Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

દંડનો ડર અને મનમાં રોષ

અનિચ્છાએ મોટા ભાગના વાહન ચાલકોએ હેલ્મેટ પહેર્યાઃ પ્રારંભે સરકારી કચેરીઓના ગેઇટ પાસે પોલીસની ડ્રાઇવ

પોલીસ કમિશનર કચેરી-રૂરલ એસપી કચેરી-હેડકવાર્ટરના ગેઇટ પર જ ટ્રાફિક બ્રાંચની ટીમો તૈનાતઃ હેલ્મેટ વગરના પોલીસ કર્મિઓને પણ દંડ ફટકારાયા : કોર્પોરેશનની મુખ્ય કચેરીઓ અને ઝોન કચેરીઓ તથા મામલતદાર કચેરીના મુખ્ય પ્રવેશ દ્વાર પર હેલ્મેટ વગર આવેલા કર્મચારીઓ-અરજદારો પાસેથી દંડ વસુલાયો

દંડનો ડર :  ટ્રાફિકના નવા નિયમો અંતર્ગત આજથી ફરીથી પોલીસે દંડ વસુલવાની શરૂઆત કરી દીધી છે. તસ્વીરમાં પોલીસ કમિશનર કચેરી તથા રૂરલ એસપી કચેરીના ગેઇટ પર જ ટ્રાફિક બ્રાંચની ટીમો દેખાય છે. જે પોલીસ કર્મચારીઓ હેલ્મેટ વગર આવ્યા હતાં તેની પાસેથી દંડ વસુલાયો હતો. અન્ય તસ્વીરમાં હેલ્મેટ પહેરીને નીકળેલા ટુવ્હીલર ચાલકો જોઇ શકાય છે. નીચેની પ્રથમ તસ્વીરમાં હેડકવાર્ટર ખાતે ચેકીંગ ટૂકડીને જોઇ વાહન પાછળ વાળીને જતાં રહેલા ચાલક તથા બીજી તસ્વીરોમાં દંડ વસુલાતની કાર્યવાહી કરતો પોલીસ સ્ટાફ જોઇ શકાય છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

રાજકોટ તા. ૧: નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત શહેર પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. જો કે પ્રારંભે પોલીસે સરકારી કચેરીઓ ખાતે ડ્રાઇવ યોજી છે. પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મામલતદાર ઓફિસ, મ્યુનિસિપલ કોર્પોરેશનની મુખ્ય ઓફિસ તથા ઝોન ઓફિસો સહિતની કચેરીઓના મુખ્ય પ્રવેશ દ્વારે જ ટ્રાફિક પોલીસની ટીમોએ ચેકીંગ શરૂ કર્યુ હતું અને હેલ્મેટ વગર આવતાં સરકારી કર્મચારી તથા બીજા કામ સબબ આવતાં વાહન ચાલકોને દંડ ફટકાર્યા હતાં. અનેક પોલીસ કર્મચારીઓ, સરકારી કર્મચારીઓને દંડ ભરવો પડ્યો હતો. આ ઉપરાંત શહેરમાં અલગ-અલગ પોલીસ મથકો દ્વારા ડ્રાઇવ યોજાઇ હતી. જેમાં અનેક વાહન ચાલકો દંડાયા હતાં. આકરા દંડનો ડર અને હૈયે રોષ લઇને અનિઇચ્છાએ વાહન ચાલકો હેલ્મેટ પહેરીને નીકળ્યા હોવાની છાપ ઉભી થઇ હતી. મોટા ભાગના વાહન ચાલકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટના કાયદાનો સખ્ત વિરોધ કર્યો છે. પણ દંડના ડરથી હેલ્મેટ પહેરવા મજબૂર થઇ રહ્યાની લાગણી પણ દર્શાવી હતી.

અગાઉ નવા કાયદાની અમલવારી શરૂ થઇ ત્યારે હેલ્મેટ, પીયુસીના મુદ્દે રાજ્ય સરકારે ૩૧ ઓકટોબર સુધીની છુટ આપી હતી. આ મુદ્દત પુરી થતાં જ આજથી રાજકોટ પોલીસ દંડ વસુલવા મેદાને આવી ગઇ છે. શહેરમાં સવારે સાડા દસેક વાગ્યે મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત અને ટીમના માણસો મેઇન રોડ પર ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા અને હેલ્મેટ વગર નીકળતાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવા ગોઠવાઇ ગયા હતાં. આ ઉપરાંત રેસકોર્ષ રીંગ રોડ પર મહિલા પોલીસ મથકની ટીમોએ પણ હેલ્મેટ વગર નીકળેલા ટુવ્હીલર ચાલકોને અટકાવી દંડ ફટકાર્યો હતો.

જે ટુવ્હીલર ચાલકો હેલ્મેટ વગર નીકળ્યા હતાં તેમને અટકાવી રૂ. ૫૦૦નો દંડ ફટકારાયો હતો. જેની પાસે રોકડ રકમ ન હોય તેના વાહનના ફોટા મોબાઇલથી પાડી લેવાયા હતાં. આવા વાહન ચાલકોને ઇ-મેમો ઘરે મળશે. હેલ્મેટ શહેરમાં જરૂરી જ ન હોવાનો મત મોટા ભાગના વાહન ચાલકોનો છે. આ મામલે નવા કાયદાની અમલવારીની શરૂઆત થઇ ત્યારથી જ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જે તે વખતે હેલ્મેટ અને પીયુસી મામલે સરકારે મુદ્દત આપતાં વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. પરંતુ આજથી ફરી નવા મોટર વ્હીકલ એકટનો અમલ કરાવવાનું શરૂ થતાં લોકોમાં હેલ્મેટ મામલે ફરીથી રોષ ફેલાયો છે.

મસમોટા દંડથી બચવા માટે લોકો ઇચ્છા ન હોવા છતાં હેલ્મેટ પહેરીને નીકળ્યા હોવાનું કહેતાં હતાં. પંદરમાંથી દસથી બાર વાહન ચાલકોએ કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટની કોઇ જ જરૂરિયાત નથી. તો બીજા પાંચ-સાત વાહન ચાલકોએ હેલ્મેટનો કાયદો જરૂરી હોવાનો સૂર પુરાવ્યો હતો. ફરજીયાત હેલ્મેટના કાયદા સામે અગાઉ પણ વિરોધ શરૂ થયો હતો અને જુદા-જુદા સંગઠનો, રાજકીય આગેવાનો મેદાને આવ્યા હતાં. ફરીથી વાહન ચાલકો હેલ્મેટના બંધનમાં ધરાર બંધાઇ જતાં રોષ ફેલાયો છે ત્યારે આ મામલે નવાજુની થવાની શકયતા છે.

આજે જો કે ટ્રાફિક બ્રાંચની મોટા ભાગની ટીમોએ શહેરના અલગ-અલગ પોઇન્ટ પર    ચેકીંગ કરવાને બદલે સરકારી કચેરીઓ ખાતે આજે ચેકીંગ કર્યુ હતું. પોલીસ કમિશનર કચેરી, રૂરલ એસપી કચેરી, મ્યુનિસિપલ કોર્પોરેશન કચેરી, મામલતદાર કચેરી, બહુમાળી કચેરી તથા અન્ય સરકારી કચેરીઓ ખાતે તેમજ પોલીસ હેડકવાર્ટરના ગેઇટ ખાતે ટ્રાફિક બ્રાંચે હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસેથી દંડ વસુલ્યો હતો. બીજી તરફ જે તે પોલીસ સ્ટેશનની ટીમો દ્વારા પોતપોતાના વિસ્તારમાં હેલ્મેટની ડ્રાઇવ યોજવામાં આવી હતી અને દંડ વસુલાયો હતો.

વાહન ચાલકો પાંચસો રૂપિયાના દંડથી બચવા મને-કમને હેલ્મેટ પહેરી રહ્યા છે. હેલ્મેટ પહેરીને નીકળેલા લોકોએ પણ પોતે મજબૂરીથી દંડના ડરથી હેલ્મેટ પહેરી રહ્યા હોવાનું કહેતાં હતાં. આ લોકોએ શહેરી વિસ્તારમાં હેલ્મેટનો કાયદો ન હોવો જોઇએ તેવો સ્પષ્ટ મત રજૂ કર્યો હતો.

(3:50 pm IST)