Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

SOGએ ૧૫ પિસ્તોલ-તમંચા સાથે મધ્યપ્રદેશની ટોળકીને દબોચી

જન્માષ્ટમીના તહેવાર ટાણે જ ગેરકાયદેસર હથીયારોના સોૈદાગરોની ટોળકીનો પર્દાફાશ કરતી રાજકોટ શહેર પોલીસઃ અગાઉ હત્યામાં સંડોવાઇ ચુકેલા બોટાદના જાળીલાના હરેશ દેવીપૂજકને ગોંડલ રોડ ચોકડીએથી બે તમંચા, ૧ રિવોલ્વર અને એક ૩૧પ નંબરના કાર્ટીસ ડીલીવર કરી પાછા વાયા અમદાવાદથી મધ્યપ્રદેશ જવા નીકળેલા ૪ શખ્સો રાઘવેન્દ્રસિંહ, રાજેશસિંહ, અજયસિંહ અને વિજયસિંહ રાજાવતને રાજકોટમાં જ પકડી લીધાઃ રાઘવેન્દ્ર અને રાજેશ અગાઉ તળાજાની લાખોની આંગડીયા લુંટમાં ઝડપાયા બાદ જેલમાં હરેશનો ભેટો થયો'તોઃ રાજેશ ભાવનગર પોલીસના આર્મ્સ એકટના ગુન્હામાં વોન્ટેડઃ એસઓજીના હેડકોન્સ. આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ, ધર્મેન્દ્રસિંહ રાણા, ચેતનસિંહ ગોહિલની ચોક્કસ બાતમી ૭ તમંચા, ૭ પિસ્તોલ, ૧ રિવોલ્વર, ૧૬ કાર્ટીસ, ૧ મેગેઝીન જપ્ત

રાજકોટઃ પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ અને એડીશ્નલ પોલીસ કમિશ્નર સિધ્ધાર્થ ખત્રીએ સ્પેશ્યલ ઓપરેશન ગૃપ દ્વારા ઝડપી લેવામાં આવેલા હથીયારોના કન્સાઇનમેન્ટ બાબતે આજે બપોરે માધ્યમોને માહીતી આપી ત્યારની તસ્વીરમાં ડીસીપી રવિકુમાર સૈની, ડીસીપી મનોહરસિંહ જાડેજા, એસીપી-ક્રાઇમ જયદીપસિંહ સરવૈયા, એસીપી ભરત રાઠોડ, પીઆઇ ગડુ અને તેમની ટીમ નજરે પડે છે. (ફોટોઃ સંદીપ બગથરીયા)

રાજકોટ તા. ૧: શહેરમાં જન્માષ્ટમીના તહેવારની ઉજવણીનો ધમધમાટ શરૂ થઇ ગયો છે. ત્યારે જ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ (એસઓજી)ની ટીમે ઉચ્ચ અધિકારીઓની રાહબરી હેઠળ મોડી રાત્રે પેટ્રોલીંગ દરમિયાન હેડકોન્સ. આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ અને ધર્મેન્દ્રસિંહ રાણાની ચોક્કસ બાતમી પરથી બોટાદ પંથકના દેવીપૂજક શખ્સને ત્રણ ગેરકાયદેસર હથીયારો સાથે ગોંડલ રોડ ચોકડીએથી દબોચી લીધા બાદ તેને આ હથીયારો આપીને ભાગી રહેલા મધ્યપ્રદેશના હથીયારોના સોૈદાગરોની ટોળકીના ૪ શખસોને બીજા ૧૧ હથીયારો અને કાર્ટીસ સાથે દબોચી લઇ વિશેષ તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે.

પોલીસ કમિશ્નર મનોજ અગ્રવાલ, જેસીપી સિધ્ધાર્થ ખત્રી, ડીસીપી મનોહરસિંહ જાડેજા, ડીસીપી રવિકુમાર સૈની, એસીપી ક્રાઇમ જયદિપસિંહ સરવૈયાએ તહેવાર અંતર્ગત સખ્ત પેટ્રોલીંગ કરવા અને ગેરકાયદેસર પ્રવૃતિઓ શોધી કાઢવા સુચના આપી હોઇ તે અંતર્ગત એસઓજીના પી.આઇ. એસ. એન. ગડુ, પીએસઆઇ ઓ. પી. સિસોદીયા,ચેતનસિંહ ગોહિલ, મોહિતસિંહ, જયવિરસિંહ સહિતની ટીમ મોડી રાત્રે પેટ્રોલીંગમાં હતી ત્યારે હેડકોન્સ. આર. કે. જાડેજા, ક્રિપાલસિંહ અને ધર્મેન્દ્રસિંહને ચોક્કસ બાતમી મળતાં ગોંંડલ રોડ ચોકડીથી ભાવનગર હાઇવે તરફ જતાં પુલ પરથી બોટાદના રાણપુર તાબેના જાળીલા ગામના હરેશ ધીરૂભાઇ ખાવડીયા (દેવીપૂજક) (ઉ.૩૫)ને ત્રણ ગેરકાયદેસર હથીયાર સાથે દબોચી લીધો હતો.

આ શખ્સની ઘટના સ્થળે જ આકરી પુછતાછ થતાં તેણે પોતાને હથીયાર વેંચનારા મધ્યપ્રદેશના શખ્સો હજુ નજીકમાં હોવાનું કહેતાં એસઓજીની ટીમે આ રોડ પરથી ચાર શખ્સોને દબોચી લઇ થેલા-થેલી તપાસતાં અંદરથી બીજા હથીયારો, કાર્ટીસ મળ્યા હતાં. પોલીસે કુલ ૭ દેશી તમંચા, ૭ દેશી પિસ્તોલ અને ૧ દેશી રિવોલ્વર તથા ૧૬ કાર્ટીસ તેમજ પાંચ નંગ મોબાઇલ ફોન મળી કુલ રૂ. ૧,૧૯,૧૦૦નો મુદ્દામાલ કબ્જે કર્યો હતો.

આ અંગે ડીસીબી પોલીસ મથકમાં ચેતનસિંહ ગોહિલની ફરિયાદ પરથી હરેશ દેવીપૂજક તથા મધ્યપ્રદેશના ભીંડ જીલ્લાના પાંડરી તાબેના રામપુરા ગામના રાઘવેન્દ્રસિંહ ઉર્ફ મોનીસિંહ જયસિંહ રાજાવત (ઉ.૩૫), ભીંડના ઇશ્વરીયા ગામના રાજેશસિંહ ગંગાસિંહ રાજાવત (ઉ.૨૮), ભીંડના પાંડરી ગામના અજયસિંહ ઇન્દેસિંહ રાજાવત (ઉ.૨૦) તથા પાંડરીના જ વિજયસિંહ રામઅશોકસિંહ રાજાવત (ઉ.૨૨) સામે આર્મ્સ એકટની કલમ ૨૫-૧ (૧) એ મુજબ ગુનો નોંધી પાંચેયની ધરપકડ કરી વિશેષ તપાસ હાથ ધરી છે.

પ્રાથમિક માહિતી મુજબ ઝડપાયેલાઓમાં જાળીલાનો હરેશ દેવીપૂજક અગાઉ વ્યાજની ઉઘરાણીના ડખ્ખામાં એક પ્રજાપતિ યુવાનની હત્યાના ગુનામાં સંડોવાયો હતો. દોઢ-બે વર્ષ પહેલા જ જેલમાંથી છુટ્યો છે. તેણે ગેરકાયદે હથીયારોનો ધંધો કરવા મધ્યપ્રદેશથી સોૈદાગરોને બોલાવ્યા હતાં. હથીયારની લેતીદેતી થઇ રહી હતી ત્યાં જ એસઓજી ત્રાટકી હતી અને ૧૫ હથીયારો, કાર્ટીસના જથ્થા સાથે પાંચને દબોચી લીધા હતાં. બપોરે પત્રકાર પરિષદમાં વિસ્તૃત વિગતો આપવામાં આવશે. (૪.૧૧)

 

(3:25 pm IST)