Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રાજકોટમાં કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનનો અમલ ચાલુ રહેશેઃ માત્ર આવશ્યક સેવાની દુકાનો ૭ થી ૭ ખુલ્લી રાખી શકાશે

અનલોક-૩ માટે ખાસ જાહેરનામુ પ્રસિધ્ધ કરતાં કલેકટર રેમ્યા મોહન : કોરોનાં પોઝિટીવ વિસ્તારમાં જઇ આવેલ નાગરિકે ૧૦૪માં ફરજીયાત જાણ કરવાની રહેશે : કોરોના અંગે કોઇપણ મિડીયા મારફત અફવા ફેલાવનાર સામે કાયદેસરની કાર્યવાહી

રાજકોટ, તા. ૧ : રાજય સરકારે અનલોક-૩માં વેપારીઓને છુટછાટ આપી છે ત્યારે જીલ્લા કલેકટર રેમ્યા મોહને ખાસ જાહેર નામુ બહાર પાડી શહેરમાં જાહેર થયેલ કન્ટેન્ટમેન્ટ ઝોનમાં લોકડાઉનમાં અમલ કરવા સહિતની ૩૮ બાબતો અંગે નિયમો જાહેર કર્યા છે.

આ જાહેર નામામાં જણાવાયું છે કે હું રેમ્યા મોહન (આઇએએસ), જિલ્લા મેજિસ્ટ્રેટ, રાજકોટ જીલ્લા, રાજકોટ, ફોજદારી કાર્યરીતિ સંહિતા ૧૯૭૩ ની કલમ ૧૪૪ ગુજરાત પોલીસ અધિનિયમ ૧૯પ૧ ની કલમ -૩૭ (૪), ૪૩ તથા નેશનલ ડિઝાસ્ટર મેનેજમેન્ટ એકટ, ર૦૦પની કલમ -૩૪ની રૂએ ફરમાવું છું કે,

સક્ષમ સતાધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર અનધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવું નહીં.

જાહેર સ્થળોએ સક્ષમ સતાધિકારીશ્રીની પૂર્વ પરવાનગી વગર કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામાં લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહિ કે આવા આયોજનમાં વિશાળ સંખ્યામાં લોકોએ હાજર રહેવું નહીં.

સમગ્ર રાજકોટ ગ્રામ્ય જીલ્લાનાં વિસ્તારોમાં કોરોના વાઇરસનું સંક્રમણ ન ફેલાય  તે માટે કોઇપણ વ્યકિતએ જાહેર સ્થળોએ, સરકારી કચેરીઓએ કે તેની આસપાસ, જેલોમાં કે તેની આસપાસનાં વિસ્તારોમાં કે અન્ય જાહેર રોડ-રસ્તાઓ પર, શેરી બંધ ગલીઓમાં કે એવા કોઇપણ સ્થળોએ ધરણા, આંદોલન કરવા નહીં તેમજ લોકડાઉનની ચુસ્તપણે અમલાવારી કરવી.

કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તાર તેમજ ભવિષ્યમાં કન્ટેન્ટમેન્ટ ઝોન જાહેર કરવામાં આવે તે વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના ૭ થી રાત્રીના ૭ સુધી ચાલુ રહેશે તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં તેમજ લોકડાઉનની અમલવારી ચુસ્તપણે કરવાની રહેશે.

તમામ શાળા, કોલેજ, શૈક્ષણિક/ તાલીમ અનુ. શિક્ષણ સંસ્થાઓ બંધ રાખવી, (વહીવટી કાર્યાલય ચાલુ રાખી શકાશે, ઓનલાઇન (ડીસ્ટન્સ લર્નીંગ ચાલુ રાખી શકાશે).

તમામ પ્રકારની દુકાનો રાત્રીના ૮ કલાક સુધી ખુલ્લી રાખી શકાશે.

હોટલ, રેસ્ટોરન્ટ અને અન્ય આતિથ્ય સેવાઓ રાત્રીનાં ૧૦ વાગ્યા સુધી સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ ચાલુ રાખી શકાશે.

યોગા ઇન્સ્ટીટયુટ અને જીમ્નેશીયમ તા. પ-૮-ર૦ર૦ થી કેન્દ્રીય આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયની એસ.ઓ.પી. અનુસાર શરૂ કરી શકાશે.

શોપીંગ મોલ્સ ભારત સરકારશ્રીના માર્ગદશિૃકા મુજબ ચાલુ રાખી શકાશે.

તમામ સિનેમા ગૃહો, મલ્ટીપ્લેકસ, સ્નાનાગારો, મનોરંજન ગૃહો, નાટય ગૃહો, કલબ, જાહેર બગીચાઓ, પ્રાણી સંગ્રહાલય, વોટર પાર્ક, એમ્યુઝમેન્ટ પાર્ક, બાબ અને સભાગૃહો, સભાખંડો અને તે પ્રકારના સ્થળો જાહેર જનતા માટે બંધ રાખવા રમતગમત સંકુલો અને સ્ટેડીયમ ખોલી શકાશે. પરંતુ દર્શકો માટે બંધ રાખવા.

તમામ સામાજીક / રાજકીય/ રમતગમત / મનોરંજન / શૈક્ષણિક/ સાંસ્કૃતિક/ ધાર્મિક સમારંભો/ અન્ય સંમેલનો અને જનમેદની એકઠી થાય તેવા કાર્યક્રમો થઇ શકશે નહીં.

તમામ ધાર્મિક સ્થળો ભારત સરકારશ્રીની માર્ગદર્શિકા મુજબ અને સોશીયલ ડીસ્ટન્સ પાલન કરવાની શરતે તથા કોઇપણ જાતના મેળાવડા કે કાર્યક્રમ નહીં કરાવની શરતે ચાલુ રાખી શકાશે.

જાહેર સ્થળો તથા દુકાનો પર ઓછામાં ઓછું ૬ ફૂટનું અંતર (દો ગઝ કી દૂરી) જળવાઇ રહે અને  દુકાન પર એક સમયે/ એક સાથે પ (પાંચ) થી વધારે વ્યકિત એકઠી ન થાય તેની તકેદારી રાખવાની રહેશે.

કોઇપણ વ્યકિત/સંસ્થા કોરોના વાયરસ અંગે ખોટી અફવા/ માહિતી કોઇપણ પ્રકારના મીડીયા મારફત ફેલાવશે તો તે ગુન્હો ગણાશે અને તેમની વિરૂધ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે.

જો કોઇ નાગરિક જાહેર થયેલ કોરોના વાયરસ પોઝિટીવ વિસ્તાર/ દેશમાંથી આવ્યો હશો તો તેમણે નજીકની સરકારી હોસ્પિટલ અથવા શહેર/ જિલ્લાના કંટ્રોલ રૂપ અથવા હેલ્પ લાનઇ નં. ૧૦૪ પર આ અંગે ફરજીયાત જાણ કરવાની તથા જરૂરી તમામ માહિતી આપવાની રહેશે. વહીવટી તંત્રની સુચના અનુસાર Quarantine પ્રોટોકલનું ચુસ્તપણે પાલન કરવાનું રહેશે. જો તેમ કરવામાં નહીં આવે. તો તેઓને ફરજીયાપણે રાજકોટ જિલ્લાના Quarantine Isolation વોર્ડમાં ખસેડી Epidemic Diseases act. 1987ની જોગવાઇ મુજબ દંડનીય અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવશે.

આમ ઉકત તમામ નિયમો ઉપરાંત અગાઉ સરકારે જાહેર કરેલા નિયમો સહિત ૩પ નિયમોનું ચુસ્ત પાલન કરવા કલેકટરશ્રીએ હુકમ કર્યો છે.

(3:35 pm IST)