Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

લાભપાંચમના મુહૂર્ત સાથે ધંધા-રોજગારનો ધમધમાટ

રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં લક્ષ્મીજીના પૂજન સાથે વ્યવસાયિક ક્ષેત્રો ખુલ્યા

રાજકોટ તા.૧ : રાજકોટ સહિત સૌરાષ્ટ્ર-કચ્છમાં આજે લાભપાંચમના પવિત્ર દિવસથી નવા વર્ષે ધંધા-રોજગારનો ધમધમાટ શરૂ થયો છે.

લાભપાંચમના દિવસથી શ્રી લક્ષ્મીજીનુ પૂજન અર્ચન અને ગણેશજીની મંગલમય પ્રાર્થના સાથે નવા વર્ષે વ્યવસાય ક્ષેત્રમાં ખૂબજ પ્રગતિ થાય અને ભગવાનના આશિર્વાદ સાથે દિવાળીના વેકેશન બાદ વ્યવસાયિક એકમો શરૂ થયા છે.

આજથી બજારોમાં પણ ધમધમાટ શરૂ થયો છે. દિવાળી વેકેશનની મજા માણ્યા બાદ આજે લાભપાંચમથી મુહૂર્ત કરવામાં આવ્યા છે.

વઢવાણ

વઢવાણ,તા.૧: લાભ પાંચમને સૌભાગ્ય લાભ પાંચમ પણ કહે છે. જે મોટાભાગે ગુજરાતમાં ઉજવાય છે.આ દિવાળીનો અંતિમ દિવસ હોય છે. સૌભાગ્યનો મતલબ હોય છે સારુ ભાગ્ય અને લાભનો મતલબ છે સારો ફાયદો.તેથી આ દિવસને ભાગ્ય અને સારા લાભનો દિવસ માનવામાં આવે છે. આ દિવસે પૂજા કરવાથી જીવન વ્યવસાય અને પરિવારમાં લાભ, સારુ ભાગ્ય અને ઉન્નતિ આવે છે.ઙ્ગ ગુજરાતમાં નૂતન વર્ષ પછી લાભપાંચમ એ કામકાજનો પહેલો દિવસ હોય છે. આમ તો લાભ પાંચમનો આખો દિવસ જ શ્રેષ્ઠ હોય છે. એ દિવસે મુહુર્ત જોવાની જરૂર નથી હોતી.

લાભ પાંચમના દિવસે કોઈ નવો વ્યવસાયનુ કામ શરૂ કરવુ ખૂબ શુભ માનવામાં આવે છે. ગુજરાતમાં આ તહેવારનુ ખૂબ મહત્વ છે. દિવાળીના તહેવાર પછી વેપારીઓ આ દિવસથી દુકાનમાં કામની શરૂઆત કરે છે. આ દિવસે ગુજરાતના વેપારીઓ નવા વહી ખાતા શરૂ કરે છે.તેમા સૌ પહેલા કુમકુમથી ડાબી બાજુ શુભ અને જમણી બાજુ લાભ લખવામાં આવે છે.વચ્ચે સાથીયો બનાવાય છે. આ દિવસે લક્ષ્મીજીનુ પૂજન કરવામાં આવે છે.

ત્યારે આજે સુરેન્દ્રનગર જિલ્લા ની બજારો દિવાળી બાદ પાંચ દિવસ બાદ ખુલ્લી જોવા મળી હતી.ત્યારે આજે સવાર થી જ વેપારીઓ દવારા પોતા ના ધંધા રોજગાર ખોલી નાખવા માં આવતા બજારો માં ફરી ચમકારો જોવા મળ્યો હતો.ત્યારે આજે સવાર થી જ બજારો માં ફરી ખરીદી માટે ભીડ જોવા મળી હતી.

(3:31 pm IST)