Gujarati News

Gujarati News

News of Monday, 1st October 2018

રિલાયન્સ ગ્રુપની નવી હરણફાળઃ ઢગલાબંધ આંતરરાષ્ટ્રિય બ્રાન્ડ સાથે જોડાણઃ પરિમલ નથવાણી

રાજકોટ : રિલાયન્સના ગ્રુપ પ્રેસીડેન્ટ અને રાજયસભાના સાંસદશ્રી પરિમલભાઇ નથવાણી શનિવારે રાજકોટની મુલાકાતે આવ્યા હતા. અકિલા સાથેના ૪ દાયકાના પારિવારિક સંબધોના નાતે અને રાજકોટના અખબારોની ઔપચારિક મુલાકાત તેમણે લીધી હતી. ૪ વર્ષ પછી તેઓ રાજકોટ આવ્યા છે.  રાજકોટમાં ઇમ્પીરીયલ હોટેલ્સના ખાસ ફંકશનમાં ત્થા પૂ. નમ્ર મુનિ મ.સા.ના કાર્યક્રમમાં હાજરી આપવા આવ્યા હતા. અકિલા ખાતે અકિલાના એકઝીકયુટીવ એડીટર અને વેબ એડીશનના સૂત્રધાર શ્રી નિમિષભાઇ ગણાત્રાએ તેમનું સ્વાગત કર્યું હતુ. અનેક જૂની યાદો-વાતો વાગોળવા સાથે તેમણે રિલાયન્સ ગ્રુપ દ્વારા ૩૦ થી વધુ સુપ્રસિદ્ધ આંતરરાષ્ટ્રિય પ્રોડકટ્સ સાથેના જોડાણ અને રિટેઇલ ક્ષેત્રે મહત્વની હરણફાળ ભરી રહ્યા બાબતે ચર્ચા-વિચારણા અને વિગતો આપવા સાથે વિચારોની આપ-લે કરી હતી.

અકિલાના પાયાના પથ્થર સમા અકિલા પરિવારના સ્વ. અમીનભાઇ છુકારિયા અને સ્વ. નરેન્દ્રભાઇ પારેખ (નરેન્દ્રમામા) ને તેમણે યાદ કરી તેમની સાથેના સંસ્મરણો વાગોળ્યા હતા.

અકિલાના અત્યાધુનિક નવા કલેવર અંગે પરિમલભાઇએ નિમિષ ગણાત્રાને હૃદયથી અભિનંદન આપી નવા કોર્પોરેટ લુકને બિરદાવેલ.

રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝની મોટી ખાવડી ખાતેની તેલ રિફાઇનરીના ત્રણે તબકકાનું કાર્ય પૂર્ણ થયાની અને તેનું આખુ સંચાલન શ્રી ધનરાજ નથવાણી સૂપેરે સંભાળી રહ્યા અંગેની વિગતો આપી હતી.

દેશના કોટન કીંગ ગણાતા મોટા ગજાના ઉદ્યોગપતિ શ્રી સુરેશભાઇ કોટક પણ આજ સમયે જોગાનુજોગ અકિલાના મહેમાન તરીકે આવી પહોંચ્યા હતા. બન્ને મહાનુભાવો ખૂબજ નજીકથી પારિવારિક સંકળાયેલા હોય આત્મીયતાથી મળ્યા હતા.

અકિલાના મોભી શ્રી કિરીટભાઇ ગણાત્રા, અકિલાના એડીટર શ્રી અજીતભાઇ ગણાત્રા અને વેબ એડીશનના એડીટર શ્રી નિમિષભાઇ ગણાત્રા સાથે  શ્રી પરિમલભાઇ નથવાણીએ અનેકવિધ બાબતોની વાતચીત કરી હતી તે પ્રસંગની તસ્વીરો...(સંદીપ બગથરિયા) (૬.૮)

(11:53 am IST)