Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

જંકશનપ્લોટમાં ગાંધીગ્રામના સિંધી દંપતિ, તેના પુત્ર અને ભાઇ સાથે રાજન સંધીની લુખ્ખાગીરીઃ ગેસની નળીથી માર મારી ધમકી દીધી

અઢી વર્ષ પહેલા સિંધી પરિવાર રાજનના પડોશમાં રહતોઃ ત્યારે રાજન વાહન ચોરીનો આરોપ મુકી હેરાન કરતો'તોઃ પરિવારજનો ટહેલીયારામ મંદિરે દર્શન કરવા જતા હોઇ જુનો ખાર રાખી રસ્તામાં આંતરી ફરીથી હુમલો કર્ર્યો

રાજકોટ તા. ૧: જંકશન પ્લોટમાં આહુજા આઇસ્ક્રીમ પાસે રોડ પર ગાંધીગ્રામ નાણાવટી ચોકના સિંધી લોહાણા મહિલા તથા તેમના પતિ, ભાઇ અને પુત્રને જંકશન રોડ પર નામચીન રાજન સંધી અને તેના સાગ્રીતોએ બુધવારે આંતરી ગાળો દઇ 'તમારા દિરાને સાથે લઇ જવો છે' તેમ કહી ઢીકા-પાટુ અને ગેસની નળીથી માર મારી છરી દેખાડી મારી નાંખવાની ધમકી આપતા આ મામલે અગાઉ  ભીસ્તીવાડના ે અરજી કરવામાં આવી હતી. તપાસ બાદ પ્ર.નગર પોલીસે ગુનો નોંધી આરોપીઓની શોધખોળ આદરી છે. અઢી વર્ષ પહેલા આ મહિલા પરિવાર સાથે રાજનના પડોશમાં રહેતાં હતાં. ત્યારે રાજને પોતાનું બાઇક ચોરી જવાયાનો આ પરિવાર પર ખોટો આરોપ મુકી હેરાન કરવાનું શરૂ કર્યુ હતું. દરમિયાન બુધવારે સિંધી પરિવારના સભ્યો મંદિરે દર્શને જતાં હતાં ત્યારે આંતરીને હુમલો કરાયો હતો.

પોલીસે ગાંધીગ્રામ નાણાવટી ચોક રાજરાજેશ્વરી પાર્ક, વાસ્તુશીલ રેસિડેન્સીમાં ચોથા માળે રહેતાં અંજનાબેન હરિદાસભાઇ વાઘવાણી (ઉ.૪૯) નામના સિંધી લોહાણા મહિલાની ફરિયાદ પરથી ભીસ્તીવાડના રાજન હમીદભાઇ ખિયાણી તથા સિકંદર અને બે અજાણ્યા સામે આઇપીસી ૩૨૩, ૫૦૬ (૨), ૫૦૪, ૧૧૪, ૧૩૫ મુજબ ગુનો નોંધ્યો છે. અંજનાબેને ફરિયાદમાં જણાવ્યું છે કે પોતે પરિવાર સાથે રહે છે અને તેમના પતિ નવાગામમાં બૂટ ચપ્પલનો હોલસેલ વેપાર કરે છે. સંતાનમાં ૨૫ વર્ષનો કિદરો અને ૨૨ વર્ષની દિકરી છે. અગાઉ પોતે જંકશન પ્લોટ મોરબી હાઉસ પાસે હિત પેલેસમાં રહેતાં હતાં. બાજુમાં જ રાજન સંધી અને તેનો પરિવાર રહે છે. ૨૮/૧૧ના રોજ પોતે, પતિ તથા પુત્ર વિનિત અને ભાઇ સચ્ચાનંદભાઇ જંકશન પ્લોટ ગાયકવાડીમાં ટહેલીયારામ મંદિરે જતાં હતાં ત્યારે સાંજે સાતેક વાગ્યે આહુજા આઇસ્ક્રીમ પાસે પહોંચતા રાજન, સિકંદર અને બે અજાણ્યાએ વાહનો અટકાવ્યા હતાં અને રાજને 'તમારા દિકરા વિનીતને સાથે લઇ જવો છે' તેમ કહેતાં તેણીએ ના પાડતાં રાજને ઉશ્કેરાઇ જઇ પોતાની પાસે રહેલી ગેસની નળીથી હુમલો કરી વાંસા અને પગ પર માર માર્યો હતો. તેમજ ગાળો ભાંડી હતી.

અંજનાબેને આગળ જણાવ્યું છે કે પોતાને બચાવવા પતિ અને પુત્ર તથા ભાઇ વચ્ચે આવતાં તેને પણ સિંકદર અને બે અજાણ્યા શખ્સોએ ગાળો દઇ ઢીકા-પાટુનો માર માર્યો હતો. રાજને નેફામાંથી છરી કાઢી મારવા દોડયે હતો. બચાવ માટે તેને ધક્કો મારી દીધો હતો. રાડારાડી થતાં લોકોના ટોળા ભેગા થઇ જતાં આ શખ્સો   ભાગ્યા હતાં અને જતાં-જતાં 'તારા ત્રણેય ભાઇને મારી નાંખશું' તેવી ધમકી આપી ગયા હતાં. બાદમાં ફોન કરીને પણ પોતાના પતિને અને ભાઇને વારંવાર માર મારવાની ધમકી આપી હતી.

આ માથાકુટનું કારણ એવુ છે કે અઢી  વર્ષ પહેલા અંજનાબેન પરિવાર સાથે રાજનની બાજુમાં જ રહેતાં હતાં અને દોઢ મહિનાથી નાણાવટી ચોકમાં રહેવા ગયા છે. તે વખતે રાજન 'તમે મારું બાઇક ચોરી ગયા છો' તેવું બહાનુ બતાવી ખોટી રીતે હેરાન કરતો હતો. તે વખતે પણ ધમકી આપી હોઇ મનદુઃખ ચાલતું હતું. તેનો ખાર રાખી હુમલો કરી ફરીથી ધમકી આપી હતી.

 રાજન અગાઉ અનેક વખત જુદા-જુદા ગુનામાં પોલીસ ચોપડી ચડી ચુકયો છે. ફરીથી તેણે લખણ ઝળકાવતાં પોલીસે શોધખોળ હાથ ધરી છે. (૧૪.૬)

(11:55 am IST)