Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની પીએચડીની છાત્રાને પ્રો. વિક્રમ વંકાણી કહેતો-મારા કહ્યામાં નહિ થા તો ભોગવવું પડશે!

યુનિવર્સિટી પોલીસે મોરબી પંથકની છાત્રાની ફરિયાદ પરથી પ્રોફેસરને સકંજામાં લીધો : છાત્રા માસિક ધર્મમાં હોય ત્યારે બધા છાત્રોની હાજરીમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાવું પડે તેવા પ્રશ્નો પ્રોફેસર કરતોઃ લગ્ન પ્રસંગમાં રજા પણ ન આપીઃ મેદાનમાં ટ્રેનિંગના નામે પીડા સહન ન થાય તેવી પ્રેકટીસ કરાવાતીઃ પ્રોફેસર લેકચર લેતા નહિ, ખરાબ નજરથી જોતાં હોવાના આરોપો

રાજકોટ તા. ૧: સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી અગાઉ પણ અનેક વખત કોૈભાંડોને કારણે ચર્ચાના ચકડોળે ચડી ચુકી છે. વધુ એક વખત પ્રોફેસર દ્વારા પીએચડીની છાત્રાની જાતિય સતામણી કરવામાં આવ્યાનો મામલો સામે આવતાં યુનિવર્સિટી પોલીસે ગુનો નોંધી એમ.પી. ડી. ભવનના પ્રોફેસરને સકંજામાં લેવા કાર્યવાહી કરી છે. વર્ષ ૨૦૧૩-૧૪ના સમયથી વર્ષ ૨૦૧૯ સુધીના ગાળામાં ત્રાસ પીએચડીની છાત્રા પર ત્રાસ ગુજારી અશ્લિલ ગીતો વગાડી 'મારા કહ્યામાં ન થાવ તો તમારે ઘણું ભોગવવું પડશે' તેમ કહી તેમજ છાત્રા માસિક ધર્મમાં હોય ત્યારે બધા છાત્રોની હાજરીમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જવું પડે તેવા પ્રશ્નો પુછી હેરાન કર્યાનો આરોપ પણ મુકાતાં ચકચાર જાગી છે.

બનાવ અંગે યુનિવર્સિટી પોલીસે ભોગ બનનારપીએચડીની છાત્રા પુખ્ત વયની યુવતિની ફરિયાદ પરથી સોૈરાષ્ટ્ર યુનિવર્સિટી એમ.પી.એડ. ભવનના હાલ ફરજ મુકત પ્રોફેસર વિક્રમ વંકાણી સામે આઇપીસી ૩૫૪ (સી), ૫૦૯, ૨૯૪ તથા એટ્રોસીટી એકટ હેઠળ ગુનો નોંધી પ્રોફેસરને સકંજામાં લઇ વિશેષ તપાસ હાથ ધરી છે.

પીએચડીના છાત્રાએ એફઆઇઆરમાં જણાવ્યું છે કે હું સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં ફિઝીકલ ડિપાર્ટમેન્ટમાંથી પીએચડીનો અભ્યાસ કરુ છું. ૨૨/૭/૨૦ના રોજ મેં યુનિવસ્ર્ટિી પોલીસ સ્ટેશનમાં અરજી કરી હતી. તે અંતર્ગત હવે ફરિયાદ નોંધાવી છે. યુનિવર્સિટીના પ્રોફેસર વિક્રમ વંકાણી અને પ્રોફેસર ભગીરથસિંહ રાઠોડ દ્વારા ગોલ્ડ મેડલની લાલચ આપી જાતીય સતામણી કરવામાં આવી હતી. હું ૨૦૧૩થી એમ.પી.એડ.નો અભ્યાસ સોૈરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કરુ છું. ત્યારથી પ્રોફેસર વિક્રમ વંકાણી મારા એચઓડી (હેડ ઓફ ડિપાર્ટમેન્ટ) હતાં. તે અમને ગ્રાઉન્ડમાં પ્રેકટીસ કરાવતાં ત્યારે ટ્રેનિંગના નામે અસહ્ય અને પીડા સહન ન થાય તેવી પ્રેકટીસ કરાવતાં હતાં. કલાસમાં લેકચર લેતા નહિ. તેઓ મને પર્સનલી ઓળખતા હોઇ યુનિવર્સિટીમાંથી મને સ્કોલરશીપ અપાવાવ કે અન્ય મદદ માટે અવાર-નવાર વાત કરતાં હતાં.

મારા કુટુંબમાં લગ્ન પ્રસંગ હોવાથી મેં રજાની માંગણી કરતાં તેણે રજા આપી નહોતી. જેથી મેં મારા બાપુજીને ફોન કરી રજા બાબતે વિક્રમ વંકાણી સાથે વાત કરવાનું કહેતાં તેણે મારા બાપુજીને કહેલુ કે તમારી દિકરી ગેરહાજર રહે છે, જેથી તેને રજા નહિ મળે. એમ કહી રજા આપી નહોતી. અભ્યાસ દરમિયાન ઓફિસ કામ માટે હું તેની પાસે જતી તો ખરાબ નજરથી જોતા હતાં. હું તેમને તાબે ન થવાથી તે મને શારીરિક અને માનસિક ત્રાસ આપતાં હતાં. હું માસિક ધર્મમાં હોવ ત્યારે બધા સ્ટુડન્ટની સામે હું ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જાઉ તેવા પ્રશ્નો કરતાં હતાં. વિક્રમ વંકાણી મને સામો મળે ત્યારે કહેલ કે-મારા કહ્યામાં ન થાવ તો તમારે ઘણું ભોગવવું પડશે. આ બનાવ વર્ષ ૨૦૧૩-૧૪નો છે.

હું અમારા પીએચડીના અભ્યાસ દરમિયાન વિક્રમ વંકાણીની ઓફિસે ગયેલ ત્યારે તે મોબાઇલ ઉપર અશ્લિલ ગીતો વગાડતાં હતાં અને મને ખરાબ નજરથી જોતાં હતાં. પ્રો. વિક્રમ વંકાણી અભ્યાસ દરમિયાન સ્ટુડન્ટને ખુબ જ ત્રાસ આપતાં હોઇ અને ખરાબ નજરે જોતાં હોઇ ઘણી વિદ્યાર્થીનીઓ અભ્યાસ અધુરો મુકી જતી રહેલ છે. પ્રોફેસર વંકાણી આ રીતે ખુબ જ ત્રાસ આપતાં હોઇ જેથી તેના વિરૂધ્ધ એસસીએસટી સેલમાં પણ કરી હતી.

પ્રોફેરસ વિક્રમ વંકાણી મને પર્સનલી ઓળખતા હોઇ મારી જ્ઞાતિ પ્રત્યે અભાવ રાખી તાલ્મિમાં અસહ્ય પીડા આપતાં હોઇ અને ઓફિસમાં કામ સબબ જાઉ ત્યારે ખરાબ નજરે જોતાં હોઇ તેમજ હું તેને તાબે ન થવાથી શારીરિક માનસિક ત્રાસ આપતાં હોઇ અને માસિક ધર્મમાં હોઉ ત્યારે બધા છાત્રોની હાજરીમાં ક્ષોભજનક સ્થિતિમાં મુકાઇ જાઉ તેવા પ્રશ્નો કરતાં હોઇ તેની સામે ફરિયાદ નોંધાવી છે.

યુનિવર્સિટી પીઆઇ આર. એસ. ઠાકર, પીએસઆઇ એમ. વી. રબારી, મહિલા કોન્સ. જ્યોતિબેન લશ્કરી સહિતની ટીમે આ ગુનો દાખલ કર્યો છે અને આરોપી પ્રોફેસર વિક્રમ વંકાણીને સકંજામાં લઇ લીધો છે. એસસીએસટી સેલના એસીપીશ્રીની રાહબરીમાં વિશેષ તપાસ શરૂ થઇ છે.

(11:52 am IST)