Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

'સૂફિ' કિર્તન રસ પણ ગ્રહણ કરશે ઓશો સન્યાસીઓ

પૈગમ્બર હઝરત મહમ્મદ સાહેબનો જન્મોત્સવ 'ઈદે મિલાદ' સ્વરૂપે આસ્થાભેર :ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે કાલે ધ્યાન-પ્રવચનનો સર્જાશે સંગમ

રાજકોટ, તા. ૧ :. અહીંયા વૈદવાડીમાં ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે સાધકો, સન્યાસીઓના જીવનમાં પૂણ્યના પ્રકાશ પ્રસરાવવા સાથે જ આનંદના અવસરનો સ્વાદ ચખાડવાના ઉમદા હેતુસર વિવિધ કાર્યક્રમો અવિરતપણે યોજાતા રહે છે... એવી જ રીતે આવતીકાલે ઈદે મિલાદ નિમિતે પણ ઓશો સન્યાસીઓને સૂફિ કિર્તન રસ ગ્રહણ   કરવાનો  મોકો મળનાર છે.

ઓશોના સૂત્ર ''ઉત્સવ આમાર જાતી આનંદ અમાર ગૌત્ર''ને સાર્થક કરતા વિવિધ કાર્યક્રમો જેવા કે ઓશો ધ્યાન શિબિરો, ઓશો સાહિત્ય પ્રદર્શનો, ઓશો સન્યાસ ઉત્સવ, ભજન-કિર્તન, ગીત સંગીત, વિવિધ સંપ્રદાયોના ઉત્સવો, વિશ્વ દિવસ વગેરે છેલ્લા ૩ર વર્ષોથી રાત અને દિવસ ર૪ કલાક ખુલ્લા રહેતા વિશ્વના એક માત્ર ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિરે અવાર નવાર ઉજવવામાં આવે છે. ત્યારે આવતીકાલે શનિવારે પણ ઇદે મિલાદ નિમિતે સાંજે ૬-૩૦ થી ૮-૩૦ દરમિયાન સુફિ કિર્તન ધ્યાન, સંધ્યા ધ્યાન તથા ઓશોનું સુફિ પરના વિશેષ પ્રવચનનો કાર્યક્રમ યોજાનાર છે. આ તકે ઇસ્લામ ધર્મના સ્થાપક અને મહાન અંતિમ પૈગમ્બર (હઝરત મુહમ્મદ સાહેબનો જન્મોત્સવ ''ઇદે મિલાદ'' સ્વરૂપે ઉજવાશે.

અત્રે નોંધનીય છે કે, 'ઇદે મિલાદ'ના વિશેષ કાર્યક્રમમાં સહભાગી થવા ઓશો સન્યાસી, પ્રેમીઓ તથા જાહેર જનતાને સ્વામિ સત્ય પ્રકાશ દ્વારા અનુરોધ કરાયા છે. વિશેષ માહિતી માટે ઓશો સત્ય પ્રકાશ ધ્યાન મંદિર, ગોંડલ રોડ, વિવેકાનંદ ઓવરબ્રિજ પાસે, ૪ વૈદવાડી ખાતે રૂબરૂ મળવું અથોવા સ્વામિ સત્ય પ્રકાશ (૯૪ર૭ર પ૪ર૭૬) કે જયેષભાઇ કોટક (૯૪ર૬૯ ૯૬૮૪૩) ને પછી સંપર્ક સાધી શકાય છે.

(4:34 pm IST)