Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ગાંધીગ્રામમાં અરવિંદભાઇ સથવારાએ કટર વડે પોતાના જ પેટ હાથમાં કાપા મુકયાઃ ગંભીર ઇજા

મોડી રાત્રે જાતે ઇજા કર્યા બાદ પુત્ર દિવ્યેશને બૂમો પાડીઃ પત્નિ-પુત્રો જાગી જતાં હોસ્પિટલમાં ખસેડ્યાઃ પત્નિ કે પુત્રો કારણ જાણતાં નથીઃ આધેડ ધૂની મગજના છેઃ ભાનમાં આવ્યા બાદ સાચી વિગતો બહાર આવશે : સિવિલ હોસ્પિટલના તબિબોએ તાકીદે રાત્રે જ ઓપરેશન હાથ ધરી જીવ બચાવી લીધો

રાજકોટ તા. ૧: ગાંધીગ્રામમાં લાખના બંગલા પાસે ગોપાલનગર-૨માં રહેતાં અરવિંદભાઇ જેરામભાઇ કણઝારીયા (ઉ.૪૮) નામના સથવારા આધેડે મોડી રાત્રે પોતાની જાતે જ કટરથી પેટ અને બંને હાથમાં કાપા મારી લેતાં લોહીલુહાણ હાલતમાં સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા હતાં. ગંભીર ઇજાઓ હોઇ તબિબોએ રાત્રે જ ઓપરેશન હાથ ધરી જીવ બચાવી લીધો હતો. ધૂની મગજને કારણે તેણે આમ કર્યાનું પોલીસની પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે. સંપુર્ણ ભાનમાં આવ્યે પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

બનાવની જાણવા મળેલી માહિતી મુજબ ગોપાલનગરના અરવિંદભાઇ કણઝારીયાને મોડી રાત્રે પેટ અને હાથમાં ગંભીર ઇજાઓ સાથે સિવિલમાં ખસેડાતાં હોસ્પિટલ ચોકીના એએસઆઇ જગુભા ઝાલા અને રાજદિપસિંહે ગાંધીગ્રામ પોલીસને જાણ કરતાં પીએસઆઇ આર. એસ. પટેલ, એએસઆઇ રવજીભાઇ પટેલ અને કૃષ્ણસિંહ ગોહિલે પહોંચી જરૂરી કાર્યવાહી કરી હતી.

અરવિંદભાઇ બેભાન હોઇ અને ગંભીર ઇજાઓ હોવાથી તાકીદે ઓપરેશન માટે લઇ જવાયા હોઇ પોલીસે તેના પત્નિ અંજનાબેનનું નિવેદન નોંધ્યું હતું. અંજનાબેનના કહેવા મુજબ તેના માવતર પોરબંદર રહે છે અને લગ્ન વીસ વર્ષ પહેલા થયા છે. સંતાનમાં ૧૮ વર્ષનો પુત્ર દિવ્યેશ અને ૧૬ વર્ષનો પુત્ર હિરેન છે. પતિ કડીયા કામ કરે છે. રાત્રીના એકાદ વાગ્યે તેણીએ પતિની 'દિવ્યેશ...દિવ્યેશ'ની બૂમો સાંભળતાં જાગીને જોતાં પતિ પાછળના રૂમમાં લોહીલુહાણ જોવા મળતાં બંને દિકરાઓને જગાડ્યા હતાં. દેકારો થતાં પડોશીઓ પણ જાગી ગયા હતાં અને ૧૦૮ને બોલાવી તેને હોસ્પિટલે ખસેડ્યા હતાં.

પતિએ આવું પગલું શા માટે ભર્યુ? તે અંગે અંજનાબેન કોઇ સ્પષ્ટ કારણ જાણતાં નથી. પોલીસને એવી વિગતો મળી છે કે અરવિંદભાઇ ધૂની મગજના છે. કોઇ કારણોસર તેણે જાતે જ પોતાના વાહનની ચાવી સાથેના કિ-ચેઇનમાં રખાતાં કટરના ઘા જાતે જ પેટ અને બંને હાથમાં મારી લીધા હતાં. તે સંપૂર્ણ ભાનમાં આવ્યા બાદ પોલીસ વિશેષ નિવેદન નોંધશે.

અરવિંદભાઇ પાંચ ભાઇમાં બીજા નંબરે છે. તેમના એક ભાઇ જામનગર રહે છે અને બીજા ત્રણ ભાઇઓ તથા માતા નાથીબેન ભાણવડ રહે છે. પોતે પત્નિ-બે પુત્રો સાથે વર્ષોથી ગાંધીગ્રામમાં ભાડેથી રહે છે. પોલીસે તપાસ યથાવત રાખી છે.

(3:45 pm IST)