Gujarati News

Gujarati News

News of Thursday, 1st November 2018

ભાવાંતર પ્રશ્ને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ યાર્ડો બંધઃ કરોડોનું ટર્નઓવર ઠપ્પ

સૌરાષ્ટ્રના ર૪ પૈકી જુનાગઢ, અમરેલી, જસદણ યાર્ડ કાલથી હડતાલમાં જોડાશેઃ ગોંડલ અને જામનગર યાર્ડમાં મગફળીના નિકાલ માટે હરરાજી ચાલુઃ ખેડુતોના હિતમાં તાકીદે નિર્ણય લેવા સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશનની માંગણી

રાજકોટ, તા., ૧: ભાવાંતર મુદ્દે ૧ લી નવેમ્બરથી સૌરાષ્ટ્ર એપીએમસી વેપારી એસોસીએશન દ્વારા અપાયેલ યાર્ડ બંધના એલાન અંતર્ગત આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ યાર્ડો સજ્જડ બંધ રહયા હતા. વેપારીઓની હડતાલના પગલે કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું હતું. બીજી બાજુ તહેવારો ટાંકણે જ યાર્ડો બંધ થતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે.

સૌરાષ્ટ્ર એપીએમસી એસોસીએશન દ્વારા ખેડુતોના હિતમાં ભાવાંતર યોજના લાગુ કરવાની માંગણી સાથે સરકારને રજુઆત કરી ૬ દિવસનું અલ્ટીમેટમ અપાયું હતું. પરંતુ સરકાર દ્વારા આ માંગણી સંદર્ભે કોઇ જવાબ ન અપાતા વેપારીઓએ ૧ લી નવેમ્બરથી એટલે કે આજથી સૌરાષ્ટ્રના તમામ યાર્ડો અચોક્કસ મુદત સુધી બંધ રાખવાની ચીમકી આપી હતી.

માર્કેટ યાર્ડ બંધના આ એલાન અંતર્ગત આજે રાજકોટ સહિત સૌરાષ્ટ્રના ૧૯ માર્કેટ યાર્ડો બંધ રહેતા કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું હતું. રાજકોટ યાર્ડમાં આજે તમામ વેપારીઓએ સ્વયંભુ બંધ રાખી હડતાલમાં જોડાયા હતા. તેવી જ રીતે સૌરાષ્ટ્રના અન્ય ૧૯ યાર્ડના વેપારીઓએ પણ સ્વયંભુ બંધ પાડી હડતાલમાં જોડાતા સૌરાષ્ટ્રના યાર્ડોમાં  કરોડોનું ટર્નઓવર ઠપ્પ થઇ ગયું છે.

આ હડતાલમાં સૌરાષ્ટ્રના ર૪ પૈકી જુનાગઢ, અમરેલી અને જસદણ યાર્ડ આજે ચાલુ રહયા હતા. જો કે કાલથી આ ત્રણેય યાર્ડો હડતાલમાં જોડાશે. જયારે જામનગર અને ગોંડલ યાર્ડમાં મગફળીની આવકો થઇ છે. તેેનો નિકાલ કરવા પુરતી જ આજે હરરાજી ચાલુ છે. કાલથી આ બંન્ને યાર્ડ પણ હડતાલમાં જોડાશે.

સૌરાષ્ટ્ર માર્કેટ યાર્ડના વેપારીઓના સંગઠને ભાવાંતર યોજના (યાર્ડમાં ટેકાના ભાવથી જેટલા ઓછા ભાવે સોદા થાય તેટલી રકમ ખેડુતોના બેંક ખાતામાં ચુકવવી) લાગુ કરવાની માંગણી કરી છે. ખેડુતોના હિતમાં સરકાર તાકીદે નિર્ણય લ્યે તેવી સૌરાષ્ટ્ર એપીએમસીના પ્રમુખ અતુલ કામાણીએ માંગણી કરી છે.

દરમિયાન દિપાવલીના પર્વ પહેલા જ સૌરાષ્ટ્રના યાર્ડોમાં હડતાલ પડતા ખેડુતોની સ્થિતિ કફોડી બની છે. સરકાર ટેકાના ભાવે મગફળીની ખરીદી ૧પ નવેમ્બરથી કરનાર છે અને હાલમાં યાર્ડો બંધ છે. ખેડુતોને મગફળી સહિતની જણસીઓનું વેચાણ કરવામાં મુશ્કેલી પડી રહી છે.

ભાવનગર

ભાવનગર : માર્કેટયાર્ડમાં આજથી હડતાલ શરૂ થઇ છે. માત્ર શાકભાજી અને ડુંગળીની હરરાજી ચાલુ રહી છે. અનાજ-કઠોળ, તેબીયાની હરરાજી બંધ રહી હતી.

આજ તા. ૧લી નવેમ્બરથી કેન્દ્ર સરકારની આશા અમ્બ્રેલા યોજના લાગુ કરવાની માંગ સાથે રાજયવ્યાપી માર્કેટયાર્ડમાં મુદતની હડતાલનું એલાન આપવામાં આવેલ જે સંદર્ભે ભાવનગર માર્કેટયાર્ડ પણ હડતાલમાં જોડાયું છે અને માર્કેટયાર્ડમાં હરરાજી બંધ રહી હતી. જોકે શાકભાજી અને ડુંગળીની હરરાજી ચાલુ રાખવામાં આવી છે. જયારે અનાજ, કઠોળ, તેલેબીયા વિગેરેની હરરાજી બંધ રહી હોવાનું ભાવનગર માર્કેટયાર્ડના સુત્રોએ જણાવ્યું છે.

ગોંડલ

ગોંડલ : યાર્ડમાં મગફળીની એકની હરરાજી ચાલુ છે. બાકીની જણસીની હરરાજી બંધ રહી છે અને હડતાલમાં જોડાયા છે.

તહેવારો ટાંકણે વેપારીઓની હડતાલ  ગેરવ્યાજબી છે : યાર્ડ ચેરમેન ડી.કે.સખીયા

રાજકોટ, તા., ૧: સૌરાષ્ટ્ર એપીએમસી  વેપારી એસોસીએશનની હડતાલ સંંદર્ભે રાજકોટ યાર્ડના ચેરમેન ડી.કે.સખીયાએ જણાવ્યું હતું કે તહેવારો ટાંકણે હડતાલ ગેરવ્યાજબી છે.

તહેવારોમાં ખેડુતોને રૂપીયાની જરૂરત હોય તેમજ ખેડુતોને બીયારણની ખરીદી માટે પણ રૂપીયાની જરૂરત હોય ત્યારે તહેવારો પુર્વે જ યાર્ડો બંધ રહેતા ખેડુતો મુશ્કેલીમાં મુકાઇ ગયા છે. રાજય સરકાર દ્વારા ૧પ મી નવેમ્બરથી ટેકાના ભાવે મગફળીની ખરીદી ચાલુ થનાર હોય તે સંદર્ભે મોટા પાયે ખેડુતો ઓનલાઇન નોંધણી કરાવી રહેલ છે.

(11:26 am IST)