Gujarati News

Gujarati News

News of Saturday, 1st August 2020

રમઝાન ઇદને લોકડાઉન નડી ગયુ તો ઇદુલ અદહાને વૈશ્વિક મહામારી નડી ગઇ

ર૦૧૮ અને ર૦૧૯માં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાતા ગવાહી ઉપર 'ઇદુલ અદહા' થયેલ પણ આ વખતે સમગ્ર ભારત દેશમાં એક સાથે ચંદ્ર દર્શન થવા છતા 'કોરોના'નું વિઘ્ન આવી ગયું : ર૦૧૭-ર૦૧૮, ર૦૧૯ માં ર૯ રોઝા થતા ચંદ્ર દર્શન માટે જહેમત ઉઠાવાયેલ પણ ર૦ર૦માં સમગ્ર દેશમાં ૩૦ રોઝા થતા રાહત રહી પણ રમઝાન ઇદને લોકડાઉન નડી ગયેલુ

રાજકોટ : થોડા સમય પહેલા રમઝાન ઇદ અને હાલની ઇદુલઅદહા વૈશ્વીક મહામારી વચ્ચે આવેલ છે ત્યારે અત્રે એ નોંધનીય છે કે ગત વર્ષે ઓગસ્ટ માસમાં મેઘાવી માહોલ હોઇ સૌરાષ્ટ્રના ૭પ% વિસ્તારમાં ચંદ્ર દર્શનનો અભાવ સર્જાયો અને કચ્છમાં બે થી ત્રણ સ્થળે ચંદ્ર જોવા મળતા તેની ગવાહીના આધારે ઇદુલ અદહા ર૦૧૯માં સંપન્ન થયેલ હતી.

જયારે ર૦૧૮માં તો સૌરાષ્ટ્ર-કચ્છમાં કયાંય ચંદ્ર દર્શન નહી થતા છેક મુંબઇથી ગવાહી લાવવામાં આવી હતી અને સૌરાષ્ટ્રમાં ઇદુલ અદહા ઉજવાઇ હતી જયારે ર૦૧૯માં તેનાથી ઉલટુ સૌરાષ્ટ્રથી ગવાહી મોકલી-મુંબઇમાં ઇદુલ અદહા મનાવવામાં આવી હતી ત્યારે આ વખતે વિચિત્રતા તોએ છે કે,  હાલમાં ગત ઇસ્લામી માસ જિલ્કાદના ૩૦ દી' પુરા સમગ્ર ભારતમાં થયા અને પછી ચંદ્રદર્શન થયેલ તેથી આ વખતે ઝંઝટમાંથી વ્યવસ્થાપકોને રાહત રહી  અને સમગ્ર ભારતમાં એક સાથે આજે શનિવારે ઇદુલ અદહા વિના વિઘ્ને મનાવવામાં આવી રહી છે પણ વૈશ્વિક મહામારી નડી ગઇ.

એજ  રીતે  વર્ષ ર૦૧૭,ર૦૧૮ અને ર૦૧૯માં રમઝાન માસના ર૯ રોઝા થયેલ અને રમઝાન ઇદના ચંદ્ર દર્શન માટે જહેમત ઉઠાવવી પડતી હતી પણ ર૦ર૦માં રમઝાન માસના આખા દેશમાં ૩૦ રોઝા પુરા થયા અને વિના વિઘ્ને રમઝાન ઇદ આવી પણ ત્યાં તો લોકડાઉન જ નડી ગયું.

આમ રમઝાન ઇદ સાદાઇથી ઉજવાઇ  એ જ રીતે આજે ઇદુલ અદહા પણ સાદગી ભેર સંપન્ન થવા પામી છે.

(11:18 am IST)