Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

સંતાનોને વારસામાં સંસ્કાર આપો : પૂ. અપુર્વમુની સ્વામી

આહીર સમાજ માટે બીએપીએસ મંદિરે યોજાયો પ્રેરણા સમારોહ : ૪ હજાર લોકોની ઉપસ્થિતી

રાજકોટ : બીએપીએસ મંદિરે આહીર સમાજ માટે પ્રેરણા સમારોહનું આયોજન કરાયુ હતુ. 'મારો પરિવાર સુખી પરિવાર' વિષય પર ઉદ્દબોધન કરતા પૂ. અપૂર્વમુનિ સ્વામીએ જણાવેલ કે પરિવારને સુખી બનાવવો હોય તો સંતાનોને સંસ્કારી બનાવજો. આ માટે પહેલા માતા પિતાએ સંસ્કારી બનવું પડે. તો સંતાનો આપો આપ સુસંકારી બનવા માંડશે. સંતાનોમાં રહેલી ખામી એ બીજુ કઇ નહીં પણ આપણું જ પ્રતિબિંબ હોય છે. તેમણે વધુમાં જણાવેલ કે આજે દાંડીયાના સ્ટેપ બધાને ફાવશે પણ સંબંધના સ્ટેપ સમજવા કોઇ પ્રયાસ જ નથી કરતુ. કપડાનું મેચીંગ કરતા ફાવશે પણ લોકો સાથે કેમ મેચ થવુ તે શીખવાની તસ્દી કોઇ નહીં લ્યે. જો તમારે સુખી થવુ હોય તમારા પરિવારને સુખી કરવો હોય તો શિક્ષણ, સંસ્કાર, સંપ અને સત્સંગ આ ચાર ગુણ ઉપર ધ્યાન કેન્દ્રીત કરવુ જ પડશે. તેમ તેમણે શીખ આપતા જણાવ્યુ હતુ. સમારોહના પ્રારંભે સૌ કોઇ માટે મહાપ્રસાદની વ્યવસ્થા કરાઇ હતી. સ્વાગત પ્રવચન આહીર સમાજના અગ્રણી ડો. કે. આર. રામે કરી આ સમારોહ બદલ પૂ. અપૂર્વમુનિ સ્વામીનો આભાર વ્યકત કર્યો હતો. અંદાજે ૪૦૦૦ ની સંખ્યામાં આહીર સમાજના અગ્રણીઓ, ઉદ્યોગપતિઓ, રાજકીય આગેવાનો, આમ જ્ઞાતિજનો ઉપસ્થિત રહ્યા હતા. સમારોહના અંતમાં ડીસેમ્બરમાં યોજાનાર પૂ. પ્રમુખ સ્વામી મહારાજ જન્મ જયંતિ મહોત્સવનો આકર્ષક વિડીયો પડદા ઉપર રજુ કરાયો હતો. પ્રમુખ સ્વામીના જીવન અને કાર્યોથી સૌને માહીતગાર કરાયા હતા.

(3:23 pm IST)