Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

સંધી યુવાનની ઘાતકી હત્યાના ગુનામાં મુસ્લીમ દંપતિને આજીવન કેદ

કોઠારીયા સોલવન્ટ પાસે રસુલપરા-નુરાનીપરા આડા સંબંધના કારણે થયેલા : પત્નિ પાસે ફોન કરાવી ઈબ્રાહીમ સંધીને ઘરે બોલાવી તલવાર, ટોમી, છરીના ૩૨ ઘા મારીને પતાવી દીધેલઃ દંપતિને સજા ઉપરાંત દંપતિને બે-બે લાખનો દંડ ફટકાર્યોઃ ૧૨૦-બી કાવત્રા હેઠળ ૧૪-૧૪ વર્ષની સજા ફરમાવતી કોર્ટઃ અન્ય બે શખ્સોને શંકાનો લાભ

રાજકોટ, તા. ૧ :. અત્રે કોઠારીયા સોલવન્ટ પ્લાન્ટ નજીક આવેલ રસુલપરા-નુરાનીપરામાં પરિણિત મહિલા સાથેના આડાસંબંધના કારણે અહીંના ભગવતીપરામાં રહેતા સંધી ઈબ્રાહીમ આમદ બુકેસની ઘાતકી હત્યા કરવા અંગે પકડાયેલ વિવાદી મહિલા મદિના સલીમશા અને તેણીના પતિ સલીમશા સતારશા સૈયદ સામેનો કેસ ચાલી જતા અધિક સેસન્સ જજ શ્રી ડી.એ. વોરાએ આરોપી દંપતિને આજીવન કેદની સજા અને રૂ. બે - બે લાખનો દંડ ફટકારી દંડની રકમ ન ભરે તો વધુ બે બે વર્ષની સજાનો હુકમ ફટકાર્યો હતો.

આ અંગેની વિગત એવી છે કે, અહીંના ભગવતીપરામાં રહેતા મરનાર ઈબ્રાહીમને રસુલપરા-નુરાનીપરામાં રહેતા આરોપી સલીમશા સતારશા સૈયદની આરોપી પત્નિ મદિના સાથે આડો સંબંધ હોય બનાવના દિવસે તા. ૭-૩-૧૨ના રોજ આરોપી સલીમશાએ તેની પત્નિને ફોન કરવાનું કહી મરનારને ઘરે બોલાવવા જણાવેલ જેથી મરનાર ઘરે આવતા રાત્રીના કઢંગી હાલતમાં હોય પૂર્વયોજીત કાવત્રાના ભાગરૂપે આરોપી સલીમશાએ તેના કૌટુંબીક ભાઈ હનીફશા અને કુની સૈયદને અગાઉથી ઘાતક હથીયારો સાથે બોલાવી લીધેલ હોય મકાનની અગાશીમાં સંતાઈ ગયેલ હોય મરનાર જેણે નિર્વસ્ત્ર થતા તલવાર-ટોમી-છરી જેવા ઘાતક હથીયારો સાથે અંદર રૂમમાં આવીને મરનાર ઈબ્રાહીમ ઉપર તૂટી પડયા હતા લગભગ ૩૨ જેટલા આડેધડ ઘા મારીને ઈબ્રાહીમની હત્યા નિપજાવી હતી.

આ બનાવ અંગે મરનારના ભગવતીપરામાં રહેતા ભાઈ સંધી સલીમ આમદ બુકેશને આરોપી મદિના તેના પતિ સલીમશા તથા હનીફશા અને કુની સૈયદ વિરૂદ્ધ તાલુકા પોલીસ સ્ટેશનમાં હત્યાની ફરીયાદ નોંધાવી હતી.

તાલુકા પોલીસે આડોશી-પાડોશીના નિવેદનો લઈને તેમજ બનાવમાં વપરાયેલ હથીયારો કબ્જે કરીને ઉપરોકત ચારેય આરોપીની ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કેસ ચાલતા સરકારી વકીલ શ્રી રક્ષિતભાઈ કલોલાએ રજૂઆત કરેલ કે, પોલીસે રજુ કરેલ પુરાવો જોતા તેમજ સાહેદોએ આપેલ સમર્થનથી આરોપી સલીમશા અને તેની પત્નિ મદીના સામેનો કેસ પુરવાર થતા બન્ને આરોપીને કસુરવાર ઠરાવવા દલીલો કરી હતી.

આ બનાવમાં પોલીસે કુલ ૩૮ સાહેદોના નિવેદનો લીધા હતા. જેમા ૩૭ જેટલા સાહેદોને બનાવને સમર્થન આપેલ હતું.

ઉપરોકત હકીકતને નજર સમક્ષ રાખીને સરકારી વકીલ રક્ષિતભાઈ કલોલાએ આરોપીઓ વિરૂદ્ધ સજા માટે પુરતા પુરાવા હોય આરોપીઓને મહત્તમ સજા કરવાની દલીલો કરી હતી.

આ રજૂઆતને ધ્યાને લઈને એડી. સેસન્સ જજ શ્રી ડી.એ. વોરાએ આરોપી સલીમશા સતારશા સૈયદને ખૂનના ગુનામાં કલમ ૩૦૨ હેઠળ આજીવન કેદ તેમજ રૂ. બે લાખનો દંડ ફટકાર્યો હતો. આરોપી જો દંડની રકમ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો આદેશ કર્યો હતો. આવી જ રીતે આરોપીની પત્નિ મદિનાને પણ ખૂનના ગુનામાં આજીવન કેદની સજા અને રૂ. બે લાખનો દંડ ન ભરે તો વધુ બે વર્ષની સજાનો હુકમ કર્યો હતો. જ્યારે આરોપી હનીફશા સતારશા અને કુની સૈયદને શંકાનો લાભ આપીને છોડી મુકવાનોે હુકમ કર્યો હતો.

આ કામમાં સરકાર પક્ષે સરકારી વકીલ રક્ષિતભાઈ કલોલા રોકાયા હતા.

(4:00 pm IST)