Gujarati News

Gujarati News

News of Friday, 1st December 2017

બેડલામાં પત્નિને પતાવી દેનાર પતિ મેરામ કોળીની શોધખોળ

બે વર્ષથી ચારિત્ર્ય પર શંકા કરી ત્રાસ આપતો'તો : મૃતકના રાજકોટ સ્થિત ભાઇ હિતેષ રાઠોડની ફરિયાદ

રાજકોટ તા. ૧: કુવાડવાના બેડલા ગામે રહેતી વનીતાબેન મેરામ ધનવાણીયા (ઉ.૪૦) નામની કોળી મહિલાની પરમ દિવસે તેની જ વાડીના ઝૂપડામાંથી લાશ મળી હતી. ગઇકાલે ફોરેન્સિક પોસ્ટ મોર્ટમમાં તેનું મોત શ્વાસ રૃંધાવાથી થયાનું સ્પષ્ટ થતાં અને તેનો પતિ મેરામ વેલાભાઇ ધનવાણીયા ગાયબ હોઇ તેણે જ હત્યા કર્યાનું સ્પષ્ટ થતાં કુવાડવા રોડ પોલીસે હત્યાનો ભોગ બનનારના ભાઇ રાજકોટ માજોઠીનગરમાં રહેતાં હિતેષ માવજીભાઇ રાઠોડ (ઉ.૩૩)ની ફરિયાદ પરથી ગુનો નોંધી શોધખોળ હાથ ધરાઇ છે. પોલીસે બેડલાની સીમ તથા આસપાસના ગામોમાં દોડધામ કરી હતી.

હિતેષ રાઠોડે ફરિયાદમાં જણાવ્યું છે કે મારા બનેવી મેરામ ધનવાણીયા છેલ્લા બે વર્ષથી મારા બહેન વનીતાબેનને નાની-નાની વાતે હેરાન કરી ચારિત્ર્ય પર શંકા કરતાં હતાં. આથી એકાદ વર્ષ પહેલા મહિલા પોલીસમાં તેના વિરૂધ્ધ અરજી પણ કરી હતી. અમે પણ અમારી બહેનને છોકરાઓ મોટા થઇ ગયા હોઇ નાની-નાની વાતો મગજમાં નહિ લેવા સમજાવતાં હતાં. પણ છેલ્લે બનેવી મેરામ ધનવાણીયા મારા બહેનને વાડીના ઝૂપડામાં નાક-મોઢુ દબાવી મુંગો દઇ મારી નાંખી ભાગી ગયેલ છે.

પી.આઇ. એ.આર. મોડીયા, પીએસઆઇ ઝાલા, એએસઆઇ હીરાભાઇ રબારી, હિતેષભાઇ ગઢવી અને ડી. સ્ટાફની ટીમે મેરામને ઝડપી લેવા દોડધામ આદરી છે.

(12:53 pm IST)