Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

મેળામાં પોલીસ 'ઇઝરાયેલી ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ' થકી ગુન્હેગારો શોધશે

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણી ઇઝરાયેલના પ્રવાસે ગયા ત્યારે સાથે રહેલા વર્તમાન પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલને ભીડભાડવાળા આયોજનોમાં ગુન્હેગારોને શોધી કાઢવાની ઇઝરાયલી ટેકનોલોજી ઉપર અભ્યાસ કરવા કહયું'તું: ભારતભરમાં સૌ પ્રથમ વખત રાજકોટમાં આ ટેકનોલોજીનો પ્રયોગ થશેઃ ઇઝરાયેલી ટેકનોલોજી કઇ રીતે કામ કરશે? પોલીસ અધિકારીઓએ આપ્યો પ્રાથમીક ચિતાર

રાજકોટઃ આજથી શરૂ થયેલા ગોરસ મેળામાં શહેર પોલીસ દ્વારા પ્રાયોગીક ધોરણે ઇઝરાયેલની ટીમના સાથથી પ્રાયોગીક ધોરણે અપનાવવામાં આવી રહેલી ઇઝરાયેલી ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ કઇ રીતે કામ કરશે? તેનું નિદર્શન કરવામાં આવ્યું ત્યારે ઉપસ્થિત પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, એડીશ્નલ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા અને એસીપી રાઠોડ સહિતના અધિકારી નજરે પડે છે. નીચેની તસ્વીરમાં દર્શાવાયેલા સ્કેચ મુજબ આ સીસ્ટમ કામ કરશે. પ્રથમ તસ્વીરમાં મેળાવડાની વચ્ચે કોઇને પણ ખ્યાલ ન આવે તે રીતે હિડન કેમેરા, હિડન ઓડીયો રેકોર્ડીગ સીસ્ટમ અને ટ્રાન્સમીશન ડીવાઇસ સાથે થઇ રહેલા પેટ્રોલીંગમાં પોલીસ ચોપડે નોંધાયેલા નામચીન ગુન્હેગાર જો પોલીસના છુપા કેમેરામાં કેદ થઇ જાય તો સમગ્ર સીસ્ટમ સાથે જોડાયેલા કંટ્રોલ રૂમમાં બેઠેલા અધિકારીઓ તેના ફોટોને ફટાફટ મેચ કરી તે શંકાસ્પદ વ્યકિતને અટકાયતમાં લઇ તે વોન્ટેડ ગુન્હેગાર જ છે તેની ખાત્રી કરી ઝડપી લેવા કઇ રીતે કાર્ય કરશે? તે દર્શાવાયું છે. નીચેની બીજી તસ્વીરમાં પેટ્રોલીંગ પોલીસના કેમેરામાં ઝડપાયેલી તસ્વીર પોલીસવાનમાં ફીટ થયેલી સીસ્ટમ મારફત સર્વર રૂમને કઇ રીતે મોકલાશે? તે દર્શાવાયું છે.

રાજકોટ, તા., ૧: નાગરીકોની મોટી હાજરીવાળા રમત ગમત અને મેળાવડાના આયોજનોમાં ગુન્હા બનતા અટકાવવા દેશમાં સર્વપ્રથમ વખત રાજકોટના ગોરસ મેળામાં અત્યાધુનીક ઇઝરાયલી ટેકનોલોજી 'ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ'નો પ્રાયોગીક ધોરણે ઉપયોગ થશે તેમ આજે પત્રકારો સમક્ષ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલે જાહેર કર્યુ હતું.

મુખ્યમંત્રી વિજયભાઇ રૂપાણીની પ્રથમ અને એક માત્ર વિદેશ યાત્રા  ઇઝરાયેલની હતી. આ દરમિયાન તેમની સાથે તત્કાલીન ગૃહસચિવ અને હાલના શહેર પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ સાથે હતા. ત્યાંની પોલીસ દ્વારા 'ક્રાઇમ કંટ્રોલ ઇન ક્રાઉડ' માટે અપનાવાતી ટેકનોલોજી ભારતમાં અપનાવાય તો ગુન્હાઓ બનતા અટકાવી શકાય અથવા તો મોટી ત્રાસવાદી ઘટનાને બનતી અટકી શકે તેવો અભિપ્રાય  શ્રી રૂપાણીએ વ્યકત કરી અગ્રવાલને આ ટેકનોલોજી ઉપર અભ્યાસ કરવા જણાવ્યું હતું અને ગણતરીના મહિનામાં તેનો પ્રયોગ થવા જઇ રહયો છે.

શહેર પોલીસ કમિશ્નર શ્રી મનોજ અગ્રવાલે કહ્યું કે ગુજરાત રાજયના મુખ્યમંત્રીશ્રી થોડા સમય પહેલા ગુજરાતના અધિકારી ઓની ટીમ સાથેઈજરાયેલ દેશની મુલાકાતે ગયા હતા જેમા સુરક્ષા અને સલાનમતી માટે અલગ અલગ આધુનિક ટેકનોલોજીની ઉપયોગીતા બાબતે જાણકારી મેળવી હતી.

પ્રવાસથી પરત આવ્યા બાદ મુખ્યમંત્રીશ્રી એ એક એવી ટેકનોલોજીનું ગુજરાત રાજયમાં અમલીકરણ કરવા નક્કી કર્યુ,કે જેનાથી લોકોની સુરક્ષા-સલામતી વધુ સુદઢ બને. આ માટે ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ કેજે ધ્વારા પોલીસ પેટ્રલીંગ વધુ અસરકારક બની રહે રાજકોટશહેરના જન્માષ્ટમી મેળામાં તેનો પ્રાયોગીક ધોરણે અમલ કરવા નક્કી કરવામાં આવ્યું છે.

શ્રી અગ્રવાલે જણાવ્યું કે આ ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમમાં આરોપીઓના ફોટોગ્રાફ અને અવાજનો નમુનો લગાવેલ હોય છે. પેટ્રોલીંગ કરી રહેલા પોલીસ અધિકારી પોતાના ગણવેશ પર ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટને લગાવે છે, તે કેમેરા ઘણી મોટી સંખ્યામાં એકત્ર થયેલા લોકોની ભીડમાં પણ તેની રેન્જમાં ગુન્હેગારોના ચહેરાની સહેલાઇથી ઓળખ કરી કન્ટ્રોલ રૂમ પર તેનો સંદેશો મોકલે છે.

કન્ટ્રોલ રૂમ ખાતેના અધિકારી કોઇ આરોપી સાથે ચહેરો મેચ થતા તુરત જ પેટ્રોલીંગ કરી રહેલા અધિકારીને સતર્ક કરી સંદિગ્ધ વ્યકિત વિષે જણાવતા પોલીસ અધિકારી તે સંદિગ્ધની પુછપરછ કરશે. ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ યુનિટ ફીડ કરેલા ડેટા ધ્વારા સંદિગ્ધ વ્યકિતનો અવાજ ઓળખીને તે ગુન્હેગાર વ્યકિતને મળતો હોવાનું ચોક્કસ કરશે. જેના કારણે પોલીસ અધિકારી તાત્કાલીક એ આરોપીની ધરપકડ કરી શકશે.

 આ અત્યાધુનિક ઇઝરાયેલી ટેકનોલોઝીના 'ઇન્ટેલીજન્ટ પેટ્રોલીંગ સીસ્ટમ' ના પ્રયોગ ઘ્વારા માનવીય મર્યાદાઓમાં ઘટાડો કરી ભીડમાં પેટ્રોલીંગ દરમ્યાન જાણીતા ગુન્હેગારો, હીસ્ટ્રીશીટર, નાસતા ફરતા આરોપીઓ સહેલાઇથી ઓળખી શકાશે અને તે પણ કોઇ પણ જાતનો વેષ પલટો કર્યો હોય તેમ છતાં આ ટેકનોલોનીજી મદદથી ગુન્હેગારોની સીસ્ટમ દ્વારા જ ઓળખ કરી પોલીસ અધિકારીને એલર્ટ કરાશે પોલીસ પાસે આવા આરોપીઓની જાણકારી ન હોય તો પણ સીસ્ટમ પોલીસને આવા ગુન્હેગારોની/શંકમંદોની પુરેપુરી માહીતી આપશે. આ  ટેકનોલોજીની મદદથી ભીડમાં ગુન્હેગારો - શંકમંદોની ઓળખ શરળ બનશે અને પેટ્રોલીંગને અસરકારક બનાવશે. આમ આ ટેકનોલોજીનો ઉપયોગ નાગરીકોને સલામતી અને સુરક્ષા પુરી પાડવામાં મદદરૂપ નીવડશે.(૪.૧૫)

(3:46 pm IST)