Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

સામાજીક અગ્રણી રાજુભાઇ જુંજાએ ચેમ્બરની કારોબારીમાં કેટલાક મુદાઓ ઉઠાવી સૌનું ધ્યાન ખેચ્ચું

મને કારોબારીમાં સ્થાન આપી વચનભંગ કરવામાં આવ્યો છેઃ રાજુભાઇ જુંજા

રાજકોટ, તા.૧: શનિવારે યોજાયેલી રાજકોટ ચેમ્બર ઓફ કોમર્સની એજીએમમાં ભારે ગરમાગરમી અને હોબાળો થયો હતો. આ બેઠકમાં વીપી વૈષ્ણવ, ગીરીશ પરમાર અને રાજુ જુંજાએ ઉપેદ મોદી, પ્રણય શાહ, કેશુ રૈયાણી, હસુ ભગદે, દેવેન્દ્ર પટાણી અને ઉત્સવ દોશી સામે અવિશ્વાસની દરખાસ્ત મુકી હતી અને તેના ઉપર બે કલાકથી વધુ સમય સુધી ચર્ચા થઇ હતી. આ લોકોની ધારદાર રજુઆતો બાદ આ મુદે નિર્ણય લેવા એક સમિતીના રચના કરવામાં આવી હતી. જેમાં ગૌતમ ધમસાણીયા, શીવલાલ બારસીયા અને વી પી વૈષ્ણવ રહેશે જે ૧૫ દિવસમાં આ મુદે પોતાનો નિર્ણય જાહેર કરશે.

આ અંગે આજે જાગૃત સભ્ય રાજુ જુંજાએ જણાવ્યું હતું કે મુકેશ દોશીએ એક સાથે બે વર્ષની ફી ભરી દીધી છે જે બંધારણની વિરૂધ્ધ છે તેથી તેમને સભ્યપદેથી દુર કરવા જોઇએ. ચેમ્બરના કારોબારી સભ્ય બનવુ હોય તો બે વર્ષ સુધી સભ્ય ફી ભરેલી હોવી જોઇએ. ઉપેન મોદીએ જે પેઢીના ભાગીદાર જ નથી એ પેઢીના ભાગીદાર હોવાના કાગળો રજુ કર્યા હતા જે બંધારણની વિરૂધ્ધ છે તેથી તેમને પણ સભ્યપદથી દુર કરવા જોઇએ. આ ઉપરાંત પ્રણય શાહ, ઉત્સવ દોશી, હસુ ભગદે, કેશુ રૈયાણી, દેવેન્દ્ર પટાણીએ દર મહીને યોજાતી કારોબારીમાં સતત ગેરહાજર રહી બંધારણનો ભંગ કર્યો છે. જે સભ્યો સતત ત્રણ મીટીંગમાં ગેરહાજર હોય તેમનં સભ્યપદ આપોઆપ રદ થઇ જાય છે. તેથી આ લોકોને રદબાતલ કરવા જોઇએ તેવી માંગણી કરી હતી.

રાજુભાઇ જુંજાએ વધુમાં જણાવ્યું છે કે ગત ચુંટણી વખતે મને કારોબારીમાં લેવા બાંહેધરી લેવામાં આવી હતી જેનો પણ ભંગ કરવામાં આવ્યો છે. જે લોકો વિવાદાસ્પદ પ્રવૃતિમાં સંડોવાયા છે તે લોકોને કારોબારીમાં પ્રવેશ અપાયો છે જે પણ બંધારણની વિરૂધ્ધમાં છે. તેમને આવા લોકોને દુર કરવા પણ માંગણી કરી છે.(૨૨.૧૫)

(3:48 pm IST)