Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

ટીમ - ઈન્ડિયા અને વિન્ડીઝની ટીમ સાંજ સુધીમાં રાજકોટમાં

૪ ઓકટોબરથી ખંઢેરીના મેદાનમાં મુકાબલો : સૌરાષ્ટ્ર ક્રિકેટ એસો. દ્વારા તડામાર તૈયારીઓઃ અજીન્કીયા રહાણે - બોલીંગ કોચ સંજય બાંગર બપોરની ફલાઈટમાં અને વિરાટ, લોકેશ રાહુલ, પંત, અશ્વિન, કુલદીપ કોચ શાસ્ત્રી સહિતના સાંજે ૮ની ફલાઈટમાં આવશે : વિન્ડીઝની ટીમ બાય રોડ સાંજ સુધીમાં પહોંચી જશેઃ ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચો રમાશેઃ લોકલ સ્ટાર ચેતેશ્વર અને જાડેજા રાજકોટમાંથી જ ટીમ સાથે જોડાઈ જશે

રાજકોટ, તા. ૧ : રાજકોટમાં ક્રિકેટનો ક્રેઝ છવાઈ રહ્યો છે. આગામી ૪ ઓકટોબરથી ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે રાજકોટના ખંઢેરીના મેદાનમાં પ્રથમ ટેસ્ટ મેચનો પ્રારંભ થનાર છે. વિન્ડીઝની ટીમ ભારતમાં ત્રણ ટેસ્ટ, પાંચ વન-ડે અને ત્રણ ટી-૨૦ મેચ રમનાર છે ત્યારે આજે સાંજ સુધીમાં બંને ટીમોનું આગમન થઈ જશે.

ભારતની આખી ટીમ આજે સાંજ સુધીમાં પહોંચી જશે. જો કે ખેલાડીઓ કટકે - કટકે આવી રહ્યા છે. ટીમ ઈન્ડિયાના વાઈસ કેપ્ટન અજીન્કીયા રહાણે અને બોલીંગ કોચ સંજય બાંગર બપોરે ૨:૫૫ વાગ્યાની જેટ એરવેઝની ફલાઈટમાં આવી પહોંચશે. ઉમેશ યાદવ અને મોહમ્મદ સીરાજ સાંજે ૫:૨૫ વાગ્યાની ફલાઈટમાં આવશે.

જયારે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલી, લોકેશ રાહુલ, રીશભ પંત, આર. અશ્વિન, કુલદીપ યાદવ, શાર્દુલ ઠાકુર અને હેડકોચ રવિ શાસ્ત્રી રાત્રીના ૮:૦૫ વાગ્યાની જેટ એરવેઈઝની ફલાઈટમાં રાજકોટ આવી પહોંચશે. આ ઉપરાંત પૃથ્વી શો, મયંક અગ્રવાલ અને હનુમા વિહારી વડોદરાથી બાય રોડ આવી રહ્યા છે. લોકલસ્ટાર ચેતેશ્વર પૂજારા અને રવિન્દ્ર જાડેજા ભારતની ટીમ સાથે જોડાઈ જશે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ વડોદરાથી વાહનમાર્ગે નીકળી ગઈ છે. આજે સાંજ સુધીમાં રાજકોટમાં આગમન થઈ જશે.

ભારતની ટીમને હોટલ ફોર્ચ્યુનમાં ઉતારો આપવામાં આવ્યો છે જયારે વિન્ડીઝની ટીમ હોટલ ઈમ્પેરીયલ પેલેસમાં ઉતરનાર છે. બંને ટીમના ખેલાડીઓ માટે હોટલમાં ખાસ સુવિધાઓ આપવામાં આવી છે.

વેસ્ટ ઈન્ડિઝની ટીમ આવતીકાલે સવારે અને ભારતની ટીમ બપોર પછી તેમજ તા.૩ના ભારતની ટીમ સવારે અને વિન્ડીઝના ખેલાડીઓ બપોર બાદ નેટ પ્રેકટીસ કરનાર હોવાનું સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસીએશનના મીડીયા મેનેજર શ્રી હિમાંશુભાઈ શાહે જણાવ્યું હતું.(૩૭.૩)

 

(11:54 am IST)