Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભૂખ્યાને ભોજન કરાવવાની ભકિતનો માર્ગ બતાવી જનાર પૂ.જલારામ બાપાને કોટી કોટી પ્રણામ

જયાં રોટીનો ટુકડો ત્યાં હરિ ઢુુકડો જેવા માનવતાનો મહામુલા મંત્ર આપી જનાર ભકત સીરોમણી જલારામબાપાનો જન્મ સવંત ૧૮પ૬ ના કાર્તિક સુદ સાતમના વિરપુર ગામે માતા રાજબાઇના કૂખે ભગવાન શ્રીરામ જે નક્ષત્રમાં જન્મ્યા હતા તે અભિજીત નક્ષતરે-વિજય મુહુર્તે થયો હતો.

પિતાનું નામ પ્રધાન ઠકકર, કાકા વાલજીભાઇ બંને કરીયાણાનાં સાધારણ વ્યાકપારી, સ્વભાવિક પણે સ્થિતિ નહી સારી. પ્રધાન ઠકકરના પ્રથમ પુત્રનું નામ બોઘાભાઇ આ બોઘાભાઇ પટેલ પાંચ વર્ષના થયા. ત્યારે વિરપુર ગામે રઘુવરદાસજી નામના સિદ્ધ સંત પધાર્યા. માતા રાજબાઇએ પોતાના પુત્રના ચરણ સ્પર્શ કરાવ્યા અને મા ની મમતા ઇચ્છે એમ પોતાના બાળની પ્રગતિ થાય એવા આશીર્વાદ અર્પવા લાગણી ભરી માંગણી કરી ત્યારે ભાવીના ભેદને ભીતરથી ખોલતા સંત ''માતા તારો આ પુત્રનો સામાન્ય રહેશે પણ દ્વિતીય પુત્ર અદ્વિતીય કાર્ય કરી ફકત વિરપુર જ નહિં પણ વિશ્વ આખામાં વંદનીય બનશે, અને માનવતાને મહેકાવે એવા રૂડા કામ કરશે. એવી અગમવાણીને આકાર આપતા માતા રાજબાઇને ત્યાં બિજાપુત્રનું અવતરણ થયું. ત્યાર બાદ પ્રધાન ઠકકરને ત્યાં ત્રીજા પુત્ર અને ત્રણ પુત્રીનો  પણ જન્મ થયો.

એકવાર અચાનક એક વયોવૃદ્ધ સંત ગરવા ગિરનારની ગોદેથી પધાર્યા અને તેમના બિજા પુત્રના દર્શન કરાવવાની માંગણી કરી. આવી માંગણી સાંભળી પ્રથમ તો પ્રધાનજીની મતિ મુંઝાણી એટલામાં આ મરમ અનેભરમને મનમાં રહેવા દઇ, રમતા રમતા જલારામ ત્યાં આવી ચડયાં દૃષ્ટિથી દિૃષ્ટ મળી પુર્નજન્મની સ્મૃતિ સરવળી, અને જલારામજીએ એ જોગીને વંદન કર્યા, ત્યાં એ મહાત્માએ સહસા સવાલ કર્યો, ''બેટા મુઝે જાનતા હે?'' જલારામના મુખે મૌનનો પડદો છવાઇ ગયો. પ્રત્યુતરમાં તેઓએ પુનઃએ પુનિત આત્માને પ્રણામ કર્યા. ભીતર ગત જન્મની સ્મૃતિ જાગી  ઉઠી અને રામનામની સ્વયમ ભૂસરાણી ફુટી.

આમ વહેણ વહેતા ગયાને ચૌદ વર્ષ થયા. પિતાએ એમને હિન્દુધર્મને સંસ્કૃતિ પ્રમાણે યજ્ઞોપવિત સંસ્કાર કરાવ્યા પણ આ માનવતાના મસિહાએ તો મનમેલીને માનવતાની મૂડી સમી સેવાની રૂડી સરવાણી વહેવડાવવા માંડી, સિદ્ધ સંતની આગાહી સાચી પડી દીકરો રખેને સાધુ થઇ જાય એવા ભીતરના ભયને લઇ પિતાજીએ એમના સોળવર્ષની ઉમરે આટકોટના ઠકકર વાઘજી સોમૈયાની સુપુત્રી વિરલબાઇ સાથે વિવાહ કરી દીધા. આતો સોનામાં સુગંધ ભળી, પરમાર્થ અને પરમાત્માના કાર્યને પુરકબળ મળ્યું. પિતાએ અકળાઇ બંન્નેને અલગ કર્યા. અતિ સ્નેહવશ કાકા વાલજીભાઇએ તેમને પોતાની દુકાને રાખ્યા પણ બાપા તો એવા જ દિલેર દાતા.

બાપાએ આગળ જતા ભુખ્યા જનોની જઠરાગ્ની ઠારતા બાપા ફતેપુરમાં રહેતા સંત ભોજલરામને પોતાના ગુરૂ બનાવ્યા. તેમની અનુમતી લઇ ૧૮૭૬ ના મહાસુદ બીજનાં સુશુકનવંતા દિને સદાવ્રત શરૂ કર્યુ. સેવાયજ્ઞ આદર્યુ.

એક દિ રામ રોટી માટે ચાર પાંચ સાધુઓ અલખના અલગારીનાં આંગણે આવ્યા. ઘરમાં અનાજનો દાણો નહી પણ આ દિલેર આદમીએ તેમને અંતરના આનંદથી આવકારી, ઘરની અંદર ગયા પણ એમની અર્ધાગ્ની, આર્યનારી , સાચી પરિસ્થિતિ પામી ગયા અને પોતાના દેહ ઉપરથી દાગીના ઉતારી, પોટલીવાળી, પતિને આપતા સહજ ભાવે કહયું લો આને વેચી આવો અને વસ્તુ ખરીદી લાવો. આર્યનારીના ઉરની આ ઉદારતા જોઇ જલારામ ગદગદીત થઇ ગયા. મનોમન વંદી રહયા અને સંતોને પ્રેમે જમાડયા. માત્ર ર૮ વર્ષની ઉંમરે જલારામ જલાબાપા તરીકે જગ જાણીતા થઇ ગયા. પરંતુ તેઓ તો પોતાને રામનો ટેલીઓ તરીકે જ અદની ઓળખ આપતા.

આ અવિરત ચાલતી સદાવ્રતની પ્રવૃતીની પરીમલ પથરાતી રહી અને એની પરીમલ પમરાટ ચોતરફ વિસ્તરતી ફેલાતી રહી એવામાં એક વિસ્મયકારક અણધારી અકલ્પ ઘટના બની એક વયોવૃધ્ધ સન્યાસી, સ્થાનકે આવી પોતાની કૃશ કાયાની સેવા અર્થે પોતાની સાથે માતા વિરબાઇને મોકલવાની અજબ-ગજબ ભરી માંગણી કરી. પણ શાંત નહી પરંતુ પ્રશાંત મને આ જીગરદાર જીવે એમના પત્નિને આ વિચિત્ર વાત કરી અને એ ઇશ્વરી શીકત માતેશ્વરી એ તુરત આ સદકાર્યની હૈયાથી હા ભણી. તેઓ તો પતિને પ્રણામ કરી, આ અકળ લીલાધરની વાટ પકડી રસ્તામાં આ જર્જરીત કાયાવાળા જટાળા જોગીએ માને એક ઓટલે બેસાડી હમણા જંગલ જઇને આવુ છુ આપ અહીયા બેસો આટલુ કહી પોતાની વાટ પકડી પણ તે જોગી ગયો તે ગયો પાછો ફર્યો નહી ત્યાં આકાશવાણી થઇ ધન્ય છે સતી તારા સતીત્વ, સમર્પણ શકિત અને શ્રધ્ધાને હું તો તારી કસોટી કરવા આવ્યો હતો પણ આ તો મારી કસોટી થઇ ગઇ.

આ અકળ સંતે માતા પાસે મુકેલો ઝોલો અને લાકડી આજે પણ સ્થાનક્રમાં સંતની સાક્ષી પુરતા અકબંધ છે. જેની નિત્ય પૂજા થાય છે. પછીના વર્ષે એટલે ેક ૧૯૩પ માં કાર્તિક વદ પુર્ણાક સમી નવમીના નવદુર્ગા સમી પુત્રી રત્નનું અવતરણ થયું ? જાણે ગંગા અને જમુનામાં સરસ્વતીનું મિલન થયું. એથી જ એમનું યથાર્થ નામ પાડયું જમુનામૈયા એક અદ્ભુત ત્રિવેણી સંગમ રચાયું.

જમુનાબાઇના લગ્ન કોટડા પીઠાના શ્રી ભકિતરામ સાથે થયા તેમના પુત્રનું નામ હરિરામજી પૂ. બાપાની  પારખુ અને અનુભવી આંખ્યું તેમને પારખી ગઇ? પોતાના દેહવિલય પછી આ પ્રવૃતિ અવિરત ચાલુ રાખશે એવો વિશ્વાસ આતમમાં ધરી તેમણે પોતાના મુખનો  પ્રસાદ શકિતપાત કરતા હોય એમ તેમના મુખમાં મેલ્યો. અને તેમના અધુરા કાર્યો પુર્ણ કરવાની અજબશકિત તેમનામાં આવી ગઇ ?

આ મહામાનવે સવંત ૧૯૩૭ નાં મહાવદ દસમને બુધવારે, એકયાસી વર્ષની ઉમરે પાર્થીવ દેહ છોડી વિરાટમાં વિલીન થઇ ગયું. સ્થૂળદેહ છોડી સર્વેની સુખાકારી માટે સુક્ષ્મ રૂપે સચરાચરમાં વ્યાપી ગયું. આવા ભજન, ભોજન, અને ભાજનના ભેખધારી ભકત ભકતરાજ અને ભકત શિરોમણી એવા સંત જલારામને કોટી...કોટી પ્રણામ.

-ઘનશ્યામ ઠક્કર

(4:07 pm IST)