Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

અનલોક-૨: રાજકોટ પોલીસે એક માસમાં વસુલ્યો ૧ll કરોડનો દંડ

જાહેરનામા ભંગના ૧૫૮૧ કેસ, ૭૦૬૨ વાહનો ડિટેઇન, માસ્ક નહિ પહેરનારા અને જાહેરમાં થુંકનારા અધધધ ૭૪૮૮૦ લોકો પકડાયા : અનલોક-૩નો આજથી અમલઃ રાજકોટના રહેવાસીઓએ કોરોના મહામારીથી બચવા સરકાર અને પોલીસના નિયમોનો કડક અમલ કરવો જેથી દંડ ભરવો ન પડેઃ જાહેરનામાની વિગતો સાથે શહેરીજનોને વિસ્તૃત સમજ આપતાં પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ : માસ્ક નહિ પહેરનારા અને જાહેરમાં થૂંકનારાને પકડાવ પોલીસ ખાનગી ડ્રેસમાં ગમે ત્યારે ત્રાટકશે

રાજકોટ તા. ૧: સમગ્ર વિશ્વમાં ભરડો ફેલાવી ચુકેલી કોરોના વાયરસ મહામારીમાં સરકાર એક પછી એક અનલોક તબક્કા જાહેર કરી રહી છે. મહામારી વધુ ફેલાતી અટકે તે માટે તા.૦૧/૦૭/૨૦૨૦ થી ૩૧/૦૭/૨૦૨૦ સુધી અનલોક-૨ જાહેર કરવામા આવેલ આ સમય દરમ્યાન સરકાર દ્વારા ઘણી છુટછાટ આપવામા આવી હતી. પરંતુ લોકોએ છૂટછાટમાં બેદરકારી દાખવતાં શહેર પોલીસને આકરી કાર્યવાહી કરવી પડી છે. અનલોક-૨ દરમિયાન એટલે કે એક મહિનામાં રાજકોટ શહેર પોલીસે જાહેરનામા ભંગના ૧૫૮૧ કેસ કરી તેમજ ૭૦૬૨ વાહનો ડિટેઇન કર્યા છે. આ ઉપરાંત માસ્ક વગર નીકળી પડતાં અને જાહેરમાં થુંકતા ૭૪,૮૮૦ લોકોને પકડી લીધા હતાં. આ રીતે કુલ રૂ. ૧,૪૯,૭૬,૦૦૦ (એક કરોડ ઓગણપચાસ લાખ છોંતેર હજાર)નો દંડ વસુલ કર્યો છે. આજથી અનલોક-૩ શરૂ થયું હોઇ સરકારના નિયમો અને પોલીસના નિયમોનું પાલન કરી દંડથી બચવા પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે શહેરીજનોને અનુરોધ કર્યો છે. 

સરકાર દ્વારા  અનલોક-૩ આજ તા.૦૧/૦૮ થી તા.૩૧/૦૮/ર૦ર૦ સુધી લાગુ કરવામાં આવ્યું છે. આ માટે રાજકોટ શહેર પોલીસ કમિશનર દ્વારા અગાઉના જાહેરનામામાં સરકારના આદેશો અનુસાર થોડા ફેરફાર કરી રીન્યુ કરાયું છે. જેનું કડક પાલન રાજકોટવાસીઓએ કરવું પડશે. અન્યથા અગાઉની જેમ જ દંડ ભરવો પડશે. રાજકોટ શહેર પોલીસ જાહેર સ્થળોએ થુંકવાના કેસો તથા માસ્ક નહીં પહેરેલ હોય તેના કેસ  કરવા માટે ખાનગી કપડામાં ડીકોય રાખી રેસકોર્ષ રીંગ રોડ અને અન્ય ભીડભાડ વાળી જગ્યાઓએ આવા કેસો કરશે. તેમજ સોશીયલ ડીસ્ટન્સીંગ તથા સરકારીની માર્ગદર્શિકાઓ બાબતે લોકોને માહિતગાર કરશે.

આજે બકરી ઇદનો તહેવાર કોરાના વાયરસની મહામારીની માર્ગદર્શિકાઓ મુજબ તથા જાહેરનામાઓ મુજબ શાંતિ પુર્ણ રીતે ઉજવાયેલ છે અને કોઇ પણ અનિચ્છનીય બનાવ સામે આવેલ નથી. ભવિષ્યમાં આવનારા તહેવારો પણ આવા જ શાંતિ પુર્ણ અને સોશીયલ ડીસ્ટન્સીંગ તથા સરકારની માર્ગદર્શિકાઓ મુજબ ઉજવાય તેવી રાજકોટ શહેરની તમામ જનતાને પોલીસ કમિશનર મનોજ અગ્રવાલ દ્વારા અપીલ કરવામાં આવી છે.

  અનલોક-૩ દરમ્યાન જે નિયમોનું પાલન કરવાનું છે તેની સમજ આપતાં જાહેરનામામાં પોલીસ કમિશનરશ્રી એ જણાવ્યું છે કે જાહેર સ્થળોએ તેમજ કામના સ્થળે તેમજ મુસાફરી કરતી વખતે ફરજીયાત માસ્ક પહેરવાનુ રહેશે, તેમજ જાહેર સ્થળોએ થુંકવા પર પ્રતિબંધ જાહેર કરેલ હોય જેનુ પાલન નહીં કરનારને પણ રૂ.૫૦૦ દંડ થશે.  તેમજ કન્ટેઇન્મેન્ટ ઝોન-માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરેલ છે તે વિસ્તારમા તેમજ ભવિષ્યમાં કન્ટેઇન્મેન્ટ ઝોન-માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન જાહેર કરવામા આવે તે સમગ્ર વિસ્તારમા કલાક ૦૦/૦૦ થી કલાક-૨૪/૦૦ સુધી લોકડાઉન અમલમાં રહેશે. આવા વિસ્તારમાં માત્ર આવશ્યક સેવાઓ જ સવારના કલાક ૭/૦૦ થી સાંજના કલાક ૭/૦૦ વાગ્યા  સુધી ચાલુ રહેશે. તે સિવાયની કોઇ પ્રવૃતિ ચાલુ રાખી શકાશે નહીં તેમજ કામદારો -કર્મચારીઓ -દુકાનના માલીકો જેમના ઘર-મકાનો કન્ટેઇનમેન્ટ /માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોનમાં આવે છે તેમને કન્ટઇનમેન્ટ કે માઇક્રો કન્ટેન્મેન્ટ ઝોન વિસ્તારમાથી બહાર જવા પર પ્રતિબંધ રહેશે તેમજ કન્ટેન્મેન્ટ ઝોન અને માઇક્રો કનટેન્મેન્ટ ઝોન ની બહાર રાજકોટ પોલીસ કમિમશ્નરેટ વિસ્તારમા તમામ પ્રકારની દુકાનો રાત્રીના કલાક ૦૮/૦૦ વાગ્યા સુધી ખુલ્લી રહેશે.

અનલોક-૩ દરમ્યાન સમગ્ર રાજકોટ શહેર પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં સક્ષમ અધિકારીની પરવાનગી વગર અનઅધિકૃત/ગેરકાયદેસર રીતે ચાર કે ચારથી વધુ વ્યકિતઓએ એક સાથે કોઇપણ જગ્યાએ એકઠા થવા પર પ્રતિબંધ મુકવામા આવે છે.  જેથી કોઇપણ પ્રકારના સભા, સરઘસ, સંમેલન, મેળાવડા કે લોકમેળા કે જે પ્રસંગે મોટી સંખ્યામા લોકો એકત્રિત થાય તેવા કોઇ આયોજન કરવા નહીં કે આવા આયોજનમા વિશાળ સંખ્યામા લોકોએ હાજર રહેવુ નહીં.

અનલોક-૩ દરમ્યાન તમામ ઉદ્યોગો પોતાની ૧૦૦ ટકા કેપેસીટી સાથે ચાલુ રહેશે પરંતુ સોશ્યલ ડીસ્ટન્સીંગનુ પાલન કરવુ આવશ્યક રહેશે અને સતત પ્રક્રિયાવાળા એદ્યોગિક /વાણીજય એકમો /કારખાનાઓ કામના સ્થળેથી કામદારોની અવર - જવર ન થાય તે રીતે ચાલુ રાખી શકાશે કામકાજ સ્થળોએ કોરોના વાયરસનો ફેલાવો ન થાય તે માટે સાધનો માસ્ક, સેનેટાઇઝર વિગેરેનો ફરજીયાત ઉપયોગ કરવાનો રહેશે. તેમજ પ્રાઇવેટ ઓફિસો  સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ખુલ્લી રાખી શકશે પરંતુ વર્ક ફ્રોમ હોમને પ્રદ્યાન્ય આપવુ તેમજ તમામ પ્રકારની બેંકો તથા તમામ સરકારી કચેરીઓ ચાલુ રહેશે.

અનલોક-૩ દરમ્યાન રાજકોટ મહાનગર પાલીકા વિસ્તારમા ફેરીયાઓ રાજકોટ મહાનગર પાલીકા દ્વારા નકકી કરવામા આવે તે જગ્યાઓએ વેપાર કરી શકશે, ચા, કોફીના સ્ટોલ્સ રાત્રીના ૦૮/૦૦ વાગ્યા સુધી ચાલુ રહેશે તેમજ હોટલો અને અન્ય રહેવાની સગવડ વાળી જગ્યાઓ તેમજ શોપીંગ મોલ્સ એસ.ઓ.પી. પ્રમાણે સોશીયલ ડીસટન્સ સાથે ખુલ્લા રહેશે. રેસ્ટોરન્ટો /ભોજનાલયો રાત્રીના ૧૦ વાગ્યા સુધી ચાલુ રાહેશે અને તેમા લોકોની બેઠક વ્યવસ્થા સોશ્યલ ડીસ્ટન્સીંગ જળવાઇ તે રીતેની વ્યવસ્થા કરવાની રહેશે.

પાન-માવાની દુકાનો ફકત લઇને જતા રહેવા માટે ચાલુ રહેશે, વાળંદની દુકાન, હેર કટીંગ સલુન, બ્યુટી પાર્લર સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ચાલુ રાખી શકાશે, તમામ પ્રકારની રીપેરીંગની દુકાનો, ગેરેજ, વર્કશોપ અને સર્વિસ સ્ટેશનો કાર્યરત રાખી શકાશે,  તમામ પ્રકારની શૈક્ષણીક, તાલીમ, સંશોધન અને કોચીંગ સંસ્થાઓ બંધ રહેશે જેઓની વહીવટી કચેરી ચાલુ રાખી શકાશે અને ઓનલાઇન શિક્ષણ ચાલુ રહેશે અને તેને પ્રાધાન્ય આપવાનુ રહેરે તેમજ જીમનાશીયમ અને યોગા કલાસીસ ૫પ ઓગષ્ટ પછી ભારત સરકારશ્ર ના આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ દ્રારા જારી કરવામાં આવેલી એસ.ઓ.પી. પ્રમાણે ઓલી શકાશે તમામ લાયબ્રેરીઓ ૬૦ ટકાની કેપેસીટીથી ચાલુ રાખી શકાશે, તેમજ નાટયગૃહો, બાગ-બગીચા, સાંસ્કુતિક/થિયેટર કાર્યક્રમો, સ્વીમીંગ પુલ, વોટર પાર્ક, પ્રાણી સંગ્રહાલય, પુરાતત્ત્વ સ્થળો, તેમજ પર્યટન સ્થળો, એમ્યુઝમેન્ટ પાર્ક, સીંગલ સ્ક્રીન અને મલ્ટીપલ સ્ક્રીન સિનેમા ઘરો અને મલ્ટીપ્લેક્ષ વિગેરે સ્થળો બંધ રહેશે. 

તમામ ધાર્મિક સ્થળો લોકો માટે સોશ્યલ ડીસ્ટન્સીંગ સાથે ચાલુ રહેશે અને તમામ દ્યાર્મિક સ્થળો ખાતે ધાર્મિક મેળાવડા /ધાર્મિક કાર્યક્રમો યોજવા અંગે એસ.ઓ.પી. મુજબ પ્રતિબધ રહેશે. તેમજ સામાજીક, રાજકિય, રમત-ગમત, મનોરંજન, શૈક્ષણિક, સાંસ્કૃતિક કે અન્ય જાહેર જગ્યાઓએ મોટી સંખ્યામા માણસો ભેગા થતા હોય તેવી તમામ પ્રવૃતીઓ પર પ્રતિબંધીત રહેશે. દફનવિધી કે અંતિમ સંસ્કારમાં સામાજીક અંતર જાળવવાનુ રહેશે અને આવા પ્રસંગે ર૦ થી વધુ વ્યકિતઓ ભેગા થઇ શકશે નહીં તેમજ લગ્નોના કિસ્સામા વર, કન્યા પક્ષના વ્યકિતઓ તથા વિદ્યી કરનાર વિગેરે સહીત વધુમા વદ્યુ ૫૦ વ્યકિતઓ ની મર્યાદામા સક્ષમ અધિકારીશ્રીની મંજુરી મેળવી મંજુરીની શરતોના પાલન સાથે આયોજન કરી શકાશે.

અનલોક-૩ દરમ્યાન જીએસઆરટીસીની  બસ સેવાઓ રાજકોટ શહેર વિસ્તારથી સમગ્ર રાજયમા ચાલુ રહેશે તેમજ પ્રાઇવેટ બસ સેવા જીએસઆરટીસીની એસ.ઓ.પી. પ્રમાણે કન્ટેઇન્મેનટ ઝોન /માઇક્રો કન્ટેઇન્મેન્ટ ઝોન બહાર ૬૦ ટકા સીટીંગ કેપેસીટી અને નો સ્ટેન્ડીંગ સાથે ચાલુ રહેશે. તેમજ ઓટો રિક્ષા, કેબ્ઝ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કાર એક ડ્રાઇવર તથા ૨ મુસાફર સાથે પરીવહન કરી શકશે અને કેબ્જ, ટેક્ષી, કેબ એગ્રીગેટર્સ તેમજ પ્રાઇવેટ કારમા છ કે તેનાથી વદ્યારે સીટીંગ કેપેસીટી હોય તો કારમા એક ડ્રાઇવર તથા ૩ મુસાફર સાથે પરીવહન કરી શકાશે. ટુ-વ્હીલરમાં માત્ર બે વ્યકિત પરીવહન કરી શકશે.

 શહેરની જાહેર જનતાએ લોકડાઉન તથા અનલોક-૧ તથા અનલોક-૨ દરમ્યાન શહેર પોલીસને ખુબજ સહકાર આપેલ છે એ જ રીતે અનલોક-૩ દરમ્યાન પણ સહકાર આપી તેમજ બીન જરૂરી બહાર ન નીકળે અને ઘરમાં જ સુરક્ષીત રહે તેમજ જાહેરનામનો ભંગ ન કરી દંડથી બચે તેવો અનુરોધ પોલીસ કમિશનર મનોજ અગ્રવાલે કર્યો છે. માસ્કનો દંડ હવેથી રૂ. ૫૦૦ વસુલવાની શરૂઆત થઇ ચુકી છે. તે પણ ધ્યાને લેવા જણાવાયું છે.

(2:49 pm IST)