Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

નાકરાવાડીના ગાર્બેજ પ્લાન્ટમાં એંગલ પડતાં યુવાન ગંભીર

નવા બનતા પ્લાન્ટ ખાતે જેસીબીનો આગળનો છાપરામાં અથડાતાં લોખંડનું એંગલ પડ્યું: કચરો વિણવા ગયેલી પત્નિને બોલાવવા ગયેલા નાકરાવાડીના કોળી યુવાન શૈલેષ બહુકીયા (ઉ.૩૫)એ સિવિલ હોસ્પિટલમાં સારવાર હેઠળઃ મ્યુ. કોર્પોરેશનના ડેપ્યુટી કમિશ્નર અને પર્યાવરણ ઇજનેર તથા વિજીલન્સ પોલીસ ઘટના સ્થળે

તસ્વીરમાં ગંભીર ઇજાગ્રસ્ત કોળી યુવાન શૈલષ્ેાભાઇ (કાળુભાઇ) બહુકીયા તથા ઘટના સ્થળે જેસીબી અને લોખંડનું એંગલ તથા સિવિલમાં સઘન સારવાર થઇ રહી છે તે દેખાય છે (ફોટોઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરની ભાગોળે મ્યુનિસિપલ કોર્પોરેશનના નવા બની રહેલા ગાર્બેજ પ્લાન્ટની સાઇટ પર આજે બપોરે એક દૂર્ઘટનામાં નાકરાવાડીના કોળી યુવાનનું મોત નિપજતાં અરેરાટી વ્યાપી ગઇ છે. ગાર્બેજ પ્લાન્ટ પર કચરો વીણવા ગયેલી પત્નિને કોળી યુવાન બોલાવવા ગયો ત્યારે જેસીબીથી કામ ચાલતું હોઇ જેસીબીનો ઉપરનો ભાગ પતરાના શેડમાં અથડાતાં શેડમાંથી લોખંડનું મોટુ એંગલ પડતાં કોળી યુવાનને માથામાં ગંભીર ઇજા થતાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયો છે. અહિ તેની હાલત ગંભીર ગણાવાઇ રહી છે.  ઘટનાને પગલે પ્લાન્ટ ખાતે મજૂરોએ કામ બંધ કરી દીધાની વાતથી રાજકોટથી ડેપ્યુટી કમિશ્નર, પર્યાવરણ ઇજનેર અને વિજીલન્સ સ્ટાફ સાથે દોડી ગયા હતાં. જો કે આકસ્મીક ઘટના હોઇ મજૂરોને સમજાવાતાં કામ ફરીથી શરૂ થઇ ગયું હતું.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ  નાકરાવાડી ગામમાં ચામુંડા પાનવાળી શેરીમાં રહેતાં શૈલેષભાઇ ઉર્ફ કાળુભાઇ વાઘજીભાઇ બહુકીયા (ઉ.૩૫) નામના કોળી યુવાનના પત્નિ ભાવનાબેન (ભાવુબેન) ગાર્બેજ પ્લાન્ટ ખાતે કચરો વિણવા ગયા હોઇ શૈલેષભાઇ બપોરે તેણીને બોલાવવા માટે ગયા હતાં અને ત્યાં નવા બનતા પ્લાન્ટના પતરાના શેડ નીચે પત્નિની રાહ જોઇને ઉભા હતાં. આ વખતે જેસીબી ચાલકે કામગીરી દરમિયાન જેસીબીનો આગળનો ભાગ ઉંચો કરતાં તે અકસ્માતે ઉપરના છાપરામાં અથડાતાં છાપરૂ તુટી પડ્યું હતું અને તેમાંથી લોખંડનું એંગલ નીચે પડી શૈલેષભાઇના માથામાં પડતાં તે લોહીલુહાણ  થઇ ગયા હતાં. બેભાન હાલતમાં તેમને સારવાર માટે સિવિલ હોસ્પિટલે ખસેડાયા હતાં. અહિ ગંભીર હાલતમાં સારવાર હેઠળ છે.  હોસ્પિટલ ચોકીના એએસઆઇ થોભણભાઇ ટીલારા અને દિપસિંહ ચોૈહાણે કુવાડવા રોડ પોલીસને જાણ કરતાં હેમતભાઇ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે દોડી ગયો હતો અને જરૂરી કાર્યવાહી કરી હતી.

જાણવા મળ્યા મુજબ ગંભીર ઇજા પામનાર  શૈલેષભાઇ (કાળુભાઇ) ત્રણ ભાઇ અને એક બહેનમાં મોટા છે. તેમને સંતાનમાં બે પુત્ર અને બે પુત્રી છે. શૈલેષભાઇને ગંભીર ઇજા પહોંચી હોઇ તબિબો સઘન સારવાર કરી રહ્યા છે. (૧૪.૧૦)

(3:51 pm IST)