Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

કુવાડવા પોલીસે ફિલ્મી ઢબે પીછો કરી ૪૫૬ બોટલ દારૂ સાથે સ્કોર્પિયો પકડી

રીઢા બુટલેગર હર્ષદ અને ચંદ્રેશે જેલમાંથી છૂટતા જ ફરી દારૂનો ધંધો ચાલુ કર્યોઃ ભાગતી વખતે સ્કોર્પિયો ચાલકે રિક્ષાને પણ ઉલાળીઃ તેના ચાલકને ઇજાઃ જથ્થા સાથે અશરફશા અને પ્રિયાંકની ધરપકડઃ હર્ષદ મહાજન અને કાળુની શોધખોળ

રાજકોટઃ રીઢા બૂટલેગર હર્ષદ મહાજન અને ચંદ્રેશ ઉર્ફ કાળુએ જેલમાંથી છુટતાની સાથે જ ફરીથી દારૂનો ધંધો ચાલુ કરી દીધો છે. ગઇકાલે કુવાડવા પોલીસે બાતમી પરથી બેડી હડમતીયા રોડ પર વોચ રાખતાં જીજે૩એચઆર-૩૮૦૩ નંબરની સ્કોર્પિયો નીકળતાં તેને અટકાવવા પ્રયાસ કરતાં ચાલકે આ ગાડી ભગાવી મુકી હતી. તેની સાથે બીજો એક શખ્સ પણ બેઠો હતો. પોલીસે પીછો કરતાં ફિલ્મી દ્રશ્યો સર્જાયા હતાં. ભાગતી વેળાએ સ્કોર્પિયો ચાલકે એક રિક્ષા નં. જીજે૩બીટી-૫૬૨૮ ઠોકરે ચડી જતાં તેના ચાલક ગોવિંદ ભીખાભાઇ બોખાણી (ઉ.૨૮-રહે. બેડી)ને બંને પગમાં ગંભીર ઇજા થઇ હતી. પોલીસે અંતે સ્કોર્પિયોને આંતરી તપાસ કરતાં અંદરથી રૂ. ૧,૩૬,૮૦૦નો ૪૫૬ બોટલ દારૂ મળતાં તે તથા ૫ લાખની ગાડી, ચાર મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૬,૪૯,૮૦૦નો મુદ્દામાલ કબ્જે કરી અશફરશા દાઉદશા ફકીર (ઉ.૨૮-રહે. પ્રેમ મંદિર પાછળ કેવલમ પાસે કવાર્ટરમાં, મુળ જુના ડીસા જી. બનાસકાંઠા) તથા પ્રિયાંક ઉર્ફ કાળીયો વિનોદભાઇ મહેતા (ઉ.૨૯-રહે. જુના જાગનાથ પ્લોટ-૧૬, અંબિકા ભુવન)ને પકડી લીધા હતાં. આ બંનેએ પુછતાછમાં દારૂ હર્ષદ મહાજન અને ચંદ્રેશ ઉર્ફ કાળુએ મંગાવ્યાનું કહેતાં આ બંનેની શોધખોળ થઇ રહી છે. થોડા સમય પહેલા જ આ બંને સામે હત્યાની કોશિષ, અપહરણ સહિતના ગુના નોંધાતા ધરપકડ બાદ જેલહવાલે થયા હતાં. છુટતાવેત ફરી જુનો ધંધો ચાલુ કરી દીધો છે. પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી બી. બી. રાઠોડની સુચના મુજબ કુવાડવાના પી.આઇ. એ.આર. મોડીયાએ સુચના આપી હોઇ પીએસઆઇ એમ. કે. ઝાલા, એએસઆઇ આર. કે. ડાંગર, કોન્સ. મનિષભાઇ ચાવડા, દિલીપભાઇ બોરીચા, હરેશભાઇ સારદીયા, કૃષ્ણદેવસિંહ જાડેજા, સિરાજભાઇ ચાનીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે મનિષભાઇ, દિલીપભાઇ અને હરેશભાઇ તથા જીઆરડી સંદિપ ડાવેરાની બાતમી પરથી આ કામગીરી થઇ હતી. (૧૪.૮)

(11:56 am IST)