Gujarati News

Gujarati News

News of Saturday, 1st September 2018

લીમડા ચોકની હોટેલના રૂમમાં દારૂની પાર્ટી કરતાં દવાની કંપનીના ૬ કર્મચારીઓ ઝડપાયા

ગાંધીનગરના ભરત પટેલ, કોઠારીયાના જયદિપ સોરઠીયા, જામનગરના હાર્દિક પટેલ, ધાર્મિક ગજેરા, ધોરાજીના અમીન વામજા અને જુનાગઢના મિતેશ સતવારાને રૂમ નં. ૧૦૭માંથી એ-ડિવીઝન પોલીસે પકડ્યાઃ સેમીનાર પત્યા બાદ પીવા બેઠા ને પોલીસ ત્રાટકી

રાજકોટ તા. ૩૧: દવાની કંપનીના છ કર્મચારીઓએ ગઇકાલે સાંજે સેમિનાર પત્યા બાદ લીમડા ચોકમાં આવેલી હોટેલના એક રૂમમાં દારૂની પાર્ટી જમાવ્યાની બાતમી મળતાં એ-ડિવીઝન પોલીસે દરોડો પાડી રાજકોટ, જામનગર, ગાંધીનગર, ધોરાજી, જુનાગઢના છ યુવાનોને દારૂની મહેફિલ માણતા પકડી લઇ રૂ. ૩૬૦નો દારૂ તથા ખાદ્ય પદાર્થો કબ્જે લીધા હતાં.

પોલીસ રાત્રે નવેક વાગ્યે પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી મળી હતી કે શાસ્ત્રી મેદાન લીમડા ચોકમાં આવેલે હોટેલ કે-રોઝમાં રૂમ નં. ૧૦૭માં દારૂની મહેફિલ જામી છે. તેના આધારે દરોડો પાડવામાં આવતાં છ શખ્સો ભારતીય બનાવટના અંગ્રેજી શરાબ સાથે મળી આવતાં ગુનો નોંધી છએયની ધરપકડ કરવામાં આવી હતી. પોલીસે રૂમમાંથી રોયલ સ્ટગની બે બોટલ જેમાં આશરે ૧૦૦ એમએલ પ્રવાહી તથા એક શીલબંધ બોટલ રૂ. ૩૦૦ની મળી કુલ રૂ. ૩૬૦નો દારૂ, પ્લાસ્ટીકના ગ્લાસ, ખાદ્ય વસ્તુઓ કબ્જે લીધી હતી.

આ મહેફિલમાંથી ભરત બાબુભાઇ પટેલ (ઉ.૩૬-રહે. સોની ગામ તા. ગાંધીનગર), જયદિપ નાથાભાઇ સોરઠીયા (ઉ.૩૦-રહે. કોઠારીયા રાધેશ્યામ પાર્ક), હાર્દિક અમુલાલભાઇ પટેલ (ઉ.૩૦-રહે. નંદનવન સોસાયટી-૪ જામનગર), અમીન શાંતિલાલ વામજા (ઉ.૨૫-રહે. ગરબી ચોક, ધોરાજી), ધાર્મિક જયંતિભાઇ ગજેરા (ઉ.૩૦-રહે. જામનગર) અને મિતેષ રણમલભાઇ સતવારા (ઉ.૩૧-રહે. જુનાગઢ)ની ધરપકડ કરી હતી.

પી.આઇ. એન. કે. જાડેજાની રાહબરીમાં પીએસઆઇ વી.એસ. સાખરા, એએસઆઇ શિવરાજસિંહ જાડેજા,  ઇન્દ્રસિંહ, નરેશભાઇ, હાર્દિકસિંહ સહિતની ટીમ પેટ્રોલીંગમાં હતી ત્યારે બાતમી પરથી આ કામગીરી કરવામાં આવી હતી. પકડાયેલા તમામ આર્મો નામની દવાની કંપનીના કર્મચારીઓ છે. ગઇકાલે કંપનીનો સેમિનાર પુરો થયા બાદ બધા પાર્ટી કરવા બેઠા હતાં અને પોલીસે રંગમાં ભંગ પાડ્યો હતો.

(4:04 pm IST)