Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

મવડીમાં ભાવેશભાઇ પટેલના કારખાનામાં ચોરીઃ ધાબળો ઓઢીને આવેલા ચોરટાઓ રેંકડીમાં સામાન ભરી ગયા

કોપર કેબલ, સીપીયુ તથા અન્ય વાયર મળી રૂ. ૧,૩૪,૨૦૦ની ચોરીઃ સીસીટીવી ફૂટેજને આધારે તપાસ

રાજકોટ તા. ૧: પોલીસ ચૂંટણી બંદોબસ્તમાં વ્યસ્ત હોઇ તસ્કરોએ પોતાની કામગીરી વેગીલી બનાવી દીધી છે. મવડી પ્લોટ ન્યુ માયાણીનગર-૧માં અખીલમ્ મકાન ખાતે રહેતાં અને મવડી પ્લોટ-૮માં આયુષ ઇન્ડસ્ટ્રી નામે કારખાનુ ધરાવતાં ભાવેશભાઇ જસવંતભાઇ રાણપરીયા (પટેલ) (ઉ.૩૬)ના કારખાનામાંથી તસ્કરો કોપર વાયર, કોમ્પ્યુટર તથા અન્ય વાર મળી રૂ. ૧,૩૪,૨૦૦નો સામાન ચોરી જતાં ફરિયાદ થઇ છે. ત્રણ થી ચાર તસ્કરો સીસીટીવી કેમેરામાં કેદ થયા છે. જેમાં એક ધાબળો ઓઢેલો ચોર રેંકડીમાં માલ ભરીને જતો દેખાય છે.

માલવીયાનગર પોલીસે ભાવેશભાઇની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. તેણે જણાવ્યું હતું કે ૨૯મીએ અમે કારખાનુ બંધ કર્યુ હતું. ૩૦મીએ સવારે હુ઼ં તથા કારીગરો કારખાને આવ્યા ત્યારે મુખ્ય ગેઇટનું તાળુ ખોલી અંદર જતાં સ્ટોર રૂમનો દરવાજો ખુલ્લો હોઇ કંઇક અજુગતું લાગતાં તપાસ કરતાં ૨૦૦ કિલો કોપર વાયર રૂ. ૧,૦૮,૦૦૦નો તથા ઓફિસનું સીપીયુ રૂ. ૨૦ હજારનું તેમજ કારખાનામાં પડેલો અન્ય કનેકશન વાયર (છ બોકસ) રૂ. ૪૨૦૦નો મળી કુલ રૂ. ૧,૩૪,૨૦૦ની મત્તા ગાયબ જણાઇ હતી.

બાદમાં અમે સીસીટીવી કેમેરા ચેક કરતાં ૩૦મીએ રાત્રે ૩-૫૮ કલાકે એક શખ્સ હાથલારીમાં અમારો સામાન ભરીને જતો દેખાયો હતો. તેણે ધાબળો ઓઢી રાખ્યો હોઇ ચહેરો જોઇ શકાયો નહોતો. અંદરના કેમેરા ચેક કરતાં બે શખ્સો રાત્રે બે વાગ્ય આસપાસ કેમેરાના વાયર કાપતાં અને ચોરી કરતાં દેખાયા હતાં. કુલ ત્રણ-ચાર શખ્સોએ મળીની આ ચોરી કરી હતી. કારખાનાના પાછળના ભાગેથી આવી પતરા ઉપરના ભાગે સિમેન્ટની બારી હોઇ તે તોડીને તસ્કરો આવ્યા હતાં. પી.એસ.આઇ. એ.આર. મલેકે તપાસ હાથ ધરી છે.

(1:04 pm IST)