Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજકોટ શહેરના ઇતિહાસ-ભૂગોળથી પરિચિત ખુરશીદ અહેમદ પર જોઇન્ટ પોલીસ કમિશ્નર પદનો કળશ ઢોળાયો

૧૯૯૭ બેચના આ આઇપીએસ લોકોના પ્રશ્ને સતત સતર્ક રહે છે : મહત્વના સ્થાનો પર ફરજ બજાવી બહોળો અનુભવ હાંસલ કર્યો છે

રાજકોટ, તા., ૧: આઇપીએસ કક્ષાના સિનીયર-જુનીયર અધિકારીઓની બદલી-બઢતીના હુકમોમાં રાજકોટના જોઇન્ટ પોલીસ કમિશ્નરની ખાલી પડેલી જગ્યા પર અંતે આઇજી કક્ષાના રાજકોટ શહેરની ઇતિહાસ-ભુગોળથી પરિચિત અને ડીસીપી તરીકે પ્રસંશનિય કામગીરી બજાવી ચુકેલા ૧૯૯૭ બેચના સિનીયર આઇપીએસ ખુરશીદ અહેમદ પર પસંદગીનો કળશ ઢોળવામાંં આવ્યો છે.

મૂળ બિહારના વતની અને ઇતિહાસના વિષય (હિસ્ટ્રી) સાથે એમએની ડીગ્રી હાંસલ કરનાર આ અધિકારી હાલમાં અમદાવાદ  જોઇન્ટ પોલીસ કમિશ્નર હેડ કવાર્ટર તરીકે  તથા એડમીનીસ્ટેશનની મહત્વની ફરજ સંભાળતા હતા. ખુરશીદ અહેમદના પત્ની  શાહમીના હુસેન પણ સિનીયર કક્ષાના આઇએએસ અધિકારી છે. સુરેન્દ્રનગરમાં કલેકટર તરીકે ફરજ બજાવી ચુકેલા શાહમીના હુસેન હાલમાં ગુજરાત ઉર્જા વિકાસ નિગમના  એમડી જેવી મહત્વની જગ્યાએ ફરજ બજાવી રહયા છે.

ખુરશીદ અહેમદની કારકીર્દિ પર દ્રષ્ટિપાત કરીએ તો તેઓએ આર્મ્સ યુનીટ  કમાન્ડન્ટ, ડીસીપી સુરત, ડીસીપી રાજકોટ, એસપી નર્મદા, ડીઆઇજી આર્મ્સ યુનીટ (વડોદરા), ડીઆઇજી સીઆઇડી ક્રાઇમ,  પ્રિન્સીપાલ પીટીએસ વડોદરા, સુરતમાં જોઇન્ટ પોલીસ કમિશ્નર (ક્રાઇમ અને ટ્રાફીક) તરીકેની ફરજ દરમિયાન મુંબઇની અંધારી આલમના નેટવર્કનો પર્દાફાશ કરવા સાથે સુરતમાં મહત્વની કામગીરી બજાવી હતી.એકઝીકયુટીવ સાથોસાથ મહત્વની બ્રાન્ચો અને વિભાગોમાં તેઓએ જે ફરજ બજાવી છે તેમાં ગ્રામરક્ષક દળના જોઇન્ટ ડાયરેકટર અને એસટી નિગમમાં એકઝીકયુટીવ ડાયરેકટર વિજીલન્સ જેવા પદો પર પણ ફરજ બજાવી ચુકયા છે.

(12:31 pm IST)