Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

યુનિવર્સિટી દ્વારા લેવાતી એકસ્ટર્નલ પરીક્ષાઓમાં ઘોર બેદરકારીથી લાખો વિદ્યાર્થીઓને મળેલી ડીગ્રી અમાન્ય થવાનો ભયઃ તખુભા રાઠોડ

જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ રાઠોડે વિદ્યાર્થીઓના હિત અને ખરડાતી જતી સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની શાખ અંગે તાકિદે ઘટતી કાર્યવાહીની માંગ કરી : યુનિવર્સિટીના અતિ નબળા વહીવટ અંગે કસુરવાન જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ સામે તપાસની મુખ્યમંત્રી સમક્ષ માંગ

રાજકોટ, તા. ૧ :. જનજાગૃતિ અભિયાન મંચના પ્રમુખ અને વિવિધ પ્રજાકીય પ્રશ્ને સતત જાગૃત રહેતા સામાજિક અગ્રણી શ્રી તખુભા રાઠોડે વિદ્યાર્થીઓના હિતમાં અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની દહાડેદિવસે ખરડાતી જતી છાપ સુધારવા મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીને વિસ્તૃત પત્ર પાઠવી તાકીદે કાર્યવાહી કરવા માંગણી કરી છે. તેમણે અસંખ્ય મુદ્દાઓ પરત્વે તંત્રની બેદરકારી ઉજાગર કરી છે. એકસ્ટર્નલ પરીક્ષાઓમાં તંત્ર દ્વારા ગંભીર બેદરકારી દાખવવામાં આવેલી હોવાથી લાખો વિદ્યાર્થીઓએ મેળવેલી ડીગ્રી અમાન્ય થવાનો ભય તેમણે વ્યકત કર્યો છે. જે વિસ્તૃત રજૂઆત કરવામાં આવી છે તે નીચે મુજબ છે.

'એ' યુનિવર્સિટીના જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓએ મળેલ માહિતી મુજબ એવી ગંભીર ભુલો કરેલ છે કે યુનિવર્સિટી મારફત ચાલતા એકસટર્નલ અભ્યાસક્રમ માટે યુજીસીના ડીર્સ્ટન્સ એજ્યુકેશન બ્યુરો (ડબ)ની મજુરી લાંબા સમયથી લીધેલ નથી. જેથી ૨.૮૦ લાખ બે લાખ એસી હજાર વિદ્યાર્થીઓના હાલ ભવિષ્ય ઉપર જોખમ ઉભુ થયેલ છે. આ ડીગ્રી હાલ અમાન્ય ગણાતા આ વિદ્યાર્થીઓને અન્ય યુનિવર્સિટીમાં આગળના અભ્યાસક્રમ માટે પ્રવેશ મળશે નહીં. જેથી આ વિદ્યાર્થીઓ અને તેના વાલી ખૂબ જ મુશ્કેલી અને તનાવમાં આવી ગયા છે. યુનિવર્સિટીએ સ્ટેચ્યુટમાં બી.કોમ. એકસટર્નલના અભ્યાસક્રમને મંજુરી જ ન અપાયાની અતિ ચોંકાવનારી બાબતો બહાર આવેલ છે. લાંબા સમયથી યુનિવર્સિટીની સ્થાપનાથી એકસટર્નલ અભ્યાસક્રમ ચાલુ છે જે યુનિવર્સિટી સ્ટેચ્યુટ, એકટ અને ઓર્ડીનન્સમાં મંજુર કરાવી આ અભ્યાસક્રમ ચલાવતા તેવુ જાણ વા મળેલ છે. તજજ્ઞોના મતે યુનિવર્સિટીમાં ડીસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સીલની રચના બાદ યુનિવર્સિટીની વર્તમાન પ્રક્રિયા અમાન્ય ગણાય. ડીસ્ટન્સ એજ્યુકેશન કાઉન્સીલને યુ.જી.સી.ના છત્રી હેઠળ ડીસ્ટન્સ એજ્યુકેશન બ્યુરોના નામે લેવાયા બાદ કોઈપણ ફેકલ્ટીની એકસટર્નલ અભ્યાસક્રમ ચાલુ રાખવો હોય તો ઓડીએલ એકટની જોગવાઈ મુજબ ડેબની મંજુરીથી જ આ અભ્યાસક્રમ ચલાવી શકાય તેવી કાયદામાં સ્પષ્ટ જોગવાઈ છે તેમ છતા યુનિવર્સિટીએ ડેબની મંજુરી લીધેલ નથી જે ઘણી જ ગંભીર બાબત ગણાય. આ ગંભીર બેદરકારી અને ભૂલ બદલ જવાબદાર પદાધિકારીઓ અને અધિકારીઓ સામે સખત કાર્યવાહી થવી જોઈ તેવું શિક્ષણ જગત અને વિદ્યાર્થીઓ ઈચ્છે છે.

'બી' છ વર્ષ પહેલા અમલમાં આવેલ ગુજરાત ટ્રીબ્યુનલ એકટની આ યુનિવર્સિટી અમલ કરતી નથી જે પ્રિન્સીપાલો અને પ્રોફેસરો સામે ગંભીર ફરીયાદો છે તેઓને ફાયદો થશે એવું જાણકારોનું માનવું છે.

'સી' મુખ્ય જવાબદાર પદાધિકારી અને નીતિ વિષયક નિર્ણયો લેતી સીન્ડીકેટના સભ્યોશ્રીની કાયદા અને જરૂરી નીતિ નિયમની નબળી જાણકારીના કારણે શિક્ષણ ક્ષેત્રના અનુભવીઓના મતે યુનિવર્સિટીના ૪૫ પી.જી. સેન્ટરોને ઈન્સ્ટીટયુટનો દરજ્જો આપતો નિર્ણય કરેલ છે. હકીકતમાં કાયદામાં એવી જોગવાઈ કે જે પી.જી. સેન્ટર સ્પેશ્યાલાઈઝ સ્ટડીઝ કરાવતા હોય તેને આ દરજ્જો મળી શકે. હવે આ ઉભા થયેલ ગંભીર પ્રશ્ન અંગે લીગલ સ્થિતિ અંગે ફરી ઉંડાણપૂર્વક અભ્યાસ કરવો પડશે આ બાબત જાણકારોના મતે ગંભીર છે.

'ડી' કેટલી હદે યુનિવર્સિટીનું તંત્ર મનસ્વી રીતે ચાલે છે. રાજકોટની પી.ડી.એમ. કોલેજના એક કલાર્ક શ્રી સંજય પંડયા સામેની ગંભીર ફરીયાદો અંગે શ્રી રાજ્યપાલ અને યુજીસીએ આ ફરીયાદો અંગે નક્કર કાર્યવાહી કરતા આદેશ આપેલ છે. તેમ છતાં યુનિવર્સિટીનું આ પ્રકરણમાં નરમ વલણ હોય તેવુ જણાય છે.

ઉપરોકત ગંભીર બાબતો છે. આ સિવાય યુનિવર્સિટીના વહીવટ અંગે મને આ ક્ષેત્રના અભ્યાસુ વર્તુળમાંથી જે જાણવા મળેલ છે તે હું ટૂંકમાં આપને જણાવું છું.

- યુનિવર્સિટીની અતિ મહત્વની જવાબદાર કુલસચિવ અને પરીક્ષા નિયામકને જગ્યા અને અન્ય મહત્વની જગ્યાઓ લાંબા સમયથી ખાલી છે. જેની વહીવટમાં ખૂબ જ અસર દેખાય છે.

- અત્યંત મહત્વની અને જવાબદારી ધરાવતી સીન્ડીકેટ સમિતિઓના સભ્યો વચ્ચે ગંભીર મતભેદો અને જુથબંધી ચાલે છે. ઘણી વખત નબળા ટીકાપાત્ર નિર્ણયો લેવાય છે ને જરૂરી નિર્ણય વિલંબમાં પડે છે. અનેક ખાનગી કોલેજોના સંચાલકો વધુ તાકાતવાળા બનતા જાય છે. જેના મુળમાં કેટલાક સીન્ડીકેટ સભ્યોના છુપા આશિર્વાદ છે જેથી વિદ્યાર્થીઓના હિતના જરૂરી નીતિ નિયમો ચુસ્ત રીતે પાલન થતું નથી એની અસર વિદ્યાર્થીઓના શિક્ષણ ઉપર પડે છે. જો ફરી એવો સમય આવવાની સંભાવના દેખાય છે કે અન્ય રાજ્યની ઉંચી શાખ અને પ્રતિષ્ઠા ધરાવતી સંસ્થામાં આપણી યુનિવર્સિટીના વિદ્યાર્થીઓને પ્રવેશ મેળવવો મુશ્કેલ બનશે. સાથોસાથ દેશવિદેશની મોટા કદની પ્રતિષ્ઠીત ખાનગી કંપનીઓ અને અન્ય સંસ્થામાં આપણી યુનિવર્સિટીના ઉચ્ચ ડીગ્રીધારી યુવાનોને જોબ મેળવવી મુશ્કેલ બનવાના સંજોગો ઉભા થવાના ભય સતાવે છે.

- પ્રતિષ્ઠીત અખબારોના અહેવાલ મુજબ યુનિવર્સિટીના બે મુખ્ય આધારસ્તંભો કુલપતિશ્રી અને ઉપકુલપતિશ્રી વચ્ચે ખૂબ જ ખટરાગ ચાલે છે આ અંગે અખબારો આ ખટરાગ અંગેની સ્થિતિને 'સાસુ-વહુ'ના ઝઘડા અને દેરાણી-જેઠાણીના ઝઘડાના હેડીંગ બાંધી યુનિવર્સિટીને લગતા ટીકાપાત્ર સમાચારો પ્રસિદ્ધ થાય છે. આ બાબત ખૂબ જ ગંભીર છે જેથી આ બન્નેને સાથે બેસાડી તેમના મતભેદો કાયમી ધોરણે દૂર કરાવવા ખૂબ જ જરૂરી છે જો એ શકય ન બને તો બેમાંથી એકને યુનિવર્સિટીમાંથી દૂર કરવા યુનિવર્સિટીની શાખ બચાવવા જરૂરી છે.

- યુનિવર્સિટીના પોસ્ટ ગ્રેજ્યુએટ પી.જી. સેન્ટરમાં પણ ખટપટ આંતરિક અહમનો રોગ લાગુ પડેલ છે તેવુ જાણવા મળેલ છે તથા અનેક પ્રોફેસરોને જવાબદાર સ્ટાફ લાખો રૂપિયાના પગાર મેળવતા હોવા છતા વિદ્યાર્થીઓને સારી રીતે અભ્યાસ કરાવવામાં રસ દાખવતા નથી ભવનમાં હાજર ઓછા રહે છે, ઉપરનું તંત્ર નબળુ પડતુ જતા બિનજવાબદાર સ્ટાફ સામે સખ્ત પગલા લેવાતા નથી જેનો ભોગ વિદ્યાર્થીઓ બને છે. ખાસ પીજી સેન્ટરમાં ખાલી પડેલ મહત્વની જગ્યા વિદ્યાર્થીઓના હિત માટે તુરત જ ભરવી જરૂરી છે.

- યુનિવર્સિટીના સમગ્ર વહીવટી તંત્રમાં લાંબાગાળાથી ૬૦ ટકાથી વધુ જગ્યા ખાલી વિકલ્પમાં ૩૦૦થી વધુ હંગામી કર્મચારીઓમાંથી તંત્ર ચાલે છે જેની વહીવટ ઉપર ખૂબ જ ગંભીર અસર પડે છે જે અંગે પણ તાકીદ કાયમી નિર્ણય લેવો બને છે. જરૂરી વિવિધ ફેકલ્ટીની ખાનગી કોલેજોને યુ.જી.સી.નાને યુનિવર્સિટીમાં ખૂબ જ જરૂરી નિયમોને કાયમી રીતે પાલન થાય અને ચોક્કસ શિસ્તમાં રહી ખાનગી કોલેજોનું સંચાલન થાય એ માટે અતિ કડવા કડક પગલા ભરવા વિદ્યાર્થીઓ અને યુનિવર્સિટીની શાખ બચાવવા જરૂરી છે એવું શિક્ષણ ક્ષેત્રે સારૂ નોલેજ ધરાવતા મહાનુભાવોનુ સ્પષ્ટ માનવું છે.

- યુનિવર્સિટીમાં લાંબા સમયથી અનેક યોજનાના ભાગરૂપ વિશાળ કદના બાંધકામો ચાલે છે આ બાંધકામની જરૂરીયાત અને થયેલા અને ચાલુ બાંધકામમાં ગેરરીતિઓની સતત ગુંજ યુનિવર્સિટીમાં ગાજે છે. આ અંગે સર્વગ્રાહી તટસ્થ તપાસ થવી જરૂરી છે.

- યુનિવર્સિટીના પરીક્ષા વિભાગની કામગીરી અંગે અને તેમા ખાસ મેડીકલ ફેકલ્ટીમાં ખૂબ જ આયોજનપૂર્વક ગરબડ ચાલતી હોવાની ફરીયાદો અવારનવાર ઉઠે છે.

શ્રી તખુભા રાઠોડ

મો. ૯૮૨૪૨ ૧૬૧૩૦

(3:53 pm IST)