Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

જૂના માર્કેટીંગ યાર્ડ પાસે ભીમરાવનગરનો ૧૬ વર્ષનો જગદીપ રહસ્યમય રીતે ગુમ

વણકર કિશોર સ્કુલે જવાનું કહી નિકળ્યા બાદ લાપતાઃ રેલવે સ્ટેશનના પાર્કિંગમાંથી સાયકલ મળીઃ સીસીટીવી ફૂટેજના આધારે તપાસ

રાજકોટ તા. ૧: જૂના માર્કેટીંગ યાર્ડ પાસે ભીમરાવનગરમાં રહેતો વણકર કિશોર શાળાએ જવાનું કહી નિકળ્યા બાદ પરત ન આવતા તેના પિતાએ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.

મળતી વિગત મુજબ જુના માર્કેટીંગ યાર્ડ પાસે ભીમરાવનગર મેઇન રોડ પર રહેતા ખીમજીભાઇ લાખાભાઇ સોલંકી (ઉ.વ. ૪પ) એ બી ડીવીઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું છે કે, પોતે કડીયાકામ કરી પરિવારનું ગુજરાન ચલાવે છે અને સંતાનમાં એક પુત્ર અને બે પુત્રી છે. પત્ની ૧૪ વર્ષ પહેલા ગુજરી ગયેલ છે. ગત તા. ૩૦/૮ના રોજ પોતાનો ૧૬ વર્ષનો પુત્ર જયદીપ પેડક રોડ પાણીના ઘોડા પાસે જવાહર સ્કુલમાં અભ્યાસ કરતો હોઇ, તેથી તે સવારે પોતાની સાયકલ લઇને શાળાએ જવા માટે નીકળ્યો હતો અને પોતે થોરાળા વિસ્તારમાં કડીયા કામ કરવા ગયા હતા. પોતે સાંજે ઘરે આવ્યા ત્યારે મોટી દીકરીએ કહેલછ કે 'જયદીપ હજુ સુધી સ્કુલેથી આવેલ નથી' જેથી પોતે તાકીદે સ્કુલે તપાસ કરતા જયદીપ સ્કુલ આવ્યો જ ન હોવાનું જાણવા મળતા પોતે આજુબાજુ તથા સગાસંબંધીને ત્યાં તપાસ કરતા તેનો પત્તો લાગ્યો ન હતો. બાદ રેલવે સ્ટેશને તપાસ કરતા તેના પાર્કિંગમાંથી જયદીપની સાયકલ મળી આવી હતી. બાદ બી ડીવીઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવતા એએસઆઇ કે. આર. ચોટલીયા તથા હંસરાજભાઇએ અજાણ્યા શખ્સ વિરૂધ્ધ અપહરણનો ગુનો દાખલ કરી પીએસઆઇ એમ. એમ. ઝાલાએ વધુ તપાસ આદરી છે. જો કોઇને આ કિશોર જોવા મળે તો બી ડીવીઝન પોલીસ સ્ટેશન ફોન નંબર ૦ર૮૧-ર૭૦૬૦૧૮ ઉપર સંપર્ક કરવો. (૭.ર૪)

 

(12:01 pm IST)