Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

'લિજ્જત'ના ઉદ્યોગે બહેનોને ફકત રોજગારી જ નહી, આત્મ સન્માન પણ અપાવ્યું: વિનોદ તાવડેજી

મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડની મુંબઇમાં મળી ગયેલ ૫૩મી વાર્ષિક સાધારણ સભા

 'શ્રી મહિલા ગૃહ ઉદ્યોગ લિજ્જત પાપડ' સંસ્થાની ૫૩મી વાર્ષિક સર્વસાધારણ સભા તા.૨૬-૯-૧૮ના રોજ મુંબઇના ષણ્મુખાનંદ હોલ ખાતે આમંત્રિત મહેમાનો અને સંસ્થાની ભારતભરમાં ફેલાયેલી શાખાઓમાંથી આવેલ હજારો બહેનોની ઉપસ્થિતિમાં સંપન્ન થઇ.

આ અવસરે મુખ્ય અતિથિ-મહારાષ્ટ્ર રાજયના માનનીય શિક્ષણમંત્રી શ્રી વિનોદ તાવડેજી, વિશેષ અતિથિ રૂપે ખાદી ગ્રામોદ્યોગ બોર્ડના સભ્ય ડો. અલકા સર્માજી, સુપ્રસિદ્ધ ફિલ્મ દિગ્દર્શક, નિર્માતા, લેખક અને કલાકાર શ્રી આશુતોષ ગોવારીકરએ હાજર રહીને આ કાર્યક્રમની શોભા વધારેલ હતી.

આ પ્રસંગે આદરણીય મુખ્ય અતિથિ શ્રી વિનોદ તાવડેજીએ સંસ્થાના કાર્યની પ્રશંસા કરતાં કહયું કે, લિજ્જત દેશનો એક એવો ઉદ્યોગ છે કે જેણે બહેનોને ફકત સ્વયંરોજગારી જ નથી આપ્યો, પરંતુ સાથે ગોૈરવપુર્ણ આત્મસન્માન પણ આપ્યું છે.જયારે કોઇ પરિવારની બહેન આર્થિક દ્રષ્ટિથી આત્મનિર્ભર થાય છે, ત્યારે પરંપરાગત રૂઢીમાં પરિવર્તન લઇને પરિવારના નિર્ણયોમાં સહભાગી થઇ શકે છે અને આ માન-સન્માન લિજ્જતે  બહેનોને આપ્યું છે.

આ અવસરે હાજર રહેલ વિશેષ અતિથિ ડો. અલકા સર્માજીએ પહેલા ભારતનાં ઇશાન દિશાના આસામના બહેનો તરફથી લિજ્જતનાં બહેનોને પ્રણામ કરતાં કહયું કે, 'પહેલા પાપડ એટલે કે લિજ્જત એવું હતું. પણ અત્યારે લિજ્જતે ઉત્પાદનોમાં વિવિધતા લાવ્યું છે. લિજ્જત પાપડની સાથે લિજ્જત મસાલા, ગેહું આટા પણ લોકપ્રિય છે. લિજ્જત ઉદ્યોગે દેશનાં નિર્માણમાં બહેનોને આત્મસન્માન બનાવવાની પ્રક્રિયામાં વિસ્તાર કરીને ઇતિહાસ બનાવ્યો છે.

આ અવસરે હાજર રહેલા બીજા વિશેષ મહેમાન સુપ્રસિદ્ધ ફિલ્મ નિર્દેશક, નિર્માતા, લેખક અને અભિનેતા શ્રી આશુતોષ ગોવારીકરજીએ કહયું કે, ઘરની બધી જવાબદારીઓ સંભાળીને હાથમાં વેલણ લેવું એ એટલું સહેલું કામ નથી એ ખુબ જ અઘરૂ કામ છે. આ સંસ્થાના માધ્યમથી સર્વે બહેનોએ ઘર પરિવાર સંભાળીને એકબીજા સાથે મળીને પાપડ વણીને લિજ્જત ઉદ્યોગનું નિર્માણ કર્યુ એ ખુબ જ પ્રેરણાદાયી કામ છે.

લિજ્જતનાં પ્રમુખ શ્રીમતી સ્વાતીબેન પરાડકરે હાજર રહેલા મહાનુભાવોનું સ્વાગત કરતા કહયંુ કે, હાજર રહેલા મહાનુભાવોએ પોતાનાં કાર્યક્ષેત્રમાં કામ કરીને પોતાની એક આગવી ઓળખ ઊભી કરી છે. જે અમારા બહેનો માટે એક પ્રેરણારૂપ છે. સ્વાતીબેનના મતે મા.શ્રી વિનોદ તાવડેજીનું કામ એક એની ઓળખ છે.

પૂજય છગનબાપા અને પૂજય દત્તાણીબાપાને યાદ કરતાં તેમણે કહ્યું કે તેઓએ આપણાં ઉજ્જવળ ભવિષ્ય માટે સપનું જોયું છે જે આપણે આવી જ રીતે સાથે મળીને પુરું કરવાનું છે.

લિજ્જત સંસ્થાના શરૂઆતનાં પીઢ અને વરિષ્ઠ સભ્ય બહને શ્રીમતી જશવંતીબેન પોપટ, ઉપ પ્રમુખ શ્રીમતી પ્રતિભાબેન સાવંત, સંચાલિકા શ્રીમતી વિમલબેન પવળે અને હિતચિંતક શ્રી ધીરૂભાઇ મહેતા અને શ્રી ઉત્પલ ભાયાણી આ અવસરે ઉપસ્થિત રહ્યા હતાં.(૧.૨૪)

(3:57 pm IST)