Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

દંપતિને છરી મારી લૂંટી લેવાના ગુનામાં બે આરોપીઓને સાત વર્ષની સજા

રાત્રીના સમયે આરોપીઓએ છરી મારી મોરબી રોડ ઉપર રોકડ રકમ-મોબાઇલની લુંટ કરી હતીઃ આવા હિંસાજનક બનાવોથી સમાજમાં અસલામતીની ભાવના ઉભી થાય છેઃ જયારે કાનુન-વ્યવસ્થા તુટી જાય ત્યારે સમાજમાં દાખલો બેસાડવા મહત્તમ સજા કરવી જરૂરી છેઃ જયુ. મેજી. બી. આર. રાજપૂતનો ચૂકાદો

રાજકોટ તા. ૧ :.. અહીંના મોરબી રોડ ઉપર આવેલ શિવધારા સોસાયટીના રોડ ઉપર રાત્રીના સમયે મોટર સાયકલ ઉપર જઇ રહેલા દંપતિને લૂંટના ઇરાદે અટકાવી છરી મારી મોબાઇલ તેમજ રોકડ રકમની લૂંટ કરવાના ગુનામાં પકડાયેલા અહીંના કોઠારીયા સોલવન્ટ પ્લાન્ટ પાસેના ગોંડલ રોડ ઉપર આવેલ મફતીયાપરામાં રહેતા આરોપી મહેશ ઉર્ફે મયલો જીતુભાઇ સોલંકી અને રાકેશ જેરામ સોલંકી સામેનો કેસ ચાલી જતાં જયુ. મેજી. શ્રી બી. આર. રાજપૂતે બન્ને આરોપીને સાત-સાત વર્ષની સજા અને રૂ. દશ હજારનો દંડ ફટકારેલ છે.

આ અંગેની વિગત એવી છે કે, અહીંના કુવાડવા રોડ ઉપર આવેલ અંબીકા રેસીડન્સીમાં રહેતા ફરીયાદી કલ્પેશભાઇ ભરતભાઇ પડીયા તેમના પત્નિ શીતલબેનને લઇને મોટર સાયકલ ઉપર જતા હતા ત્યારે રાત્રીના સવા નવ વાગ્યાના અરસામાં તા. ૧૭-૧ર-૧૭ નાં રોજ ઉપરોકત બન્ને આરોપીઓ તેમના મોટર સાયકલમાં આવેલ અને તમારી પાસે જે કાંઇ હોય તે આપી દયો તેમ કહીને રૂ. ર૦૦ ની રોકડ અને માઇક્રોમેકસ કંપનીનો મોબાઇલ રૂ. ૧પ૦૦ ની કિંમતના ની લૂંટ કરીને છરી મારીને ગંભીર ઇજા કરી હતી.

આ બનાવ અંગે પોલીસે બંને આરોપીની ઇ.પી.કો. કલમ ૩૯૪, ૧૧૪, અને પ૦૪ હેઠળના ગુનામાં ધરપકડ કરીને કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યુ હતું.

આ કામમાં સરકારી વકીલ શ્રી દર્શનાબેન પારેખ રજૂઆત કરેલ કે, સાહેદોએ આપેલ જૂબાની તેમજ તપાસ કરનાર પી. એસ. આઇ. સહિતના પોલીસ અધિકારીઓ આર. પી. કાનમીયા, એન. એમ. ઝાલા, પી. એસ. આઇ. તથા એ. એસ. આઇ. કે. યુ. વાળાએ રજૂ કરેલ પુરાવો જોતા આરોપીઓ વિરૂધ્ધ નિશંકપણે કેસ પુરવાર થતો હોય ઉપરોકત  ગુનામાં બંને આરોપીઓને કસુરવાર ઠરાવીને આકરામાં આકરી સજા કરવા જણાવેલ હતું.

ઉપરોકત રજૂઆત અને ગુનાની ગંભીરતા તેમજ રજૂ થયેલ પુરાવો અને પોલીસ અધિકારીઓની જુબાની ધ્યાને લઇને રાજકોટના એડી. ચીફ. જયુ. મેજી. શ્રી બી. આર. રાજપૂત મેડમે બન્ને આરોપીઓને આઇ. પી. સી. કલમ ૩૯૪, પ૦૪, હેઠળ કસુરવાર ઠરાવીને બંનેને સાત-સાત વર્ષની સજા અને રૂ. ૧૦ હજારનો દંડ ફટકાર્યો હતો.

જયુ. મેજી. શ્રી રાજપૂત મેડમે ચૂકાદો આપતા ઠરાવેલ કે, આરોપીઓ વિરૂધ્ધ નિશંકપણે કેસ પુરવાર થાય છે. આરોપીઓ દ્વારા કોઇ મીલ્કત, રોકડ રકમ લૂંટવાના ઇરાદે કોઇનો જીવ જોખમમાં નાખીને હિંસા આચરવામાં આવી છે. આવા કૃત્યને હળવાશથી લઇ શકાય નહિ, સમાજમાં દાખલો બેસાડવા આરોપીઓને મહત્તમ સજા કરવી જરૂરી છે. જયારે અંગત મિલ્કત, રકમ લૂંટી લેવા આવી હિંસા આચરવામાં આવે ત્યારે સમાજમાં અસલામતીની ભાવના પ્રસરે છે. અને કાનુન વ્યવસ્થા તુટી જાય છે. ત્યારે આરોપીઓને મહત્તમ સજા કરવી જરૂરી છે. તેમ જણાવીને સાત વર્ષની સજા ફટકારી હતી. કલમ પ૦૪ હેઠળ કોર્ટે એક - એક વર્ષની સજા કરી હતી. આરોપીઓ દંડની રકમ ન ભરે તો વધુ ત્રણ માસની સજાનો હુકમ કર્યો હતો. આ કામમાં સરકાર પક્ષે એ.પી.પી. દર્શનાબેન પારેખ રોકાયા હતાં. (પ-૧૯)

 

(3:54 pm IST)