા.૧૪ના વિવિધ નદીઓના જલ ર૦૦ અમૃત કળશમાં અભિષેક થશે તા.૧પના મુખ્ય સભા આયોજિત થઇ છે જેમાં બે લાખથી વધારે હરિભકતો શ્રોતા બનશે.

પૂ. અપૂર્વમુનિજીએ જણાવ્યુ હતુ કે ધર્મોત્સવને સામાજિક ઉત્સવ બનાવાયો છે. મહોત્સવ દરમિયાન રકતદાન કેમ્પ તથા વિવિધ રોગોના નિદાન કેમ્પ આયોજિત થયા છે.

મહોત્સવની વિશેષતા એ છે કે, વિવિધ સંસ્થા-સંપ્રદાયો ધર્મના લોકો એક બનીને સક્રિય છે.

પૂ. બ્રહ્મવિહારી સ્વામીજીએ કહ્યુ હતું કે, પૂ. પ્રમુખ સ્વામીજીએ પર દેશોમાં ૧૨૦૦ મંદિરો નિર્માણ કર્યા છે. આ ઉપરાંત સ્કૂલ્સ-હોસ્ટેલ્સ અને આરોગ્યધામો પણ નિર્માણ કરીને ધમધમતા કર્યા છે. ૧૬૦ પ્રકારની માનવ સેવાઓ ચાલે છે. આવી દિવ્ય વિભૂતિનો ૯૮મો જન્મદિન રાજકોટના ઉજવાય એ ગૌરવની બાબત છે. આનંદને માણવા સૌને સ્નેહભર્યુ આમંત્રણ છે.

હોટલના સંચાલકો હેમરાજભાઈ અને સાગર ડાંગરનું સેવાકીય યોગદાન

મહોત્સવની સામે આવેલી અતિથિ દેવો ભવ : હોટલમાં પૂ. મહંત સ્વામીને ઉતારો

રાજકોટ : વિશ્વ વંદનીય સંતવિભૂતિ પૂજય પ્રમુખસ્વામી મહારાજનો ૯૮મો જન્મજયંતિ મહોત્સવ શરૂ થવામાં હવે થોડા દિવસો જ બાકી રહ્યા છે ત્યારે જે દિવસથી મહોત્સવ શરૂ થવાનો છે એટલે કે પાંચમી ડિસેમ્બરના પૂ.મહંત સ્વામી અને મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે આ મહોત્સવનો પ્રારંભ થનાર છે.

દસેય દિવસ પૂ. મહંત સ્વામી આ મહોત્સવમાં ઉપસ્થિત રહેનાર છે અને તેઓને અગવડતા ન પડે તે માટે જન્મજયંતિ મહોત્સવની બરાબર સામે જ આવેલી 'અતિથિ દેવો ભવઃ' હોટલમાં ઉતારો આપવામાં આવનાર છે.  આ હોટલના સંચાલકો સર્વેશ્રી હેમરાજભાઈ ડાંગર અને સાગરભાઈ ડાંગર છે. જેઓએ પૂ. મહંત સ્વામી માટે દસ દિવસ હોટલ બંધ રાખી છે અને આ દિવસોમાં સ્વામીજીની સેવામાં જ સેવારત રહેશે.

'બાપા'નું જીવનમંત્ર હતું 'બીજાના ભલામાં આપણું ભલુ, બીજાના સુખમાં આપણું સુખ'

પૂ.પ્રમુખસ્વામીએ કહેલંુ અબુધાબીમાં મંદિર બનશે જ અને આજે મંદિરનું નિર્માણ કાર્ય ચાલુ : પૂ.બ્રહ્મવિહારી સ્વામી

રાજકોટ : પ.પૂ. પ્રમુખસ્વામી મહારાજના ૯૮મો જન્મજયંતિ મહોત્સવ પાંચમી ડિસેમ્બરથી શરૂ થનાર છે ત્યારે આજે સવારે વિરાટ સ્વામીનારાયણનગરમાં યોજાયેલ પત્રકાર પરિષદમાં પૂ.બ્રહ્મવિહારી સ્વામીએ એક યાદગાર પ્રસંગ વર્ણવતા જણાવ્યુ કે પૂ.પ્રમુખસ્વામીએ એક સમયે કહેલુ કે અબુધાબીમાં મંદિર બનશે જ. આજે તેઓ આપણી વચ્ચે નથી આમ છતાં આજે અબુધાબીમાં મંદિરનું નિર્માણ કાર્ય ચાલી રહ્યું છે. તેઓએ કહેલા શબ્દ સાચા પડ્યા છે. તેઓએ કહ્યું કે પૂ.પ્રમુખસ્વામીનું જીવનમંત્ર હતું. ''બીજાના ભલામાં આપણું ભલુ અને બીજાના સુખમાં આપણું સુખ''. ધર્મની અંદર સેવા અને સેવાની અંદર ધર્મ જરૂરી છે. આમ, સ્વામી ધામમાં ગયા બાદ પણ તેમના વચનો પૂર્ણ થઈ રહ્યા છે.

તેઓએ વધુ એક પ્રસંગને યાદ કરતાં કહ્યું હતું કે, લંડનના એક મંદિરમાં બે ગોરાઓ મૂર્તિઓ ચોરવા ગયા હતા અને પ્રમુખસ્વામીના ચમત્કારથી આજે એ જ બન્ને ગોરાઓ તે જ મંદિરની બહાર ગાર્ડ તરીકેની સેવા આપી રહ્યા છે.

મહોત્સવની રૂપરેખા

    તા.૪ના સાંજે ૫:૩૦ થી ૭:૩૦ સુધી ૧૫ હજાર સ્વયંસેવકોની સભા

    તા.૫ના ઉદ્દઘાટન - મુખ્યમંત્રી અને પૂ. મહંતસ્વામીજીની ઉપસ્થિતિ

    તા.૬ આનંદીબેન પટેલની ઉપસ્થિતિમાં મહિલા સંમેલન

    તા.૭ના અંગ્રેજી તારીખ મુજબ પૂ.પ્રમુખસ્વામીના જન્મદિને નૃત્ય નાટીકા

    તા.૮ના સન્માન - પ્રવચન

    તા.૯ના કિર્તીદાન ગઢવી અને ઓસમાણ મીરનો કાર્યક્રમ

    તા.૧૦ના નૃત્યનાટીકા

    તા.૧૧ના સ્વામીનારાયણ વચનામૃત મહોત્સવ લોન્ચીંગ

    તા.૧૨ના બીએપીએસ મંદિરના ૨૦ વર્ષ પૂર્ણ થતાં સંગીત સંધ્યા

    તા.૧૩ના ૩૮ થી ૪૦ પાર્ષદો દીક્ષા લેશે. રાત્રે હસાયરો

    તા.૧૪ના ૨૦૦ કળશ અભિષેક વિધિ

    તા.૧૫ના મુખ્યસભા સાંજે ૫ થી ૮.(૩૭.૧૧)

(3:56 pm IST)
  • બનાસકાંઠા:પાલનપુરમાં રાજસ્થાન પરિવહન નિગમની બસનો ચાલક રાજપાઠમાં ઝડપાયો: પાલનપુર પોલીસે એરોમા સર્કલ નજીકથી દારૂ પીધેલી હાલતમાં ડ્રાઈવરને ઝડપી લીધો access_time 11:52 pm IST

  • અમદાવાદ:પોલીસ કમિશ્નર ઓફિસની બહાર એક વ્યક્તિએ આપઘાતનો કર્યો પ્રયાસ :દુકાનના દિવાની કોર્ટના કેસમાં પીધું ઝેર :સારવાર અર્થે સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો:દુકાનમાં થેયલી ચોરીની ફરિયાદ ઇશનપુર પોલીસ નહિ લેતી હોવાનો આક્ષેપ:દુકાનના વિવાદમાં પોલીસે ફરિયાદ નહિ નોંધી હોવાનો કર્યો આક્ષેપ access_time 11:51 pm IST

  • કચ્છ રાપરના ખેડૂતોએ નર્મદા પાણી અંગે કર્યો હલ્લાબોલ :આદિપુર સ્થિત નર્મદા નિગમની ઓફિસે કર્યા સુત્રોચાર:ભાજપ શાસિત રાપર તાલુકા પંચાયતના પ્રમુખ સહિત દસ ગામના સરપંચોએ કર્યો કચેરીનો ઘેરાવ access_time 11:42 pm IST