Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

પત્નિને ચડત ભરણ પોષણની રકમ નહિ ચુકવતા પતિને ૩૦ માસની સજા ફટકારતી ફેમેલી કોર્ટ

રાજકોટ તા.૧: પત્નિનું ભરણ પોષણ ન કરવા બદલ જંગલેશ્વરમાં રહેતા પતિને અદાલતે ૩૦ માસની સજા ફરમાવી હતી.

અત્રે રાજકોટમાં નરસંગપરા-૨, જુની કલેકટર ઓફિસ પાછળ રહેતા રેશ્માબેન આશિફભાઇ લાલાણીને જંગલેશ્વર મેઇન રોડ, પટેલ સોસાયટી શેરી નં.૩, બુરાકપાન સેન્ટરની ઉપર, તવક્કલ ચોક, રાજકોટ ખાતે રહેતા તેમના પતિ આશિફ ઇસ્માઇલભાઇ લાલાણી તથા તેના કુટુંબીજનોએ શારિરીક માનસીક ત્રાસ આપી સગીર પુત્રી સાથે કાઢી મુકતા અત્રેની ફેમિલી કોર્ટમાં રેશ્માબેન ભરણ પોષણ મેળવવા અરજી કરેલી જે અરજીમાં પતિ આશિફ ઇસ્માઇલભાઇ લાલાણીએ તેમના પત્નિ તથા પુત્રીને કુલ રૂ.૪૫૦૦ પ્રતિ માસ ભરણ પોષણ પેટે ચુકવવાનો હુકમ થયેલ.

ઉપરોકત ભરણ પોષણનો હુકમ થયા બાદ રેશ્માબેને તેના પતિ સામે કુલ ૩૦ માસના ચડત ભરણ પોષણની રકમ તથા અરજી ખર્ચ મળી કુલ રૂ.૧,૪૦,૦૦૦ વસુલ મેળવવા ફેમિલી કોર્ટ, રાજકોટમાં અરજી દાખલ કરેલી જે અરજીમાં નોટીસ બજી ગયા બાદ આશિફ ઇસ્માઇલભાઇ લાલાણી કોર્ટમાં હાજર થયેલ નહી અને અવાર નવાર   કોર્ટ દ્વારા વોરન્ટ કાઢવા છતાં વોરન્ટની બજવણી થવા દેતો નહી અને સતત ભાગતો ફરતો રહેતો.

ગઇ તા.૨૩-૮-૨૦૧૮ના રોજ પતિ આશિફ ઇસ્માઇલભાઇ લાલાણી તેમના એડવોકેટ મારફત હાજર થઇ કોર્ટમાં મુદતની માંગણી કરેલી પરંતુ અત્રે ફેમિલી કોર્ટ દ્વારા ચડત ભરણ પોષણની રકમ જમા કરાવવા બાબતે જણાવતા તેઓ કોઇ રકમ જમા કરાવવા તૈયાર ન થતા અને મુદતની માંગણી કરતા પત્નિ રેશ્માબેન આશીફ તરફે રોકાયેલ એડવોકેટ કે.પી.દવે દ્વારા વાંધો લઇ જણાવેલ કે આ કામ પતિએ ૨૦૧૬ની સાલથી પત્નિને ભરણ પોષણ પેટે કોઇ રકમ ચુકવેલ નથી તેમજ બે વર્ષથી વધુ સમયથી તેઓ ભાગતા ફરેલ છે અને કોર્ટની પ્રોસેસ બજવા દીધેલ નથી તેમજ આજરોજ પણ કોઇ રકમ ચુકવેલ ન હોય કે ચુકવવાની દરકાર કરેલ ન હોય તેઓને કસ્ટડીમાં લઇ યોગ્ય હુકમ કરવા રજૂઆત કરેલ હતી.

ઉપરોકત રજુઆતો ધ્યાને લઇ અત્રેના ફેમિલી કોર્ટના જજશ્રી જે.સી.બુધ્ધભટ્ટીએ પતિ આશિફ ઇસ્માઇલભાઇ લાલાણીને કસ્ટડીમાં લઇ ૩૦ માસના ચડત ભરણ પોષણની રકમ પત્નિને ચુકવવામાં કસુર કરવા બદલ પ્રત્યેક માસની રકમ સામે એક માસ લેખે કુલ ૩૦ની સાદી કેદની સજા કરવાનો હુકમ કરેલ છે.

આ કામે અરજદાર રેશ્માબેન આશીફભાઇ લાલાણી વતી રાજકોટનાં વિધ્વાન એડવોકેટ કેતન પી.દવે, બિનીતા શાહ,ભાવિશા પંડિત રોકાયેલ હતા.(૧૭.૫૩)  

(3:53 pm IST)