Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

મ્યુઝિયમ નિર્માણમાં પ્રવાસન વિભાગનો સિંહફાળો પણ ઉદ્ઘાટનમાં નિગમના ચેરમેનની બાદબાકી

વહીવટી તંત્ર અને પદાધિકારીઓની નીતિરીતિ આશ્ચર્યજનકઃ કમલેશ પટેલની સૂચક ગેરહાજરીઃ આમંત્રણ કાર્ડમાં અધિકારીઓ-પદાધિકારીઓના નામ પણ કમલેશ પટેલનું નામ નહિઃ વાત દિલ્હી સુધી પહોંચી

રાજકોટ તા. ૧ :.. સરકાર દ્વારા રાજકોટમાં નિર્માણ પામેલ ગાંધી મ્યુઝિયમનું ગઇકાલે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઇ મોદીના હસ્તે ઉદ્ઘાટન કરવામાં આવેલ. જેમાં ગુજરાત પ્રવાસન નિગમના ચેરમેન શ્રી કમલેશ પટેલની સરેઆમ અવગણના કરવામાં આવ્યાનું બહાર આવતા રાજકીય ચર્ચા જાગી છે. મ્યુઝિયમ નિર્માણમાં રાજય સરકાર અને કેન્દ્રના પ્રવાસન વિભાગનો આર્થિક સહયોગ રહ્યો છે. રાજય પ્રવાસન નિગમ સાથે સીધો જોડાયેલો વિષય હોવા છતાં વહીવટી તંત્ર અને ભાજપના સ્થાનિક પદાધિકારીઓ દ્વારા ગંભીર વિવેક ભંગ જેવી અવગણના કરવામાં આવી છે.

નિમંત્રણ કાર્ડમાં રાજકોટના કલેકટર, મ્યુનિસીપલ કમિશનર, મેયર, સ્ટેન્ડિંગ કમીટીના ચેરમેન, રાજય પ્રવાસન વિભાગના અગ્રસચિવ, પ્રવાસન નિગમના એમ. ડી. વગેરેનાં નામ લખવામાં આવેલ પરંતુ કમલેશ પટેલના નામનો કયાંક ઉલ્લેખ જ નથી. તેમના હોદાની ગરિમા જળવાઇ તે રીતે કોઇ આમંત્રણ પણ આપવામાં આવેલ નહીં. તેઓ ગઇકાલના કાર્યક્રમમાં સ્વભાવિક રીતે જ અપેક્ષિત હોવા છતાં આવવાનું ટાળ્યું હતું.  આયોજકો વિવેક ચૂકતા તેઓ ખૂબ વ્યથિત હોવાનું ભાજપના વર્તુળો જણાવે છે.

કમલેશ પટેલ ભૂતકાળમાં મણિનગરના ધારાસભ્ય રહી ચૂકયા છે. હાલ પ્રવાસન નિગમના ચેરમેન છે. દાયકાઓથી ભાજપના સમર્પિત આગેવાન છે. તેમના જ નિગમને લાગુ પડતો કાર્યક્રમ હોવા છતાં તેમની અવગણના કરવામાં આવ્યાની વાત ગાંધીનગર અને દિલ્હી સુધી પહોંચ્યાનું જાણવા મળે છે. (પ.૧૪)

(11:56 am IST)