Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

રાજકોટ-મોરબી જિલ્લામાં ખેતીને નુકશાનીનો સર્વે ખેડૂતો માટે અન્યાયી : મોહનભાઇએ ધોકો પછાડયો

વરસાદ બંધ થયા પછી નવેસરથી સર્વે કરાવવા મુખ્યમંત્રીને પત્ર

રાજકોટ, તા. ૧ : ભાજપના સાંસદ મોહનભાઇ પટેલે વરસાદના કારણે ખેતીમાં થયેલા નુકશાનીના સર્વેને ખેડૂતો માટે અન્યાયી ગણાવી રાજકોટ તથા મોરબી જિલ્લામાં નવેસરથી સર્વે કરાવી ખેડૂતોને મળવાપાત્ર સહાય આપવા મુખ્યમંત્રીને પત્ર રજુઆત કરી છે.

મોહનભાઇએ મુખ્યમંત્રીને પત્રમાં જણાવ્યું છે કે રાજકોટ જીલ્લામાં ખેતીવાડી ખાતા દ્વારા ખરીફ પાકોને થયેલ નુકશાનીનો સર્વે કરેલ છે. એક અહેવાલ મુજબ થયેલ સર્વેના આંકડા યોગ્ય નથી. તેમજ ખેડૂતોને અન્યાયકર્તા છે, કારણ કે છેલ્લા ૧પ દિવસમાં ભારે વરસાદને કારણે મગફળી, કપાસ, તલી, જુવાર, બાજરી, શાકભાજી વિગેરે પાકોને ભારે પવન તેમજ સુકારો વિગેરેને કારણે ઘણી જ નુકશાની થયેલ છે. જેથી ખરા અર્થમાં વરસાદ બંધ થાય ત્યાર બાદ જ આ નુકશાનીનો સર્વે કરવાથી સાચા આંકડા મળી શકે અને સરકાર તથા ખેડૂતો દ્વારા ફસલ વીમા યોજનામાં ભરાયેલ વીમા પ્રિમીયમ રકમનું ખરા અર્થમાં વળતર મળી શકે. જેથી વરસાદ બંધ થાય તુરંત જ યોગ્ય સર્વે કરી ખેડૂતોને યોગ્ય ન્યાય મળે તેવી યોગ્ય કાર્યવાહી કરવા મારી ખાસ ભલામણ છે.

મોહનભાઇએ મોરબી જિલ્લાના ખેડૂતોને આવા જ પ્રશ્ને મુખ્યમંત્રીને અલગ પત્ર પાઠવી ન્યાયિક સર્વે કરાવવા માંગણી કરી છે.

(11:54 am IST)