Gujarati News

Gujarati News

News of Saturday, 1st December 2018

ઝોન-૧ ડીસીપી રવિકુમાર સૈનીએ બી-ડિવીઝનની ટીમ સાથે રાતભર કર્યુ પગપાળા પેટ્રોલીંગઃ છરી સાથે ત્રણ ઝપટે ચડ્યા

મોરબી રોડ વિસ્તારોની સોસાયટીઓમાં, ગ્રીનલેન્ડ ચોકડી અને ત્યાંથી છેક શાસ્ત્રી મેદાન સુધી ફૂટ પેટ્રોલીંગ કરવામાં આવ્યું: અસંખ્ય વાહનોનું ચેકીંગ કરી અનેક શકમંદોને તપાસવામાં આવ્યા

રાજકોટ તા. ૧: શહેરના ઝોન-૧ ડીસીપી રવિકુમાર સૈનીએ ગત રાત્રે ઉત્તર વિભાગના બી-ડિવીઝન પોલીસ મથક વિસ્તારમાં નાઇટ પેટ્રોલીંગ કર્યુ હતું. તેમની સાથે બી-ડિવીઝન પી.આઇ અને તેમની ટીમ જોડાઇ હતી. પેટ્રોલીંગ દરમિયાન ગ્રીનલેન્ડ ચોકડીએ વાહન ચેકીંગ દરમિયાન એક રિક્ષામાં ત્રણ શખ્સો મ્યાનવળી બે છરી સાથે મળી આવતાં ત્રણેય સામે ગુનો નોંધી ધરપકડ કરી આકરી પુછતાછ કરવામાં આવી હતી.

મોરબી રોડ છેવાડાના રેલ્વે પાટા નજીકના વિસ્તારો જેમ કે સ્વસ્તિક વિલા, ગુરૂદેવ સોસાયટી, રાધામીરા પાર્ક, શ્રી હરિ સોસાયટીઓમાં અગાઉ ચોરીના બનાવ બન્યા હોઇ આ વિસ્તારમાં રાત્રીના ખાસ ફૂટ પેટ્રોલીંગ કરવાની પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને જોઇન્ટ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીની સુચના હોઇ ડીસીપી રવિકુમાર સૈની તથા પી.આઇ. આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. એફ. ડામોર, આર. એસ. સાંકળીયા, પી. બી. જેબલીયા, વિરમભાઇ ધગલ,ખોડુભા જાડેજા, જનકસિંહ ગોહિલ, કેતનભાઇ નિકોલા, હરપાલસિંહ વાઘેલા સહિતની ટીમ નાઇટ રાઉન્ડમાં નીકળી હતી.

દરમિયાન ગ્રનીલેન્ડ ચોકડીએ ત્રણ શખ્સો બાઇક અને રિક્ષામાં નીકળતાં શંકાને આધારે ચેક કરતાં બે છરીઓ મળી આવતાં રિક્ષા અને બાઇક પણ કબ્જે લઇ ત્રણ શખ્સો કિશોર રામજીભાઇ ગજ્જર (ઉ.૩૮-રહે. રઘુવીર સોસાયટી-૨, મોરબી રોડ), જયદિપ રોહિતભાઇ કાછેલા (ઉ.૨૩-રહે. આર્યનગર-૬) તથા ચિરાગ લાલજીભાઇ પિત્રોડા (ઉ.૨૦-રહે. આર્યનગર-૧)ની ધરપકડ કરી હતી. છરી અમસ્તી જ સાથે રાખ્યાનું ત્રણેયે રટણ કર્યુ હતું. જયદિપ અને તેનો ભાઇ સાગર અગાઉ મારામારીમાં પકડાઇ ચુકયા છે. અગાઉ આ શખ્સ સામે અટકાયતી પગલા પણ લેવામાં આવ્યા હતાં. જયદિપ ફરી છરી સાથે મળતાં તેની તથા અન્ય બે શખ્સોની ખુદ ડીસીપી શ્રી સૈનીએ આગવી ઢબે પુછતાછ કરી હતી.

ડીસીપી ઝોન-૧ સાથે બાદમાં બી-ડિવીઝનની ટીમે છેક શાસ્ત્રીમેદાન બસ સ્ટેશન સુધી ફૂટ પેટ્રોલીંગ કર્યુ હતું અને શકમંદોને તપાસ્યા હતાં. સમયાંતરે અચાનક આ રીતે ઉત્તર વિભાગના વિસ્તારોમાં ડીસીપી શ્રી સૈની જાતે પેટ્રોલીંગમાં નીકળશે. આ વિસ્તારોમાં લુખ્ખાઓએ હવે ચેતી જવું જરૂરી છે. (૧૪.૭)

(11:52 am IST)