Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

જિલ્લા પંચાયતમાં અવિશ્વાસ દરખાસ્ત મુકવા માટે નવેસરથી હિલચાલ

ગમે તે રીતે કેસરિયો વાવટો લહેરાવવા ગોંડલ પંથકનું જુથ સક્રીય

રાજકોટ, તા. ૧ :. જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના પ્રમુખ અને ઉપપ્રમુખને હટાવી ભાજપનું શાસન આપવા માટેના ભૂતકાળના પ્રયાસો પ્રારંભિક તબક્કે નિષ્ફળ ગયા પછી ભાજપના ગોંડલ પંથકના જુથે વધુ એક વખત પંચાયતમાં રાજકીય ઉથલપાથલ માટે પ્રયાસો હાથ ધર્યાનું જાણવા મળે છે. આ પ્રયાસો સફળતાની નજીક હોવાનો ભાજપના વર્તુળોનો દાવો છે. જો અપેક્ષા મુજબની ગોઠવણ થઈ જાય તો ગણતરીના દિવસોમાં જ અવિશ્વાસ દરખાસ્ત રજુ કરી દેવામાં આવશે તેમ આ જુથના વર્તુળોનું કહેવુ છે. આજે જિલ્લા પંચાયતમાં આ અંગેની ખાનગી ગતિવિધિ શરૂ થયાનું કહેવાય છે.

૨૦૧૫ની ચૂંટણી વખતે કોંગ્રેસે ૩૬માંથી ૩૪ બેઠકો મેળવ્યા પછી જુલાઈ ૨૦૧૮માં સમિતિઓની ચૂંટણી વખતે કોંગ્રેસમાં ભંગાણ પડેલ. અત્યારે સમિતિઓમાં કોંગ્રેસના બાગીઓનું રાજ છે. પંચાયતમાં બાગીઓના પક્ષપલ્ટા પછી ભાજપ-કોંગ્રેસ બન્ને પક્ષે ૧૮-૧૮ સભ્યોનું સંખ્યાબળ થઈ ગયુ છે. ૧૩ મહિના પછી પંચાયતની સામાન્ય ચૂંટણી આવી રહી છે. શાસનના ગણતરીના મહિનાઓ બાકી રહ્યા હોવા છતાં કેટલાક રાજકીય આગેવાનો રાજકારણનો હિસાબ ધ્યાને રાખી પંચાયતમાં સત્તાપલ્ટો કરાવવા માગે છે. અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા માટે ઓછામાં ઓછા ૨૪ સભ્યોનું સમર્થન જરૂરી છે. ૨૪ સભ્યોનો માથામેળ ભાજપ માટે સહેલો નથી છતા સરકારના સહકારથી અશકય પણ નથી. ખૂટતા સભ્યો સાથે સંપર્ક ચાલુ હોવાનું ભાજપના વર્તુળોનું કહેવુ છે. સભ્યોને એની અપેક્ષા પુરી કરીને એક વખત અવિશ્વાસ દરખાસ્ત પસાર કરાવવા એક જુથ મક્કમ બન્યુ છે. પ્રમુખ અલ્પાબેન ખાટરિયા અને ઉપપ્રમુખ સુભાષ માંકડિયાને હટાવીને મૂળ ભાજપના અથવા ભાજપમાં જોડાયેલા કોઈ મહિલાને પ્રમુખ બનાવવાની વાત સામે આવી રહી છે. અવિશ્વાસ દરખાસ્ત મુકાઈ તો બન્ને તરફે રાજકીય અને કાનૂની લડાઈ શરૂ થશે. પક્ષાંતર ધારાનો મામલો હાઈકોર્ટમાં પડતર છે.

ગોંડલ પંથકમાંથી શરૂ થયેલી રાજકીય નવાજૂનીની હિલચાલ આગળ વધશે તેવુ ભાજપના વર્તુળોનું કહેવુ છે. બીજી તરફ કોંગ્રેસના વર્તુળો આ વખતની કથિત હિલચાલનું પણ રાબેતા મુજબ બાળમરણ થઈ જવાની આશા રાખે છે. બહુ ટૂંક સમયમાં પંચાયતનું રાજકીય ચિત્ર સામે આવી જશે.

(4:24 pm IST)