Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

રવિવારે તળપદા કોળી સમાજના સમુહલગ્ન

નવાગામ આણંદપર પાસેના આદિત્ય ઇન્ડ.ના મેદાનમાં મંગલ અવસર : મહારકતદાન કેમ્પનું પણ આયોજન

રાજકોટ તા. ૧ : સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા તા.૩ ના રવિવારે તળપદા કોળી સમાજના છઠ્ઠા સમુહલગ્નનું આયોજન કરાયુ છે.

આ અંગે વિગતો આપતા કોળી સમાજના આગેવાનોએ જણાવેલ કે તા.૩ ના રવિવારે આદિત્ય ઇન્ડ. એરીયા, પટેલ વિહાર સામે, રાજકોટ અમદાવાદ હાઇવે, આણંદપર નવાગામ ખાતે યોજાયેલ આ સમુલહગ્નમાં ૧૨ યુગલો દાંપત્યજીવનો આરંભ કરશે.

સમાજના દાતાઓના સહયોગથી દરેક દિકરીઓને કરીયાદરમાં ૧૦૦ થી વધુ વસ્તુઓ અપાશે. લગ્નના રૂડા અવસરની સાથે રકતદાન શિબિરનું પણ પ્રેરણાદાયી આયોજન કરાયુ છે. રેડક્રોસ બ્લડ બેંકના સહયોગથી સવારે ૭ થી ૧૨ સુધી રકતદાન કેમ્પ ચાલશે. સર્વે જ્ઞાતિજનોને રકતદાન કરવા અનુરોધ કરાયો છે.રૂડા પ્રસંગોમાં સવારે ૬ વાગ્યે જાનઆગમન, ૮.૩૦ વાગ્યે મંડપારોપણ, ૯ વાગ્યે હસ્ત મેળાપ અને બપોરે ૨ વાગ્યે જાનને વિદાય અપાશે.

સમારોહનું દિપપ્રાગટય સતરંગની જગ્યાના સંતશ્રી હરિરામબાપુ, ઠીકરીયાળા દેવાબાપાની જગ્યાના શ્રી વિરજીભગત, કાળાસરની જગ્યાના શ્રી વાલજીભગત, રામાપીર જગ્યા રાજકોના શ્રી દેહાભગતના હસ્તે કરાશે.સમુહલગ્નમાં સંતો, મહંતો, સંસદ સભ્યો, ધારાસભ્યો, જિલ્લા, તાલુકા પંચાયત પ્રમુખો અને ગામ સરપંચો તેમજ જ્ઞાતિ સંગઠનોના આગેવાનો ઉપસ્થિત રહી વર કન્યાને આશીર્વચનો આપશે.

સમગ્ર સમુહલગ્નને સફળ બનાવવા પ્રમુખ ધીરૂભાઇ હાંડા, ઉપપ્રમુખ નારણભાઇ સોલંકી, ટ્રસ્ટીઓ ધીરૂભાઇ જેસાણી, જીતેશભાઇ માલકીયા, હસમુખભાઇ સરીયા, ગોરધનભાઇ ખમસાણી, દેવશીભાઇ સોલંકી, પાંચાભાઇ ડાભીના માર્ગદર્શન હેઠળ ૩૦૦ થી વધુ કાર્યકરો જહેમત ઉઠાવી રહ્યા છે.

તસ્વીરમાં 'અકિલા' ખાતે સમુહલગ્નની વિગતો વર્ણવતા સમસ્ત કોળી જ્ઞાતિ સમાજ ચેરીટેબલ ટ્રસ્ટના આગેવાનો નજરે પડે છે. (તસ્વીર : અશોક બગથરીયા)

(4:37 pm IST)