Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

મસમોટા દંડથી બચવા અનિચ્છાએ મોટા ભાગના લોકો હેલ્મેટ પહેરીને નીકળ્યાઃ રાજકોટમાં દંડ વસુલવાનું શરૃઃ લોકોમાં રોષ

રાજકોટઃ નવા મોટર વ્હીકલ એકટની જોગવાઇ અનુસાર આજથી ટ્રાફિક નિયમોના ભંગ બદલ કડક કાર્યવાહીની શરૂઆત શહેર પોલીસ અને ટ્રાફિક બ્રાંચે કરી દીધી છે. અગાઉ હેલ્મેટ, પીયુસીના મુદ્દે રાજ્ય સરકારે ૩૧ ઓકટોબર સુધીની છુટ આપી હતી. આ મુદ્દત પુરી થતાં જ આજથી રાજકોટ પોલીસ દંડ વસુલવા મેદાને આવી ગઇ છે. શહેરમાં સવારે સાડા દસેક વાગ્યે મવડી મેઇન રોડ પર માલવીયાનગર પોલીસ મથકના પીઆઇ ચુડાસમાની રાહબરીમાં પીએસઆઇ ચંપાવત અને ટીમના માણસો મેઇન રોડ પર ટ્રાફિક નિયમનનું પાલન કરાવવા અને હેલ્મેટ વગર નીકળતાં વાહન ચાલકો પાસેથી દંડ વસુલવાની કાર્યવાહી કરવા ગોઠવાઇ ગયા હતાં. જે ટુવ્હીલર ચાલકો હેલ્મેટ વગર નીકળ્યા હતાં તેમને અટકાવી રૂ. ૫૦૦નો દંડ ફટકારાયો હતો. જેની પાસે રોકડ રકમ ન હોય તેના વાહનના ફોટા મોબાઇલથી પાડી લેવાયા હતાં. આવા વાહન ચાલકોને ઇ-મેમો ઘરે મળશે. હેલ્મેટ શહેરમાં જરૂરી જ ન હોવાનો મત મોટા ભાગના વાહન ચાલકોનો છે. આ મામલે નવા કાયદાની અમલવારીની શરૂઆત થઇ ત્યારથી જ લોકોમાં ભારે રોષ ફેલાયો હતો. જે તે વખતે હેલ્મેટ અને પીયુસી મામલે સરકારે મુદ્દત આપતાં વાહન ચાલકોએ રાહત અનુભવી હતી. પરંતુ આજથી ફરી નવા મોટર વ્હીકલ એકટનો અમલ કરાવવાનું શરૂ થતાં લોકોમાં હેલ્મેટ મામલે ફરીથી રોષ ફેલાયો છે. જો કે મસમોટા દંડથી બચવા માટે લોકો ઇચ્છા ન હોવા છતાં હેલ્મેટ પહેરીને નીકળતાં દેખાયા હતાં. પંદરમાંથી દસથી બાર વાહન ચાલકોએ કહ્યું હતું કે શહેરી વિસ્તારમાં હેલ્મેટની કોઇ જ જરૂરિયાત નથી. તો બીજા પાંચ-સાત વાહન ચાલકોએ હેલ્મેટનો કાયદો જરૂરી હોવાનો સૂર પુરાવ્યો હતો. ફરજીયાત હેલ્મેટના કાયદા સામે અગાઉ પણ વિરોધ શરૂ થયો હતો અને જુદા-જુદા સંગઠનો, રાજકીય આગેવાનો મેદાને આવ્યા હતાં. ફરીથી વાહન ચાલકો હેલ્મેટના બંધનમાં ધરાર બંધાઇ જતાં રોષ ફેલાયો છે ત્યારે આ મામલે નવાજુની થવાની શકયતા છે. તસ્વીરમાં પોલીસ હેલ્મેટ વગરના વાહન ચાલકો પાસે દંડ વસુલવાની કાર્યવાહી કરતી જોવા મળે છે. (ફોટોઃ અશોક બગથરીયા)

(1:03 pm IST)