Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

આસો નવરાત્રી મહાપર્વના આગમનના ઢોલ ધ્રબુકયા... પ્રાચીન રાસની તાલીમ

રાજકોટ : 'જય માતાજી....'  આદ્ય શકિત આરાધનાનું મહાપર્વ આસો નવરાત્રી આડે હવે ગણતરીના દિવસો જ બાકી છે ત્યારે જગત જનની જગદંબાની આરાધના કરવા માઈ ભકતો દ્વારા અનેકવિધ દિવ્ય મનોરથની તૈયારી કરવામાં આવે છે. શ્રાવણે શિવભકિત, ભાદરવે ગણપતિ ગજાનનની ભકિત બાદ આસો માસના મંગલારંભે મા અંબાની આરાધના કરવા ભકિતભીનો તલસાટ પ્રવર્તે છે. શહેરની ૫૦૦થી વધુ પ્રાચીન ગરબી મંડળો દ્વારા નવરાત્રી પર્વની ભવ્ય - દિવ્ય ઉજવણી કરવા તડામાર તૈયારી શરૂ કરવામાં આવી છે. સાંજ પડે અને નાની બાળાઓ અવનવા રાસની તાલીમ તબલાના તાલે, શબ્દના સથવારે, કર્ણપ્રિય કંઠની લયબદ્ધતા સાથે અવનવા કલાત્મક પ્રાચીન રાસની તાલીમ લ્યે છે. તો ગરબી મંડળના આયોજકો આયોજનને દીપાવવા વિવિધ સ્તરની તૈયારી કરી રહ્યા છે. શહેરના કરણપરામાં આવેલ જય અંબે ગરબી મંડળ દ્વારા છેલ્લા ૭૮ વર્ષની આસો નવરાત્રીની ભાવભીની ઉજવણી કરવામાં આવે છે. ગરબી મંડળની ૪૦ બાળાઓ નવરાત્રી દરમિયાન રાસની રમઝટ બોલાવે છે. જેને નિહાળવા મોટી સંખ્યામાં ભાવિકો ઉમટે છે. હાલ શ્રી જય અંબે ગરમી મંડળની બાળાઓ ગાયક હરેશભાઈ ગોસ્વામી, રમાબેન પરમાર, રાજાભાઈ, અજયભાઈ ગોસાઈ તેમજ કોરીયોગ્રાફર કાવેરીબેન સોલંકી, શ્રેયાબેન જીંજુવાડીયા, સોલંકીભાઈના માર્ગદર્શન તળે દિવડા રાસ, કરતાલ રાસ, ટિપ્પણી રાસ, મંજીરા રાસ, ૫૧ દિવડાનો ઓમ રાસ, તાલી રાસ, ઈંઢોણી રાસ, બેડા રાસ, ચલતી રાસ સહિતના રાસની તાલીમ લ્યે છે. ગરબી મંડળના આયોજનને દિપાવવા શ્રી નવીનભાઈ રાયજાદા, મયંકભાઈ, રાજાભાઈ સહિતનાઓ જહેમત ઉઠાવે છે. પ્રસ્તુત તસ્વીરમાં રાસની તાલીમ લેતી બાળાઓ અને આયોજકો નજરે પડે છે. (તસ્વીરઃ સંદિપ બગથરીયા)

(4:08 pm IST)