Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

પગાર પંચના પ્રશ્ને BSNLના ૨ લાખથી વધુ કર્મચારીઓ - અધિકારીઓનું આંદોલનઃ ૧૧-૧૨ ડિસેમ્બર હડતાલ

સાંસદ મોહનભાઇને આવેદન પાઠવાયું: દિલ્હી ખાતે યુનિયન આગેવાનો દોડી ગયા

બીએસએનએલના યુનિયનો એસોસીએશનો દ્વારા મેમ્બર ઓફ પાર્લામેન્ટ મોહનભાઇ કુંડારીયાને આવેદનપત્ર અપાયું ત્યારની તસ્વીર.

રાજકોટ તા. ૧ : બીએસએનએલના ૨ લાખથી વધુ કર્મચારીઓ, અધિકારીઓને નવા પગારપંચનો લાભ નહી મળતા રોષ ફાટી નીકળ્યો છે. આ મામલે યોગ્ય નિર્ણય નહીં લેવાય તો ૧૧મી અને ૧૨મી ડીસેમ્બરના રોજ દેશવ્યાપી હડતાલની જાહેરાત કરાઇ છે.

બીએસએનએલના કર્મચારીઓ, યુનિયન આગેવાનો દ્વારા રજૂઆત કરાઇ હતી કે બીએસએનએલના કર્મચારીઓને ત્રીજા પગાર પંચનો લાભ પણ મળ્યો નથી. પગાર પંચ દ્વારા લાભો આપવા માટે સરકારી સાહસો માટે એકમની નફાકારકતાને ધ્યાને લેવાતી નથી. નુકસાન કરતી કેટલીક રાષ્ટ્રીયકૃત બેંકોને પણ પગાર વધારાનો લાભ મળી રહ્યો છે. ત્યારે બીએસએનએલના કર્મચારીઓને આ લાભ નહીં મળતા સ્ટાફમાં કચવાટ ફેલાઇ રહ્યો છે.

ત્રીજા પગાર પંચની માગણી સંતોષવામાં આવતા કર્મચારીઓના જુસ્સામાં વધારો થશે તેવી વિગત સાથેનું આવેદનપત્ર રાજકોટ સાંસદ મોહનભાઇ કુંડારીયાને સોંપવામાં આવ્યું હતું.

આવેદનપત્ર દેવામાં રાજકોટ જિલ્લાના યુનિયન એસોસીએશનના સર્વે હોદ્દેદારો સર્વશ્રી બી.એ.મેનપરા, એસ.કે.રાવલ, વી.કે.ફુલતરીયા, અશોક હિન્ડોચા, એન.કે.ત્રિવેદી, શ્રીમતિ નીરૂબેન સોલંકી, શ્રી આર.એ.વ્યાસ, એચ.ડી.પરમાર, એ.કે.ઠોરીયા, પી.ડી.કકાણીયા સહિતના જોડાયા હતા.

(4:33 pm IST)