Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

કાગદડીના રજપૂત યુવાન હિતેષ જાદવને ધના ભરવાડે ગાળો દઇ લાકડીથી ફટકાર્યો

ખેતરમાં ભેલાણ કરતો અટકાવાતાં ધનો રોષે ભરાયોઃ ખૂનની ધમકી પણ દીધી

રાજકોટ તા. ૧: કુવાડવા તાબેના કાગદડી ગામે ખોડિયાર આશ્રમ ખાતે રહેતો અને લેબર કામના કોન્ટ્રાકટ રાખવા ઉપરાંત  ખોડિયાર આશ્રમમાં સેવા આપતો રજપૂત યુવાન હિતેષ લક્ષમણભાઇ જાદવ (ઉ.૩૩) ગઇકાલે કાગદડી ગામમાં અરજણભાઇ મેઘાભાઇ મોલીયાની વાડી પાસે હતો ત્યારે ગામના જ ધના મછાભાઇ ભરવાડે ગાળો દઇ બંને પગમાં લાકડીથી માર મારી જાનથી મારી નાંખવાની ધમકી આપતાં ફરિયાદ થઇ છે.

કુવાડવા પોલીસ મથકના ફતેહસિંહ સોલંકી અને જયંતિભાઇએ હિતેષની ફરિયાદ પરથી ગુનો નોંધ્યો છે. હિતેષના કહેવા મુજબ પોતે મિત્ર શૈલેષ લીંબાસીયા સાથે અરજણભાઇની વાડીએ ગયા હતાં. તેનું ખેતર આશ્રમની ગાયો ચરાવવા માટે રાખ્યું હોઇ આ ખેતરમાં ધના ભરવાડે તેના માલ-ઢોર ઘુસાડી ભેલાણ કરાવતાં તેને અટકાવતાં ઉશ્કેરાઇ જઇ ગાળો દઇ લાકડીથી માર મારી 'તારે જ્યાં રહેવું હોય ત્યાં રહેજે હવે તો તને મારી જ નાંખવો છે' તેમ કહી ધમકી આપી હતી.પોતાને માર મારવામાં આવતાં પડી જતાં ધનો જતો રહ્યો હતો. એ પછી આશ્રમના બાપુને જાણ કરતાં અલ્પેશભાઇ સહિતના આવ્યા હતાં અને વિક્રમસિંહની ગાડીમાં બેસાડી રાજકોટ સારવાર અપાવી હતી. પોલીસે ધનાની શોધખોળ હાથ ધરી છે.

(3:29 pm IST)