Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

ભેંસ સાથે બાઇક અથડાતાં કણકોટના વણકર વૃધ્ધા મણીબેન પરમારનું મોતઃ પતિને ઇજા

પુત્રવધૂએ દિકરાને જન્મ આપતાં દાદા-દાદી કણકોટથી ખબર પુછવા રાજકોટ આવતા હતાં ત્યારે નાના મવાથી કણકોટ ગામ જવાના રસ્તે મોડી રાતે બનાવઃ પરિવારમાં શોક

રાજકોટ તા. ૧: મોડી રાતે નાના મવાથી કણકોટ ગામ જવાના રસ્તા પર બાઇક ભેંસ સાથે ભટકાતાં કણકોટ રામનગરના વણકર વૃધ્ધ અને પાછળ બેઠેલા તેમના પત્નિ ફંગોળાઇ જતાં ઇજાઓ થતાં બંનેને સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. જેમાં પત્નિનું મોત નિપજ્યું હતું. પુત્રવધૂએ રાજકોટ હોસ્પિટલમાં દિકરાને જન્મ આપ્યો હોઇ દાદા-દાદી ખબર પુછવા માટે આવી રહ્યા હતાં ત્યારે મોડી રાતે આ બનાવ બન્યો હતો.

જાણવા મળ્યા મુજબ કણકોટ રામનગરમાં રહેતાં દેવજીભાઇ વીરાભાઇ પરમાર (ઉ.વ.૬૫) પુત્રવધૂ મીનાબેન દિનેશભાઇએ રાજકોટ ઝનાના હોસ્પિટલમાં સાંજે દિકરાને જન્મ આપ્યો હોઇ તેની ખબર પુછવા અને પોૈત્રનું મોઢુ જોવા પોતાનું બાઇક નં. જીજે૦૩-૫૫૮૫ લઇ રાજકોટ આવવા નીકળ્યા હતાં. પાછળ તેમના પત્નિ મણીબેન પરમાર (ઉ.૬૦) પણ બેઠા હતાં. બંને નાના મવાથી કણકોટ ગામ જવાના રસ્તે ધીલ્લોન ફાર્મ નજીક પહોંચ્યા ત્યારે અચાનક રોડ પર ભેંસ આવી જતાં તેની સાથે બાઇક અથડતાં દેવજીભાઇ અને મણીબેન બંને ફંગોળાઇ જતાં ઇજાઓ થઇ હતી.

અકસ્માતને પગલે લોકોના ભેગા થઇ ગયા હતાં. કોઇએ દેવજીભાઇના ફોનમાંથી તેમના પુત્ર નાગજીભાઇ પરમારને ફોન જોડતાં અને અકસ્માતની વાત કરતાં તેઓ ઘટના સ્થળે પહોંચ્યા હતાં. ત્યાં ૧૦૮ આવી જતાં તેમણે માતા-પિતા બંનેને સિવિલ હોસ્પિટલે ખસેડ્યા હતાં. પરંતુ અહિ સારવાર દરમિયાન મણીબેને દમ તોડી દેતાં પરિવારમાં કલ્પાંત સર્જાયો હતો.

હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલાએ જાણ કરતાં તાલુકા પોલીસ મથકના પીએસઆઇ એન. કે. રાજપુરોહિતે જરૂરી કાર્યવાહી કરી હતી. મૃતક મણીબેનને સંતાનમાં ત્રણ પુત્રી અને બે પુત્ર છે. બનાવને પગલે પરમાર પરિવારમાં ગમગીની છવાઇ ગઇ હતી.

(1:02 pm IST)