Gujarati News

Gujarati News

News of Tuesday, 1st October 2019

શિવરાજપુરનો વિજય કોળી પોતાના ખેતરમાં જ ગાંજો વાવતોઃ સુરેશ તબલચીને ત્રણ વખત આપ્યો'તો

ગાંજા સાથે ઝડપાયેલા બે છાત્રો અને સુરેશ તબલચી જેલહવાલે થયા : રાજકોટ એસઓજીએ અગાઉ બે વિદ્યાર્થી અને તબલચીને પકડ્યા બાદ હવે સપ્લાયર પણ સકંજામાં

રાજકોટ તા. ૧:  શહેર એસઓજીએ ગાંજા સાથે આત્મીય કોલેજના બે વિદ્યાર્થીને ઝડપી લીધા હતાં. બંનેના રિમાન્ડ મળતાં વિશેષ પુછતાછમાં સુત્રધાર દિવ્યેશે પોતે બાબરાના લાલકા ગામે રહેતાં અને ડાયરામાં તબલા વગાડવાનું કામ કરતાં બ્રાહ્મણ શખ્સ સુરેશ અમૃતલાલ મંડિર પાસેથી ગાંજો લાવ્યાનું કહેતાં એસઓજીની ટીમે આ તબલચીને પણ પકડી લીધો હતો. તેની પુછતાછમાં તે જસદણના શિવરાજપુરના વિજય જાદવભાઇ ખીહડીયા (કોળી) (ઉ.૨૫) પાસેથી ગાંજો લાવ્યાનું કબુલતાં એસઓજીની ટીમે વિજયને પણ દબોચ્યો છે. વિજયએ બે-અઢી મહિના પહેલા પોતાના જ ખેતરમાં ગાંજાના દસ-પંદર છોડવા વાવ્યા હતાં અને તેમાંથી છુટક-છુટક વેંચાણ કરતો હોવાનું રટણ કર્યુ છે. સુરેશ તબલચી તેની પાસેથી ત્રણેક વખત ગાંજો લાવ્યો હતો.

સુરેશની કબુલાત બાદ એસઓજી પીએસઆઇ બી. કે. ખાચર અને ટીમ તાકીદે શિવરાજપુર પહોંચી હતી અને વિજયને સકંજામાં લઇ ત્યાંની પોલીસને સાથે રાખી તેની વાડી અને ઘરે તપાસ કરી હતી. જો કે હાલમાં તેણે વાડીમાંથી ગાંજાના છોડવા ઉપાડી લીધાનું જણાયું હતું. વિજયના કહેવા મુજબ પોતાને સુરેશ તબલચી સાથે પરિચય થયો હોઇ બે-અઢી માસ પહેલા પોતાની જ વાડીમાં છોડવા વાવ્યા હતાં અને બંધાણીઓને વેંચાણ કરવાનું ચાલુ કર્યુ હતું. જેમાં સુરેશ ત્રણેક વખત તેની પાસેથી ગાંજો લઇ ગયો હતો. વિશેષ તપાસ માટ વિજયના રિમાન્ડ મેળવવામાં આવશે.

સોૈ પહેલા ઝડપાયેલા બે છાત્ર દિવ્યેશ અને હર્ષ તથા એ પછી ઝડપાયેલા તબલચી સુરેશને કોર્ટ હવાલે કરતાં ત્રણેય જેલહવાલે થયા છે. પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ, જેસીપી અજયકુમાર ચોૈધરી, ડીસીપી રવિમોહન સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાની સુચના હેઠળ પી.આઇ. આર. વાય. રાવલની રાહબરીમાં પીએસઆઇ બી. કે. ખાચર, નરેન્દ્રભાઇ ગઢવી, વિજયભાઇ શુકલ,  હિતેષભાઇ રબારી, નિખીલભાઇ પીરોજીયા સહિતની ટીમ વિશેષ તપાસ કરે છે. (૧૪.૬)

(11:53 am IST)