Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

પુસ્કત પરિચય ધન્વી-માહી

ઓશોઃ સ્વતંત્ર મનઃ ચિત્ત ચકમક લાગૈ નાહિ

૧૪૪ પેઇજનું આ પુસ્તક માનવ જીવનમાં ચમત્કાર સર્જવા સક્ષમ છે :મનુષ્યે પહેલા તો વિચાર વિહીનતામાંથી વિચારઅવસ્થામાં આવવાની જરૂર છે અને તે પછી વિચારની પાર, નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને તે જ એનું અંતિમ લક્ષ્ય છે...

વડોદરાના ઉપનિષદ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા શ્રી રમેશભાઇ પટેલે ઓશોના ૬૦ થી  વધુ પુસ્તકોનું ભાષાંતર કરી, કરાવી પ્રસિધ્ધ કર્યા છે. ઓશોપ્રેમીઓ માટે આ એક અમૂલ્ય ખજાનો બની રહેશે.

દાયકાઓ પહેલા રાજકોટથી અંબાણી પબ્લિકેશનના નેજા હેઠળ સ્વ. રજનીભાઇ અંબાણીએ ગુજરાતી ભાષામાં ઓશોના પુસ્તકોમાંથી દોહન કરી નાની પુસ્તિકાઓ બહાર પાડેલ એ પછી અમદાવાદથી શ્રી રમણભાઇ દેસાઇ (સ્વામી રમણઋષિ) ગુજરાતી ભાષામાં 'ઓશો ટચ' મેગેઝીન દ્વારા ઓશો સંદેશ ફેલાવી રહ્યા છે.

ગુજરાતી ભાષામાં ઓશોના વિચારો, સંદેશ હવે ઝડપભેર ફેલાતા જાય છે. હજારો - લાખો યુવાનો-યુવતિઓ સહિત સર્વ ઉમરના ભાઇ-બહેનોમાં ઓશોના વિચારો જાણવાનો ઉમંગ છવાયો છે.

ત્યારે વડોદરાના ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટે તેમના છેલ્લા ગુજરાતી પુસ્તકમાં ઓશોના 'ચિત ચકમક લાગૈ નાહિ' ગુજરાતી ભાષાંતર 'સ્વતંત્ર મન' દ્વારા નવા અભિગમ તરફ અંગૂલિ નિર્દેશ કર્યો છે.

જીવનની શોધ, વિચારવિહીનતા, સ્વતંત્રતા અને આત્મક્રાંતિ,  વિચાર એક આત્માનુભૂતિ અને નિર્વિચાર જેવા વિષયો ઉપર અહીં ઓશોનો દૃષ્ટિકોણ આપણને એક નવા આયામ તરફ લઇ જાય છે.

ઓશોના હિન્દી પ્રવચનોનું ભાષંતર સ્વામી સહજ-શ્રી રમેશ પટેલે કર્યુ છે. અહિં થોડું ધ્યાન દોરવાનું મન થાય. ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા અગાઉ પ્રકાશિત ઓશોના પ્રવચનોને સાંકળતા અનેક ગુજરાતી પુસ્તકોમાં જે રસાળ ભાષાંતર આવતું તેની અહિં ઓટ-ખોટ જોવા મળે છે. રમેશભાઇએ સારું જ ભાષાંતર કરવા પ્રયાસ કર્યો છે. પરંતુ ે અગાઉ જે ભાષાંતરકાર લખતા તેમની પાસે જ લખાવશે તો લોકો વધુ રસાળ શૈલીમાં ઓશોને માણી શકશે.... અકિલાના પુસ્તક વિવેચકોનું આ એક નમ્ર સૂચન છે.

ઓશો તેમના આ પ્રવચનોમાં કહે છે કે  વ્યકિતત્વનો જન્મ સ્વતંત્ર મન વિના સંભવિત નથી અને આપણું મન તદ્ન પરતંત્ર છે. આપણુંં મન બિલકુલ ગુલામ છે. અને મનની ગુલામી બહુ જ ઊંંડી છે. અને હજારો માર્ગોથી આપણને ગુલામી માટે તૈયાર કરવામાં આવે છે. બધી રીતે આપણને ગુલામ બનાવવાની કોશિશ ચાલે છે. કોશિશ કરવાના કારણો છે. સમાજના હિતમાં છે કે વ્યકિત ગુલામ હોય. રાજયના હિતમાં છે કે વ્યકિત ગુલામ હોય. ધર્મો-સંપ્રદાયોના હિતમાં છે કે વ્યકિત ગુલામ હોય. પંડિત-પુરોહિતના હિતમાં છે કે વ્યકિત ગુલામ હોય. વ્યકિત જેટલો ગુલામ હોય તેટલું જ તેનું શોષણ થઇ શકે છે. અને જેટલો વ્યકિત ગુલામ હોય તેટલી જ તેનામાં વિદ્રોહની સંભાવના સમાપ્ત થઇ જાય છે. વ્યકિતનું મન જો તદ્ન પરતંત્ર હોય તો ખતરનાક નથી રહેતું. વિદ્રોહ અને ક્રાંતિ અસંભવ થઇ જાય છે. સમાજ નથી ઇચ્છતો કે કોઇ વ્યકિતનું મન સ્વતંત્ર હોય. એટલા માટે સમાજ નાનપણથી જ વ્યકિતને પરતંત્ર બનાવવાની બધી વ્યવસ્થા કરે છે. બધી શિક્ષણ વ્યવસ્થા અને બધા સંસ્કાર વ્યકિતને ગુલામ બનાવવાની આધારભૂમિ બનેલા છે. આપણને હોશ આવે તે પહેલાં આપણને લગભગ બેડીઓમાં જકડી લેવામાં આવે છે. બેડીઓના નામ કોઇપણ હોઇ શકે છે. - હિંદુ હોઇ શકે છે, જૈન હોઇ શકે છે, ભારતીય હોઇ શકે છે, બિનભારતીય હોઇ શકે છે, ઇસાઇ કે મુસલમાન હોઇ શકે છે. બેડીઓ ઉપર કોઇપણ લેબલ હોઇ શકે છે, કોઇ પણ નિશાની હોઇ શકે છે, કોઇપણ નામ હોઇ શકે છે. પરંતુ હજારો પ્રકારની બેડીઓ આપણા મનને પકડી લે છે અને પછી આપણે તે બાબતમાં વિચારવાનું બંધ કરી દઇએ છીએ તેમ ઓશો કહે છે.

માત્ર ૧૪૪ પાના ધરાવતું પુસ્તક વાચકના જીવનમાં ચમત્કાર કરી શકવા માટે સક્ષમ હોવાનુંં આ પુસ્તક અંગેની વિગતો દર્શાવતા ઉપનિષદ પ્રકાશનના શ્રી દક્ષાબેન પટેલ લખે છે.

અસ્તિત્વએ મન-વિચારી શકતું મન-માત્ર મનુષ્યને આપ્યું છે અને તેના ઉપયોગથી શારીરિક રીતે નબળો હોવા છતાં મનુષ્યએ આવા આધુનિક, વૈજ્ઞાનિક સિધ્ધિઓથી ભરેલા વિશ્વનું સર્જન કર્યુ છે. ઓશો કહે છે, મનુષ્યે તેના મનનો આંતરિક વિકાસમાં ઉપયોગ કરવાની જરૂર છે. પરંતુ મનુષ્ય માટે વિચારવું એ પીડા પણ છે, ખાસ કરી આંતરિક જીવન બાબતે. તેથી મનુષ્ય આંતરિક વિકાસની વાત આવે છે ત્યારે વિચાર કરવાની જગ્યાએ વિશ્વાસ પર વજન મુકે છે અને વિચારોથી બચવા દરેક વસ્તુ માની લે છે અને આંતરિક વિકાસથી વંચિત રહી જાય છે. ધર્મ, વિકાસથી બચવું નથી, માની લેવું નથી, તે તો અંધ વિશ્વાસ બની જાય છે અને માનવી પ્રથમ પગથિયું જ ચૂકી જાય છે.

આજનો વૈજ્ઞાનિક મન ધરાવતો માનવી પણ ધર્મ બાબતે, આંતરિક વિકાસ બાબતે વિચાર વિહીનતામાં જીવે છે.

વિચારોનું ટોળું વિચારોનું સતત ભ્રમણ  પણ વિચાર નથી તેવું ઓશો કહે છે. બીજાના વિચારોને પોતાના માનીને તેમાં રમણ કરવું પણ વિચાર અવસ્થા નથી.

મનુષ્યે પહેલાં તો વિચારવિહીનતામાંથી વિચાર અવસ્થામાં આવવાની જરૂર છે અને તે પછી વિચારની પાર, નિર્વિચાર અવસ્થા પ્રાપ્ત કરવાની છે અને તે જ તેનું અંતિમ લક્ષ્ય છે.

આ પુસ્તક અચૂક વાચકોને ગમશે તેવો અમારો વિશ્વાસ છે. સહુ કોઇ આ પુસ્તક વાંચીને, મનન કરીને 'સ્વતંત્ર મન' મેળવે એવી અમારી અભ્યર્થના...!

પુસ્તક : સ્વતંત્ર મન,* પ્રવચન : ઓશોના 'ચિત ચકમક લાગૈ નાહિ' પ્રવચનોનું સંકલન*  :- અનુવાદ : રમેશ પટેલ (સ્વામી સહજ)*  કિંમત : ૧૧૦ રૂ. પૃષ્ઠ ૧૪૪* પ્રકાશક : દક્ષા પટેલ, ઉપનિષદ ચેરીટેબલ ટ્રસ્ટ, તથાતા, ૩૩/બી, નંદિગ્રામ સોસાયટી-ર, સિંધવાઇ માતા રોડ, પ્રતાપનગર, વડોદરા-૪, (ફોન ૦ર૬પ - રપ૮૦૩૩૬  ર૬૩૮ર૬૯) ઇ-મેઇલ : info@upnishad.org

રાજકોટમાં પ્રાપ્તિ સ્થાન : સ્વામી સત્ય  પ્રકાશ, ઓશો ધ્યાન મંદિર, ૩-વૈદવાડી, ગોંડલ રોડ, પાટા પછી, રાજકોટ,

મો. ૯૪ર૭ર પ૪ર૭૬.

(3:43 pm IST)