Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

એકતા કોલોનીમાંથી બે પિસ્તોલ અને એક કાર્ટીસ સાથે બુટલેગર ઇમરાન શેખ ઝડપાયો

ક્રાઇમ બ્રાંચના એએસઆઇ વિજયસિંહ ઝાલા, ભરતનભાઇ વનાણી અને યુવરાજસિંહ ઝાલાની બાતમી પરથી સફળતાઃ

રાજકોટ તા. ૧: ક્રાઇમ બ્રાંચે જંગલેશ્વરની એકતા કોલોનીમાં રહેતાં બુટલેગર ઇમરાન ઉર્ફ આલીફ અનીશભાઇ શેખ (ઉ.૩૦)ને દેશી બનાવટની બે પિસ્તોલ અને એક કાર્ટીસ સાથે ઝડપી લીધો છે. આ શખ્સ જુનો બુટલેગર છે અને અગાઉ દારૂના ગુનામાં ત્રણ વખત પાસામાં પણ જઇ આવ્યો છે.

ક્રાઇમ બ્રાંચની ટીમ જન્માષ્ટમીના તહેવાર અંતર્ગત પેટ્રોલીંગમાં હતી ત્યારે એએસઆઇ વિજયસિંહ ઝાલા, હેડકોન્સ. ભરતભાઇ વનાણી અને કોન્સ. યુવરાજસિંહ ઝાલાને બાતમી મળતાં એકતા કોલોની-૧ના છેડથી ઇમરાન ઉર્ફ આલીમ શેખને સકંજામાં લઇ તલાશી લેતાં નેફામાંથી એક દેશી બનાવટની પિસ્તોલ તથા કાર્ટીસ મળતાં તેને વિશેષ પુછતાછ કરતાં ઘરમાંથી બીજી પિસ્તોલ કાઢી આપી હતી.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી ક્રાઇમ જે. એચ. સરવૈયાએ તહેવાર અંતર્ગત ખાસ પેટ્રોલીંગની સુચના આપી હોઇ તે અંતર્ગત પી.આઇ. એચ. એમ. ગઢવીની રાહબરી હેઠળ પીએસઆઇ ડી. પી. ઉનડકટ, હરેશગીરી ગોસાઇ, પુષ્પરાજસિંહ પરમાર, સામતભાઇ ગઢવી, સંજયભાઇ કુમારખાણીયા સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે વિજયસિંહ ઝાલા, ભરતભાઇ અને યુવરાજસિંહને મળેલી બાતમી પરથી આ કામગીરી થઇ હતી. પોલીસે ૨૦૧૦૦ના હથીયારો-કાર્ટીસ કબ્જે લીધા છે. તે આ હથીયારો કયાંથી લાવ્યો? તે અંગે વિશેષ પુછતાછ માટે રિમાન્ડની તજવીજ થઇ રહી છે.(૧૪.૧૦)

(3:56 pm IST)