Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

તંત્રની ઘોર બેદરકારીઃ ઐતિહાસીક મણીયાર હોલ ખંઢેર

આ હોલમાં ખુરશી, લાઇટ, પંખા, સફાઇ સહિતના પ્રશ્નો તાકિદે ઉકેલવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશ્નરને રજૂઆત

રાજકોટ, તા. ૧ : સમગ્ર સૌરાષ્ટ્ર અને રાજકોટની ઐતિહાસિક ધરોહર સમો ને રાજકોટનો પ્રથમ હોલ કહી શકાય એવા અરવિંદભાઇ મણિયાર હોલ દેશની આઝાદી પહેલા અને દેશની આઝાદી બાદના અનેક ઇતિહાસના ચડાવ ઉતારનો સાક્ષી બની ઉભો છે , પરંતુ સ્માર્ટ સીટીની વાતો કરનાર મ.ન.પા.નું તંત્ર આ ઐતિહાસિક હોલ પ્રત્યે ભયંકર ઉદાસીનતા અને લાપરવાહી દાખવી રહ્યું છે જેના કારણે આ ઐતિહાસિક સ્મારક દિવસે-દિવસે ખરાબ હાલતમાં તબદિલ થઇ રહ્યાનો આક્ષેપ કર્યો છે. તેમજ શહેરની જનતા અનુભવી રહી છે ત્યારે આ ઐતિહાસિક વારસાની જાળવણી અને જતન કરવું ખૂબ જરૂરી હોય છેલ્લા બે વર્ષથી આ હોલ રાજકોટ મહાનગર પાલિકાની સીધી દેખરેખ નીચે સંચાલક થાય છે અનેક વખત હોલના સમારકામના સર્વે કરવામાં આવ્યા, પરંતુ આજદિન સુધી તંત્ર દ્વારા કાર્યનું શુભ મુર્હત કાઢી શકાયું નથી. ત્યારે તાત્કાલીક ધોરણે આ હેરીટેઝ હોલનું સમારકામ કરાવવા કોંગી કોર્પોરેટર ગાયત્રીબા વાઘેલા દ્વારા મ્યુ. કમિશનરને રજૂઆત કરી છે.

આ અંગે ગાયત્રીબાએ પાઠવેલ પત્રમાં જણાવ્યું હતું કે, સમગ્ર હોલમાં મૂકવામાં આવેલ ખુરશીઓમાંથી મોટાભાગની ખુરશીઓ તૂટેલ ફૂટેલ હાલતમાં છે જે પાયાથી જ રીનોવેશન કરવું પડે તેમ છે. હોલની છતમાં ફીટ કરવામાં આવેલ લાઇટોમાંથી મોટાભાગની લાઇટો (એલ.ઇ.ડી. સહિત) બંધ હાલતમાં છે. હોલમાં દરવાજા પાસે મૂકવામાં આવેલી ગ્રીલ (લોખંડ જાળી) કાટ ખાય ગયેલ હાલતમાં અને તૂટેલ-ફૂટેલ તેમજ ખોલવા-બંધ કરવામાં ખૂબજ તકલીફ કરાવે છે જે તાકીદે બદલાની જરૂર છે.

હેરિટેઝ હોલમાં દિવાલોમાં ખૂબજ ભેજ આવતા હોય છતમાં પણ ભેજ આવતો હોય જે ધયાને લઇ સર્વે કરી સમગ્ર હોલનું રીનોવેશન કરવું ખૂબ જરૂરી છે. આ હેરીટેઝ હોલમાં ટોયલેટ-બાથરૂમ અને સમગ્ર હોલની સફાઇ અને આધુનિક પદ્ધતિની વ્યવસ્થાથી સાફ સફાઇ કરાવવી ખૂબ જરૂરી છે.

આ હેરિટેઝ હોલની બાજુમાં આવેલ ઐતિહાસિક ગાર્ડનમાં આવેલ છત્રી તેમજ અન્ય બાલ ક્રીડાંગણના સાધનો ટૂટી-ફૂટે થઇ ગયેલા હોય અને સમગ્ર બગીચો અત્યંત ખરાબ હાલતમાં છે. જેની પણ જાળવણી થાય નિયમિત સફાઇ સહિતના વિવિધ પ્રશ્ને તાકીદે યોગ્ય કરવા માંગ કરી છે.

(4:14 pm IST)