Gujarati News

Gujarati News

News of Friday, 1st November 2019

રાજકોટ યાર્ડ લાભ પાંચમે મગફળી-કપાસની ચિક્કાર આવકથી છલોછલ

સૌરાષ્ટ્ર-ગુજરાતના યાર્ડોમાં મગફળીની અઢી લાખ ગુણીની આવકઃ રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૦ હજાર અને કપાસની ૧૦ થી ૧ર હજાર મણની આવકઃ મગફળીની આવકો બંધ કરાઇઃ મગફળીના ભાવમાં ૧૦ થી ર૦ રૂ. ભાવ વધ્યા

તસ્વીરમાં યાર્ડમાં મગફળીના જથ્થાના ઢગલે-ઢગલા નજરે પડે છે તેમજ વેપારીઓ અને ખેડુતો નજરે પડે છે. (તસ્વીરઃ સંદીપ બગથરીયા)

રાજકોટ, તા., ૧: લાભપાંચમના શુભ મુહુર્તે આજે રાજકોટ માર્કેટ યાર્ડ મગફળી અને કપાસની પુષ્કળ આવકથી છલોછલ થઇ ગયું હતું. યાર્ડના સતાવાળાઓ દ્વારા મગફળીની આવકો બંધ કરાઇ છે. સૌરાષ્ટ્ર-ગુજરાતના યાર્ડોમાં મગફળીની અઢી લાખ ગુણીની આવકો થઇ છે.

રાજકોટ યાર્ડમાં ગઇકાલ સવારથી જ કપાસ અને મગફળીના જથ્થા ભરેલા વાહનોના થપ્પે-થપ્પા  લાગી ગયા હતા. રાજકોટ યાર્ડમાં મગફળીની ૮૦ થી ૯૦ હજાર ગુણીની આવકો થતા મગફળીની આવકો બંધ કરાઇ હોવાનું યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું. યાર્ડમાં દૈનિક ર૦ થી રપ હજાર મગફળીની ગુણીનું વેચાણ થાય છે. પડતર મગફળીના જથ્થાનું ક્રમશઃ વેચાણ થયા બાદ નવી મગફળીની આવકો શરૂ કરાશે.

રાજકોટ યાર્ડમાં મગફળી એક મણના ભાવ ૮પ૦ થી ૯પ૦ રૂ. ખેડુતોને ઉપજયા હતા. બેસ્ટ મગફળીના ભાવ ૧૦૦૦ રૂ. તેમજ ૬૬ નંબર મગફળીના ભાવ ૧૩૦૦ થી ૧૪૦૦ રૂ.ના ભાવે વેચાઇ હોવાનું કમીશન એજન્ટ એસોસીએશનના પ્રમુખ અતુલભાઇ કામાણીએ જણાવ્યું હતું. દિવાળી બાદ મગફળીના ભાવમાં ૧પ થી ર૦ રૂ.નો સુધારો થયો છે. તેવી જ રીતે રાજકોટ યાર્ડમાં કપાસની ૧૦ થી ૧ર મણની આવક થઇ હતી અને કપાસ એક મણના ભાવ ૯પ૦ થી ૧૧ર૦ રૂ. ભાવ રહયા હતા.

વેપારી સુત્રોના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર-ગુજરાતના માર્કેટ યાર્ડોમાં કુલ અઢી લાખ ગુણીની આવકો થઇ છે. કમોસમી વરસાદને કારણે આવકો ઘટી છે પરંતુ આગામી દિવસોમાં હજુ પણ આવકો વધશે તેમજ દિવાળી બાદ  મગફળીના ભાવમાં વધારો થતા ખેડુતોને સારા ભાવ મળશે તેવી આશા જાગી છે.

(3:43 pm IST)