Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જિલ્લા ગાર્ડનમાં પાણીનો ટાંકો-પમ્પીંગ સ્ટેશન માટે પોણો છ કરોડ મંજુર કરતી સ્ટેન્ડીંગ કમીટી

વોર્ડ નં.૭-૧૪માં પાણીની મોકાણ થશે દૂરઃ કુંભારવાડા, રામનાથપરા, હાથીખાના, મીલપરા, કરણપરા, પ્રહલાદ પ્લોટ, મનહર પ્લોટ, ગુંદાવાડી, બાપુનગર, કેવડાવાડી સહિતના કુલ ૧.૨૫ લાખની વસ્તીને પુરા ફોર્સથી પાણી પહોંચાડવા આયોજનઃ ઉદય કાનગડની વર્ષોની જહેમતને સફળતા

રાજકોટ તા.૧: મ્યુ. કોર્પોરેશનમાં આજે મળેલ સ્ટેન્ડીંગ કમિટીએ વોર્ડનં. ૭ અને ૧૪માં પુરા ફોર્સથી પાણી વિતરણ કરવા માટે રૂ.૫.૭૫ કરોડનાં ખર્ચે નવુ પમ્પીંગ સ્ટેશન બનાવવાની દરખાસ્તને અરજન્ટ બીઝનેશ થી મંજુર કરવામાં આવી હતી.

આ અંગે ચેરમેન ઉદયભાઇ કાનગડે વિસ્તૃત માહિતી આપતાં જણાવેલ કે જુના વોર્ડ નં. ૮ અને ૧૫ અને હાલનાં વોર્ડ નં. ૭ તથા ૧૪ના ૨૦ થી રપ વિસ્તારોમાં અત્યંત ધીમા ફોર્સથી પાણી વિતરણ થતું હોવાની ફરિયાદ વર્ષો જુની છે. આ માટે પાંચ વર્ષ અગાઉ ઉદયભાઇએ જિલ્લા ગાર્ડનમાં નવુ પમ્પીંગ સ્ટેશન બનાવવાની યોજના માટે રજુઆતો કરી હતી. અને વખતો-વખત આ બાબતે રજુઆતો કરતા અંતે આ યોજના આજે સ્ટેન્ડીંગ કમિટીમાં અર્જન્ટ .બીઝનેશથી દરખાસ્ત મુકીને મંજુર કરાઇ છે.

આ યોજના મુજબ જિલ્લા ગાાર્ડનમાં ૩૦ લાખ લીટરનો પાણીનો ટાંકો બનાવાશે તથા જમીનમાં ૧૦૦ લાખ લીટરનો સમ્પ બનાવાશે અને ૨૩૦ ચો.મી. જગ્યામાં પમ્પીંગ્ સ્ટેશન બનાવાશે. આ તમામ કામગીરી માટે પ.૭૫ કરોડનો ખર્ચ સ્ટેન્ડીંગ કમિટીએ આજે મંજુર કર્યો હતો.

શ્રી કાનગડે જણાવ્યું કે જિલ્લા ગાર્ડનમાં આ નવુ પમ્પીંગ સ્ટેશન કાર્યરત થયા બાદ વોર્ડ નં. ૭ અને ૧૪માં કુંભારવાડા, બાપુનગર, રામનાથપરા, પોસ્ટલ લાઇન, હાથીખાના, મીલપરા સહિતના વિસ્તારની કુલ ૧.૨૫ લાખની વસ્તીને પુરા ફોર્સથી પાણી વિતરણ થઇ શકશે. આમ ઉદયભાઇની વર્ષો જુની મહેનતને આજે સફળતા મળ્યાનું તેઓએ જણાવ્યુ હતું.(૧.૨૨)

(3:48 pm IST)